સમૂહલગ્નના પરિણામે ગરીબ પરિવારના સંતાનોના લગ્નની આર્થિક ચિંતા દૂર થાય છે: મંત્રી

PC: Khabarchhe.com

સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, સુરત જિલ્લાના ઓલપાડ ખાતે સમર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત હળપતિ સમાજના છઠ્ઠા સમૂહ લગ્નોત્સવમાં 58 નવદંપતિઓએ પ્રભૂતામાં પગલા પાડ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ સમૂહલગ્નમાં જોડાઈને દાંમ્પત્યજીવનની કેડી કંડારી રહેલા નવદંપતિઓને શુભેચ્છાઓ આપતા જણાવ્યું હતું કે, સમૂહલગ્નોના પરિણામે ગરીબ પરિવારના સંતાનોના લગ્નની આર્થિક ચિંતા દૂર થાય છે. છેવાડાના માનવીને મુખ્યધારામાં જોડવા સરકારના સફળ પ્રયાસો સમી અનેકવિધ યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવાનો અનુરોધ તેમણે કર્યો હતો.

આ અવસરે મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, ઓલપાડ વિસ્તારમાં અંદાજે 70 હજારથી વધુ હળપતિ સમાજની વસ્તી છે. પોતાનું આખું જીવન અન્યોની સેવામાં સમર્પિત કરી દેતા એવા નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા હળપતિ સમાજના લોકો પોતાના દીકરા-દીકરીઓના લગ્ન માટે ઉછીના નાણાં લેવા મજબૂર બને છે, જેને પરત કરવામાં ખૂબ મુશ્કેલીઓ વેઠતા હોય છે, ત્યારે આવા વિપરીત સંજોગોમાં આર્થિક રીતે નબળા વર્ગ માટે સમૂહલગ્નો આશીર્વાદ સમાન હોવાનું જણાવી સમર્થ કલ્યાણ ટ્રસ્ટના નેજા હેઠળ 425 હળપતિ દંપતિઓના લગ્નના સેવારૂપી કાર્યને મંત્રીએ બિરદાવ્યું હતું.

તેમણે વધુમાં કહ્યું કે, આ સમાજમાંથી વ્યસનમુકિત માટે 1400 હળપતિ યુવાનોની ટીમ તૈયાર કરવામાં આવી છે. મંત્રીએ સ્વયં 350 બાળકોને દત્તક લઈને અભ્યાસની જવાબદારી વહન કરી રહ્યા હોવાનું જણાવી નવદંપતિઓનું લગ્નજીવન સુખમય બને તેવી શુભકામનાઓ પાઠવી હતી.

તેમણે સાંસદ સી.આર.પાટીલે સમૂહલગ્નના આયોજન થકી હળપતિ સમાજની ગરીબ દીકરીઓના લગ્નનું અનેરૂ સેવાકીય કાર્ય કરવા બદલ મંત્રી મુકેશ પટેલને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે સમાજના ગરીબ વર્ગોને મદદરૂપ થવા સૌને એકજૂથ થઈ સમૂહલગ્નોને પ્રોત્સાહન આપવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.

આ વેળાએ સમૂહલગ્ન માટે દાનની સરવાણી વહાવનાર સુરત ડિસ્ટ્રિક્ટ બેંક, સાયણ સુગરમિલ, પુરૂષોત્તમ જિનીંગ મિલ, સુમુલ સંશોધન કેન્દ્ર, સાયણ નાગરિક ધિરાણ મંડળી, રિલાયન્સ ફાઉન્ડેશનના પ્રતિનિધિઓ તેમજ અન્ય વ્યકિતગત દાન આપનારા નિમેશ પટેલ, જયેશ પટેલ, મનોજ પટેલ, પ્રકાશ પટેલ, અજિત પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp