અમારી સરકાર ગરીબોના કલ્યાણ માટે કામ કરે છે: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

PC: PIB

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન આપતા કહ્યું હતું કે, ચિકબલ્લાપુર આધુનિક ભારતના આર્કિટેક્ટ પૈકી એક તરીકે ગણાતા, સર એમ. એમ. વિશ્વેશ્વરાયનું જન્મસ્થળ છે અને તેમની સમાધિને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા તેમજ તેમના જીવનની ઝાંખી કરાવતા સંગ્રહાલયની મુલાકાત લેવાની તક મળવા બદલ તેમણે આભાર વ્યક્ત કર્યો. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, હું આ સદ્ગુણી ભૂમિને હું શિશ ઝુકાવીને વંદન કરું છું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ચિકબલ્લાપુરની ભૂમિ સર વિશ્વેશ્વરાય માટે નવા આવિષ્કારો સાથે આગળ આવવા અને ખેડૂતો તેમજ સામાન્ય લોકો માટે નવા એન્જિનિયરિંગ પ્રોજેક્ટ્સ વિકસાવવા માટે પ્રેરણા સ્રોત હતી.

 ‘વિકસીત ભારત’ના નિર્માણનું લક્ષ્ય પ્રાપ્ત કરવાની સફરમાં સામાજિક અને ધાર્મિક સંસ્થાઓની ભૂમિકા અને સંતો, આશ્રમો તેમજ મઠની મહાન પરંપરા પર તેમણે પ્રકાશ પાડ્યો હતો. આ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ, શ્રદ્ધા અને આધ્યાત્મિક પાસાઓ દ્વારા, ગરીબો, દલિતો, પછાત અને આદિવાસીઓનું સશક્તિકરણ કરી રહી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તમારી સંસ્થા દ્વારા કરવામાં આવેલા કાર્યો 'સબકા પ્રયાસ'ની ભાવનાને વધુ મજબૂત કરે છે.

પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, છેલ્લા 9 વર્ષમાં દેશમાં મેડિકલ સીટોની સંખ્યા બમણી થઇ ગઇ છે. તેમણે નોંધ્યું હતું કે, આગામી 10 વર્ષમાં દેશમાં જેટલા ડૉકટરો તૈયાર થશે તેટલા જ ડૉક્ટરો ભારતમાં આઝાદીના સમયથી અત્યાર સુધીમાં તૈયાર થયા છે. દેશમાં થયેલા વિકાસ કાર્યોનો લાભ કર્ણાટકને પણ મળી રહ્યો છે તે વાત પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ રાજ્ય દેશમાં લગભગ 70 મેડિકલ કોલેજોનું ગૃહસ્થાન છે અને ચિકબલ્લાપુરમાં ઉદ્ઘાટન કરવામાં આવેલી મેડિકલ કોલેજ ડબલ એન્જિનની સરકારના બેવડા પ્રયાસોનું ઉદાહરણ છે. તેમણે આ વર્ષના બજેટના ભાગ રૂપે દેશમાં 150 કરતાં વધુ નર્સિંગ સંસ્થાઓ ઉભી કરવાના નિર્ણય વિશે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે, આના કારણે નર્સિંગ ક્ષેત્રમાં યુવાનો માટે નવી તકોનું સર્જન થશે.

પ્રધાનમંત્રીએ તબીબી શિક્ષણમાં ભાષાના પડકારનો ઉલ્લેખ કર્યો હતો અને તબીબી શિક્ષણમાં સ્થાનિક ભાષાઓને પ્રોત્સાહન આપવા માટે અગાઉના સમયમાં પૂરતા પ્રયાસો કરવામાં નહોતા આવ્યા હતા તે અંગે તેમણે અફસોસ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ રાજકીય પક્ષો ગામડાઓ અને પછાત સ્થળોમાં રહેતા યુવાનોને મેડિકલ અને એન્જિનિયરિંગ વ્યવસાયમાં સ્થાન મળે તે જોવા માટે તૈયાર જ નથી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અમારી સરકાર ગરીબોના કલ્યાણ માટે કામ કરી રહી છે. તેણે કન્નડ સહિત તમામ ભારતીય ભાષાઓમાં તબીબી શિક્ષણનો વિકલ્પ આપ્યો છે.

પ્રધાનમંત્રીએ ગરીબોને માત્ર મત બેંક તરીકે ગણવામાં આવતા હોવાની દેશમાં લાંબા સમયથી ચાલી રહેલી રાજનીતિક પ્રથા અંગે અફસોસ વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે અમારી સરકારે ગરીબોની સેવા કરવી એ પોતાની સર્વોચ્ચ ફરજ ગણાવી છે. અમે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપી છે. તેમણે જન ઔષધિ કેન્દ્રો અથવા ઓછી કિંમતની દવાનું ઉદાહરણ આપ્યું હતું અને માહિતી આપી હતી કે, આજે સમગ્ર દેશમાં લગભગ 10,000 જન ઔષધિ કેન્દ્રો શરૂ થઇ ગયા છે, જેમાંથી 1000થી વધુ તો કર્ણાટકમાં જ છે. તેમણે ઉમેર્યું હતું કે, આવી પહેલથી ગરીબો દવાઓ પર થતા ખર્ચમાં હજારો કરોડ રૂપિયાની બચત કરવા માટે સમર્થ બન્યા છે.

પ્રધાનમંત્રીએ એક સમયે જ્યારે ગરીબોને સારવાર માટે હોસ્પિટલોનો ખર્ચ પરવડી શકે તેમ નહોતો તે ભૂતકાળના દિવસો પર પણ પ્રકાશ ફેંક્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વર્તમાન સરકારે ગરીબોની આ ચિંતાની નોંધ લીધી છે અને આયુષ્માન ભારત યોજના દ્વારા તે સમસ્યાનું નિરાકરણ કર્યું છે. આ યોજનાથી ગરીબ પરિવારો માટે હોસ્પિટલોના દરવાજા ખુલી ગયા છે. કર્ણાટકમાં પણ લાખો લોકોને આ યોજનાનો લાભ મળ્યો છે તે વાતને રેખાંકિત કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકારે ગરીબોને રૂ. 5 લાખ સુધીની મફત સારવારની ખાતરી આપી છે. પ્રધાનમંત્રીએ હૃદયની સર્જરી, ઘૂંટણ બદલવાના ઓપરેશન અને ડાયાલિસિસ વગેરે જેવી મોંઘી શસ્ત્રક્રિયા પ્રક્રિયાઓના ઉદાહરણો આપ્યા હતા અને ધ્યાન દોર્યું હતું કે, સરકારે ખર્ચાળ ફી ઓછી કરવા માટે તમામ જરૂરી પગલાં લીધાં છે.

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, અમે સ્વાસ્થ્ય સંબંધિત નીતિઓમાં માતાઓ અને બહેનોને સર્વોચ્ચ અગ્રતા આપીએ છીએ. જ્યારે આપણી માતાઓના સ્વાસ્થ્ય અને પોષણમાં સુધારો આવે છે ત્યારે આખી પેઢીનું સ્વાસ્થ્ય સુધરે છે તે વાતને રેખાંકિત કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા આ બાબત પર વિશેષ ભાર આપવામાં આવી રહ્યો છે. તેમજ તેમણે શૌચાલય નિર્મામ, મફત ગેસ કનેક્શન આપવા, નળ દ્વારા પાણી આપવા, દરેક ઘરને મફત સેનિટરી પેડ આપવા અને પૌષ્ટિક ખોરાક માટે સીધા બેંકમાં પૈસા મોકલવા જેવી યોજનાઓના ઉદાહરણનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે સ્તન કેન્સર તરફ સરકાર દ્વારા આપવામાં આવેલ વિશેષ ધ્યાન પર ભાર મૂક્યો હતો અને માહિતી આપી હતી કે, ગામડાઓમાં આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો ખોલવામાં આવી રહ્યા છે અને પ્રારંભિક તબક્કામાં જ આવા રોગોની તપાસ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રીએ રાજ્યમાં 9,000થી વધુ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો સ્થાપવા બદલ બોમાઇજી અને તેમની ટીમને અભિનંદન આપ્યા હતા.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ડબલ એન્જિનની સરકાર સ્વાસ્થ્યની સાથે સાથે મહિલાઓના આર્થિક સશક્તિકરણ પર પણ સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. કર્ણાટકને દૂધ અને રેશમની ભૂમિ ગણાવીને પ્રધાનમંત્રીએ પશુપાલન કરતા ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડ, 12 હજાર કરોડના ખર્ચ સાથે પશુઓ માટે શરૂ કરવામાં આવેલા વિશાળ રસીકરણ અભિયાન વિશે માહિતી આપી હતી. ડેરી સહકારિતામાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે પણ ડબલ-એન્જિનની સરકાર પ્રયાસ કરી રહી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગામડાઓમાં મહિલાઓના સ્વ-સહાય જૂથોને પણ સશક્ત કરવામાં આવી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, જ્યારે દેશ સ્વસ્થ હશે અને 'સબકા પ્રયાસ' વિકાસ માટે સમર્પિત હશે, ત્યારે આપણે વિકસિત ભારતના નિર્માણનું લક્ષ્ય ઝડપથી પ્રાપ્ત કરીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp