વિકાસની રાજનીતિ કોને કહેવાય તે દેશ-દુનિયાને PM મોદીએ શીખવ્યું: CM પટેલ

PC: khabarchhe.com

CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે સુરત મહાનગરપાલિકા, અર્બન રિંગ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ, સુરત શહેરી વિકાસ સત્તામંડળ અને માર્ગ-મકાન વિભાગના 502 કરોડના ખર્ચના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સુરત શહેરના અડાજણના સંજીવકુમાર ઓડિટોરીયમ ખાતે યોજાયેલા સમારોહને સંબોધન કરતા CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, શહેરો-નગરોનો સમગ્રતયા વિકાસ થાય તે માટે રાજય સરકાર કટિબદ્ધ છે. લોકોનુ જનજીવન સહજ અને સરળ બને તે માટે નરેન્દ્ર મોદીએ ઈઝ ઓફ લિવિંગની કાર્યપ્રણાલી અપનાવી છે. સુરત શહેર આયોજનબદ્ધ રીતે આગળ વધતુ અને ધબકતું શહેર છે. જે આયોજનબદ્ધ આગળ વધે છે તેના વિકાસને કોઈ રોકી શકતુ નથી.

તેમણે જણાવ્યું કે 1995માં રાજયનું બજેટ 12000 કરોડનું હતું. જે આજે વધીને ત્રણ લાખ કરોડે પહોચ્યું છે. લોકોની સુખાકારી વિકાસ માટે જેટલા નાણા માંગો તે આપવા સરકાર તૈયાર છે. સુરત સતત આગળ વધતું શહેર છે. સૌથી વધુ ફલાય ઓવર બ્રીજ તરીકે જાણીતું છે. પી.એમ.મિત્રા પાર્કના એમ.ઓ.યુ. આજે કરવામાં આવ્યા છે અને યોગનો વિશ્વવિક્રમ પણ સુરતે પોતાના નામે અંકિત કર્યો છે.  આજે વિકાસ છેવાડાના માનવી સુધી પહોચ્યો છે.

તાજેતરમાં નર્મદા અને તાપી જિલ્લાના બોર્ડર વિલેજના ગામડાઓની લીધેલી મુલાકાતનો ઉલ્લેખ કરતા કહ્યું કે, છેવાડાના માનવી સુધી રોડ-રસ્તા, આરોગ્ય સહિતની ઈન્ફ્રાસ્ટ્રકચર સવલતો પહોંચી છે. દેશ અને રાજયમાં માત્ર વિકાસ અને વિકાસની રાજનીતિ કોને કહેવાય તે દેશ-દુનિયાને નરેન્દ્ર મોદીએ શીખવ્યું છે તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.  ભારતમાં થઈ રહેલા વિકાસકામોની વિગતો આપતા કહ્યું કે, 2014ના વર્ષમાં પાંચ શહેરોમાં મેટ્રોનું નેટવર્ક હતું જે આજે 20 જેટલા શહેરોમાં ડેવલપ થયું છે.

છ લાખ મધ્યમ વર્ગના લોકો માટે ક્રેડિટ લીંક સબસિડી યોજના આર્શીવાદરૂપ બની છે. ઉડ્ડાન યોજના હેઠળ દેશના સેકન્ડ અને થર્ડ શહેરો હવાઈ પરિવહન સાથે એક પછી એક જોડાયા છે.  સુરત મનપાના વિવિધ ઝોન વિસ્તારમાં અંદાજિત 46.10 કરોડના ખર્ચે વિવિધ પ્રકલ્પોનાં લોકાર્પણ-ખાતમુહૂર્ત અને અર્બન રિંગ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ.(URDCL) દ્વારા પ્રથમ તબક્કામાં રૂ.403 કરોડના ખર્ચે સુરત શહેરની ફરતે તૈયાર થયેલા આઉટડોર રિંગરોડના તથા તાપી નદી પર વાલક ખાતેના બ્રિજનું લોકાર્પણ, સુરત શહેરી વિકાસ સત્તામંડળ(સુડા) દ્વારા અંદાજિત રૂ.33 કરોડના ખર્ચે વિકાસકામો લોકાર્પણ-ખાતમુહૂર્ત તેમજ માર્ગ અને મકાન હસ્તકના રૂ.20 કરોડના ખર્ચે રાંદેરના રામનગર સ્થિત સરકારી વસાહતમાં નવનિર્મિત બી કેટેગરી બિલ્ડિંગના બે બ્લોકનું લોકાર્પણ કરાવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp