નૌતમ સ્વામીએ વિવાદ વધાર્યો, કહે- સ્વામિનારાયણ ભગવાનની પણ હનુમાનજીએ સેવા કરેલી છે

PC: twitter.com

સાળંગપુર સ્વામિનારાયણ મંદિરના પરિષરમાં લગાવવામાં આવેલા એક ભીંતચિત્રમાં હનુમાનજી મહારાજ ભગવાન સ્વામિનારયણ સામે હાથ જોડીને બેઠા હોય તેવું બતાવવામાં આવ્યું છે. આ તસ્વીર વાયરલ થવાને કારણે ભારે વિવાદ ઉભો થયો છે.

આ વિવાદ વચ્ચે 31 ઓગસ્ટની સાંજે ખંભાતમાં નૂતન સંત નિવાસ ઉદ્ઘાટન સમારોહમાં વડતાલ ધામના સંત અને અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ નૌતમ સ્વામિનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે, સ્વામિનારાયણ ભગવાન છે અને તેમના કુળદેવ પણ હનુમાનજી મહારાજ છે. તેમણે આગળ કહ્યુ કે, ભગવાનના જેટલા પણ અવતાર થયા ભગવાન શ્રીરામ, ભગવાન  કૃષ્ણ નારાયણ, સ્વામિ નારાયણ પણ ભગવાન જ છે. સ્વામિનારાયણ ભગવાનની પણ હનુમાનજીએ સેવા કરેલી છે.

એ વિશે સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ જાહેર છે. તેમણે કહ્યું કે નાના મોટો પ્રશ્નો હોય તો તેની યોગ્ય ફોરમ પર વાત કરી શકાય. કેટલાંક લોકો કોર્ટમાં ગયા છે અને કોર્ટ જવાબ આપશે. નાના-મોટા લોકોએ જવાબ આપવાની જરૂર નથી.

સાળંગપુરમાં હનુમાનજી મહારાજની વિશાળ પ્રતિમા છે એ ગૌરવની બાબત છે. કોઇ પણ સ્વામિનારાયણ મંદિર એવું ન હોય જેમા હનુમાન મહારાજ અને વિધ્નહર્તા દેવ હાજર ન હોય.

સાળંગપુરમાં પ્રતિમાને લઈને વિવાદ દિવસે ને દિવસે વધી રહ્યો છે, જેમાં હનુમાનદાદાને સ્વામિનારાયણના સંતોને નમન કરતા દર્શાવાયા છે. હિન્દુ સંગઠનો આનો વિરોધ કરી રહ્યા છે અને મૂર્તિ હટાવવાની માગ કરી રહ્યા છે, ત્યારે મોરારી બાપુએ પણ આને લઈને પોતાનું નિવેદન આપ્યું છે.

મોરારી બાપુએ કહ્યું હતું કે, હનુમાનજીનું અપમાન ન ચલાવી લેવાય. લોકોએ જાગૃત થવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે, અમારા સૌરાષ્ટ્રમાં એક જગ્યાએ હનુમાનજીની સુંદર અને મોટી મૂર્તિ છે. ઉપર હનુમાનજીની મૂર્તિ પણ નીચે હનુમાનજી તેમના કોઈ મહાપુરુષને પ્રણામ કરતા અને સેવા કરતા દર્શાવામાં આવ્યા છે. આ બધો હીન ધર્મ છે. તમે વિચારો સમાજને જાગૃત થવાની બહુ જરૂર છે. લોકો મને કહે છે  બાપુ તમે કંઈ બોલો. પણ હું બોલ્યો ત્યારે મારી સાથે કોઈ ના બોલ્યા, હવે તમે બોલો.

સાળંગપુરમાં બજરંગબલી મંદિરમાં આવેલી કિંગ ઓફ સાળંગપુરની ભવ્ય પ્રતિમાની નીચે બનેલી કણપીઠમાં શિલ્પચિત્રો કંડારાવવામાં આવ્યા છે, જેમાં ભગવાન સ્વામિનારાયણ ઊભા છે અને બજરંગબલી તેમને પ્રણામ કરતા હોય તેવા શિલ્પ છે. આ શિલ્પમાં ભગવાન સ્વામિનારાયણને બજરંગબલી પ્રણામ કરતા હોય તેવા ચિત્ર બતાવાતા હિન્દુ સંગઠનો આક્રમક મૂડમાં છે અને વિશ્વ હિન્દુ પરિષદ સહિતના સંગઠનોએ આ ભીંતચિત્રો હટાવવા માગ કરી છે. આ ગરમાયેલા મુદ્દાને થાળે પાડવા સ્વામિનારાયણ ટ્રસ્ટની મીટિંગ મળવાની હતી પણ તે અંતિમ સમયે રદ્દ કરવામાં આવી હતી.

સાળંગપુર બજરંગબલી મંદિરે કંડારવામાં આવેલા કેટલાક ભીંત ચિત્રો મૂળ ધાર્મિક વાતોથી વિરુદ્વ દર્શાવવા મામલે કેટલાક લોકો તરફથી સોશિયલ મીડિયાના માધ્યમથી નિંદા કરી વિરોધ શરૂ કરાતા વિવાદનું વાવેતર થયું છે. સાળંગપુર હનુમાન મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર પછીના મેદાનમાં 54 ફૂટ ઊંચાઈની હનુમાનની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આ પ્રતિમાના ફાઉન્ડેશનની આસપાસ ખાલી જગ્યા ઉપર વિવિધ ધાર્મિક અને સાંપ્રદાયિક બાબતોને ઉજાગર કરતી પ્રતિમાઓ કંડારવામાં આવી છે.

આ પ્રતિમાઓમાં બજરંગબલીને સહજાનંદ સ્વામિના દાસ તરીકે કંડારવામાં આવ્યા હોવાનું તેમજ બજરંગબલી સહજાનંદ સ્વામિ સામે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં ઉભા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. એ સિવાય અન્ય એક ભીંત ચિત્રમાં એક આસન પર બેઠા હોય તેમ નજરે પડી રહ્યું છે, જ્યારે બજરંગબલી નીચે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં બેઠા હોય તેમ દર્શાવવામાં આવ્યું છે. આ દરમિયાન કેટલાક દર્શનાર્થીઓએ આ શિલ્પચિત્રોના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા બાદ વિવાદ વકર્યો છે.

આ મામલો સામે આવ્યા બાદ માત્ર સોશિયલ મીડિયામાં જ નહીં, પરંતુ કેટલાક હિંદુ સંગઠનોએ પણ આ ચિત્રોને લઇને સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ કર્યો છે. અખિલ ભારતીય નવયુગ સંસ્થા, ગુજરાત હિંદુ યુવાવાહિની દ્વારા આ વિવાદિત ભીંતચિત્રો હટાવવાની માગ કરવામાં આવી છે. સંગઠનોના અધ્યક્ષ રાજભા ગઢવીએ આ મામલે જણાવ્યું કે, ‘આ સનાતન સંસ્કૃતિનું અપમાન છે, સ્વામિનારાયણ સંપ્રદાય આ પ્રકારની ભૂલો વારંવાર કરે છે. આવનાર પેઢી એમ જ માનશે કે બજરંગબલી મહારાજ ભગવાન રામના નહીં, પણ કોઈ એક સંપ્રદાયના સ્વામિના ભક્ત હતા. તેમ સોશિયલ મીડિયામાં કોમેન્ટ કરી વિવાદ વકર્યો છે.’

બોટાદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ (VHP) પ્રમુખ સતુભાઈ ધાધલે પણ સમગ્ર ઘટના દુઃખદ હોવાનું તથા કોઠારી સ્વામિનો સંપર્ક કરતા વડતાલમાં મીટિંગ કરી યોગ્ય સમાધાન લવાશે તેમ બોટાદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખે જણાવ્યું હતું. હિન્દુ સંગઠનોએ આ ચિત્રો હટાવવાની સખત માગ કરી છે. આ મામલે મોરારીબાપુએ પણ નિવેદન આપ્યું છે કે, આજકાલ દુનિયામાં પોતાની શ્રેષ્ઠતા સિદ્ધ કરવા લોકો કેવા કપટ કરે  છે. અમારા સૌરાષ્ટ્રમાં બજરંગબલીની એટલી સરસ મોટી મૂર્તિ છે અને તેની નીચે ચિત્રમાં બજરંગબલી તેમના કોઈ મહાપુરુષને પ્રણામ કરતા, તેમની સેવા કરતા દેખાય છે. હવે સમાજે જાગૃત થવાની ખૂબ જ જરૂરિયાત છે. લોકો કહે છે બાપુ તમે બોલો. હું બોલ્યો ત્યારે મારી સાથે કોઈ પણ બોલ્યું નહોતું. હવે તમે બોલો.

સ્વામિને હાથ જોડી બજરંગબલી પ્રણામ કરતા હોય તેવી પ્રતિમા યોગ્ય નથી. આ ઘટનાને નિંદનીય ગણાવી આ પ્રકારની જે મૂર્તિઓ છે હટાવી લેવા બાપુએ માગ કરી છે. બજરંગબલી તો ભગવાન રામના અનુયાયી છે એવા પ્રકારની મૂર્તિ ન મૂકવી જોઈએ તેવી માગ કરી હતી. ભારતીય સંસ્કૃતિ સનાતન ધર્મના હિતમાં સંસ્કૃતિ જળવાઈ રહે તેમજ અનુયાયીઓ અને યુવા પેઢીના હિતમાં યોગ્ય પ્રતિમા મૂકવા જણાવ્યું હતું. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને લોકોને મૂર્તિઓ અને ધાર્મિક લાગણીઓનું ધ્યાન રાખવું જોઈએ અને આવા વિવાદમાં ન પડવું જોઈએ.

સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા અગાઉ પણ અનેક આવા કાર્યો કર્યાં છે અને પછી વિવાદ થયા બાદ માફી માગી લેતા હોય છે. સ્વામિનારાયણ સંપ્રદાય વિવાદની જગ્યાએ સમાજનું ઉત્થાન થાય તેવું કામ કરવા સૂચન કર્યું. વિવાદિત ભીંતચિત્રો હટાવી યોગ્ય તકતીઓ લગાવવા માગ કરી હતી. બજરંગબલી સ્વામિનારાયણના સંતોને નમન કરતા હોય તેવી પ્લેટની તસવીરો સામે આવતા સંતો અને સનાતન પ્રેમીઓમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે.

બોટાદ સાળંગપુર બજરંગબલી પ્રતિમાનો વિવાદ ભાવનગર સુધી પહોંચ્યો છે. આ મામલે સનાતન ધર્મ સેવા સમિતિ દ્વારા સિહોર તાલુકા પોલીસ મથકમાં પગલા લેવા અરજી કરવામાં આવી છે. મંદિરના સ્વામિઓ સામે ફરિયાદ નોંધવાનો અરજીમાં ઉલ્લેખ કરાયો છે. ભગવાન સ્વામિનારાયણની પ્રતિમાને હાથ જોડીને બજરંગબલીના ભીંતચિત્રોના વીડિયો-ફોટા વાયરલ થતા સમગ્ર વિવાદ સર્જાયો છે. સનાતન ધર્મસેવા સમિતિ દ્વારા અરજીની સાથે 33 દસ્તાવેજી પુરવા સાથે અરજી કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp