- Politics
- રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર નિક્કી હેલીએ કહ્યુ- USને હવે નવી પેઢીના નેતાની જરૂર છે
રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર નિક્કી હેલીએ કહ્યુ- USને હવે નવી પેઢીના નેતાની જરૂર છે
અમેરિકામાં રિપબ્લિકન પાર્ટીના નેતા અને પાર્ટીના રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી નોંધાવી રહેલી નિક્કી હેલીએ કહ્યું છે કે અમેરિકનોને દેશમાં નવી પેઢીના નેતાઓની જરૂર છે. હેલીએ કહ્યું, 'અમે એવા ઘણા નેતાઓ જોયા છે જેમણે ભૂતકાળમાં અમારું નેતૃત્વ કર્યું છે. કોંગ્રેસમાં અમારે ટર્મ લિમિટ હોવી જોઈએ. 75 વર્ષથી વધુ ઉંમરના કોઈપણ ચૂંટાયેલા અધિકારી માટે પાત્રતા કસોટી હોવી જરૂરી છે.'
હાલના અમેરિકન પ્રમુખ જો બાઇડન અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, જેમણે ચૂંટણી લડવાના નિર્ણયની જાહેરાત કરી દીધી છે, તેમની ઉંમર 75 વર્ષથી વધુ છે. હેલીના નિવેદન પર પ્રતિક્રિયા આપતા વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરિન જીન-પિયરે એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું કે, "અમે પહેલા પણ આ પ્રકારના હુમલાઓ અથવા ટિપ્પણીઓ સાંભળી છે."
તેમણે કહ્યું કે તેમની ક્ષમતા સાબિત કરીને, બાઇડન આ વખતે આવા ટીકાકારોને ચૂપ કરવામાં સફળ થયા છે. હેલીએ કહ્યું કે અમેરિકાને નવી પેઢીના નેતાઓની જરૂર છે. તેમણે કહ્યું, 'આપણે આ યથાસ્થિતિ બદલવી પડશે. આપણે આ અવ્યવસ્થાને પાછળ છોડીને ભવિષ્ય વિશે વાત કરવી પડશે.'

ભારતીય મૂળના રિપબ્લિકન નેતા નિક્કી હેલીએ 2024ની યુએસ પ્રમુખપદની ચૂંટણી માટે સત્તાવાર રીતે પોતાની ઉમેદવારી રજૂ કરી છે. હેલી દક્ષિણ કેરોલિનાના બે વખત ગવર્નર અને સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના ભૂતપૂર્વ રાજદૂત છે. નિક્કી હેલી ત્રીજી ભારતીય-અમેરિકન છે જે સતત ત્રણ ચૂંટણીમાં યુએસ પ્રમુખપદ માટે લડી રહી છે. આ પહેલા બોબી જિંદાલ 2016માં અને 2020માં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સામેલ થઈ ચુકી છે.
પ્રમુખપદની રેસમાં પ્રવેશતા પહેલા હેલીએ રિપબ્લિકન પાર્ટીના પ્રેસિડેન્ટની ચૂંટણીમાં જીતવું પડશે, જે આવતા વર્ષે જાન્યુઆરીમાં શરૂ થશે. આગામી યુએસ પ્રમુખપદની ચૂંટણી 5 નવેમ્બર, 2024ના રોજ યોજાવાની છે. 80 વર્ષીય બાઇડન અમેરિકાના સૌથી વધુ ઉંમરના રાષ્ટ્રપતિ છે.

