અવિશ્વાસ પ્રસ્તાવઃ PM બોલ્યા- ભારતની છબી બગાડવાની વિપક્ષની કોશિશ, ભગવાન રામ...

PC: twitter.com

મણિપુર મુદ્દે વિપક્ષે સંસદમાં અવિશ્વાસના રજૂ કરેલા પ્રસ્તાવ પછી 10 ઓગસ્ટે  PM મોદી સંસદમાં જવાબ આપશે એવું નક્કી થયુ હતું અને રાજકારણી, મીડિયા અને આખો દેશ પ્રધાનમંત્રી મણિપુર પર શું બોલશે તેની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે સાંજે સંસદમાં અવિશ્વાસ દરખાસ્ત મુદ્દે પોતાની વાત કરતા કહ્યુ હતું કે, દેશની પ્રજાએ અમારી સરકાર પર વારંવાર વિશ્વાસ મુક્યો છે. એટલે દેશની જનતાનો આભાર. PM મોદીએ આગળ કહ્યું કે, ભગવાન એકદમ દયાળું છે અને કોઇકને કોઇક માધ્યમથી પોતાની ઇચ્છા પૂર્તિ કરે છે. હું તેને ભગવાનના આર્શીવાદ માનું છું કે ભગવાને વિપક્ષને સૂચન કર્યું એટલે તેઓ આ પ્રસ્તાવ લઇને આવ્યા.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે,  વર્ષ 2018માં જ્યારે અમારી સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો ત્યારે મેં કહ્યુ હતું કે, આ અમારા માટે ફ્લોર ટેસ્ટ નથી, પરંતુ  બલ્કે એ ફ્લોર ટેસ્ટ વિપક્ષ માટે હતો અને તેનું પરિણામ એ આવ્યુ કે તેઓ ચૂંટણી હારી ગયા હતા.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ભાષણનો ઉલ્લેખ કરતા PM મોદીએ કહ્યું કે ઘણી વખત ખરાબ બોલવાના ઇરાદાથી સાચું નિકળી જતું હોય છે. લંકા હનુમાને નહોતી સળગાવી રાવણના ઘમંડને કારણે સળગી હતી એવું રાહુલ ગાંધીએ કહ્યું હતું. જેના જવાબમાં PM મોદીએ કહ્યુ કે, જનતા પણ ભગવાન રામનું સ્વરૂપ છે, એટલે કોંગ્રેસના 400માંથી 40 સાંસદ થઇ ગયા.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે કોંગ્રેસ નેતાઓના જન્મ દિવસે હવાઇ જહાજમાં કેક કાપવામાં આવે છે, પરંતુ હવે એ વિમાનમાં ગરીબ માટે વેક્સીન જાય છે.પ્રધાનમંત્રી મોદીએ નહેરુનું નામ લીધા વગર નિશાન સાધીને કહ્યુ હતુ કે, એક જમાનો હતો જ્યારે ડ્રાઇક્લીન માટે કપડાં વિમાનમાં આવતા હતા. આજે હવાઇ ચંપલ વાળો ગરીબ હવાઇ જહાજમાં ઉડે છે. પહેલાં રજાની મજા માણવા માટે નૌસેનાના યુદ્ધ જહાજને મંગાવી લેતા હતા. આજે એ જ જહાજો દુર ફસાયેલા ભારતીયો માટે ઉપયોગમાં લેવાઇ રહ્યા છે.

એક રીતે જોઇએ તો વિપક્ષનો અવિશ્વાસ અમારા માટે શુભ સાબિત થાય છે. આજે હું જોઇ રહ્યો છું કે વિપક્ષે નક્કી કરી લીધું છે કે જનતાના આર્શીવાદથી NDA અને ભાજપ 2024ની ચૂંટણીમાં છેલ્લાં બધા રેકોર્ડ તોડીને શાનદાર જીત મેળવીને ફરી કેન્દ્રમાં સરકાર બનાવશે,

કેટલાક વિપક્ષી દળોના આચરણથી સાબિત થયું છે કે તેમના માટે પાર્ટી દેશ કરતા મોટી છે. તમને ગરીબોની ભૂખની નહીં, તમારા મનમાં સત્તાની  ભુખ સવાર છે. તમને દેશના યુવાનોના ભવિષ્યની નહીં, પોતાના રાજનીતિક ભવિષ્યની ચિંતા છે.

PM મોદીએ કહ્યુ કે વિપક્ષી પાર્ટીઓ તેમને દિવસ રાત કોસે છે. વિપક્ષનો ફેવરીટ ડાયલોગ છે કે મોદી તેરી કબ્ર ખુદેગી. પરંતુ હું તેમના અપશબ્દોને મારું ટોનિક બનાવી લઉ છું.

પ્રધાનમંત્રી મોદીએ વિપક્ષની સામે નિશાન સાધીને કહ્યું કે દેશને વિશ્વાસ છે કે 2028માં જ્યારે તમે અવિશ્વાસની દરખાસ્ત લઇને આવશો ત્યારે ભારત દુનિયાની ત્રીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઇ હશે.

PM મોદીએ કહ્યું કે અમારી સરકાર જે પણ યોજના લાવી તેને કોંગ્રેસ અને સહયોગી પાર્ટીઓએ મજાક ઉડાવી હતી. કોંગ્રેસ અને તેની સહયોગી પાર્ટીઓને ભારત અને તેના સામ્થર્ય પર ક્યારેય ભરોસો રહ્યો નથી.

જેમ પાકિસ્તાન સરહદ પર હુમલા કરતું હતું. તે આતંકવાદીઓને મોકલતું હતું અને બધું કર્યા પછી પાકિસ્તાન ફરી જતું હતું. કોંગ્રેસને પાકિસ્તાન પ્રત્યે એટલો પ્રેમ હતો કે તે તેના શબ્દો પર વિશ્વાસ કરતી હતી. કોંગ્રેસને કાશ્મીરના સામાન્ય લોકોમાં નહીં પરંતુ હુર્રિયતમાં વિશ્વાસ હતો. ભારતે જ્યારે આતંકવાદ પર સર્જિકલ સ્ટ્રાઇક કરી ત્યારે તેમને ભારતીય સેના પર નહીં, પરંતુ દુશ્મનોના દાવા પર વધારે વિશ્વાસ હતો. આજે કોઇ પણ ભારત માટે અપશબ્દો બોલે છે તો તેમને એની પર તરત વિશ્વાસ આવી જાય છે.તેમને ભારતને બદનામ કરવામાં મજા આવે છે. કોંગ્રેસને ભારતની કોરાના વેક્સીન પર પણ વિશ્વાસ નહોતા.પ્રધાનમંત્રીએ આગળ કહ્યુ કે હવે દેશની જનતાને કોંગ્રેસમાં અવિશ્વાસ છે, એની પર પ્રજાને ભરોસો નથી.

PM મોદીએ વિપક્ષના ગઠબંઘન સામે પણ પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યુ કે એ INDIA ગઠબંધન નથી, ઘમંડીયા ગઠબંધન છે. એમની જાનમાં દરેક જણ દુલ્હો બનવા માંગે છે.એમના ગઠબંધનના દરેકને પ્રધાનમંત્રી બનવું છે. એ ગઠબંધને એ પણ ન વિચાર્યું કે તમારુ કયા રાજ્યમાં કોની સાથે કનેક્શન છે?

તેમણે આગળ કહ્યુ કે બંગાળમાં તમે TMC અને કમ્યુનિસ્ટ પાર્ટીના વિરોધમાં છો. દિલ્હીમાં સાથે થઇ ગયા. કેરળના વાયનાડમાં જે લોકોએ કોંગ્રેસની ઓફિસમાં તોડફોડ કરી હતી, તેની સાથે દિલ્હીમાં તેમણે હાથ મળાવી દીધા હતા. PM મોદીએ કહ્યું કે તમે બહારથી લેબલ તો બદલી નાંખશો પરંતુ જૂના પાપોનું શું થશે? તમે દેશની જનતાથી આ પાપ છુપાવી શકશો નહીં. અત્યારે તો પરિસ્થિતિ એવી છે એટલે તેઓ હાથ જોડે છે, જ્યાં પરિસ્થિતિ બદલાશે તો છરીઓ બહાર આવશે.

PM મોદીના ભાષણ વચ્ચે વિપક્ષના નેતાઓએ સદનમાંથી વોકઆઉટ કર્યું હતું. તેમનું કહેવું હતું કે, PM મોદી મણિપુર પર નથી બોલી રહ્યા. ત્યાર બાદ PM મોદીએ કહ્યું હતું કે, લોકતંત્રમાં જેનો વિશ્વાસ નથી હોતો તે સંભળાવવા માટે તૈયાર હોય છે, પરંતુ સાંભળવા માટે તૈયાર નથી હોતા, જૂઠ્ઠાણા ફેલાવીને ભાગી જાય છે. ત્યાર બાદ PM મોદીએ મણિપુર પર વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, જો વિપક્ષે હોમ મિનિસ્ટરની ચર્ચા પર સહમતિ દર્શાવી હોત તો લાંબી ચર્ચા થઈ શકી હોત.

મણિપુર વિશે PM મોદીએ કહ્યું હતું કે, એક કોર્ટનો નિર્ણય આવ્યો. તેના પક્ષ-વિપક્ષમાં સ્થિતિ બની અને હિંસા શરૂ થઈ. કેટલાય લોકોએ પોતાના નજીકના લોકોને ગુમાવ્યા, મહિલાઓ સાથે ગુનો થયો. દોષિઓને સખત સજા આપવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર કામ કરી રહી છે. દેશ ભરોસો રાખે, મણિપુરમાં શાંતિનો સૂરજ જરૂર ઉગશે. મણિપુરના લોકોને પણ કહેવા માગું છું કે, દેશ તમારી સાથે છે, અમે તમારી સાથે છીએ.

PM મોદીએ કહ્યું હતું કે, વિપક્ષના નેતાઓએ જણાવવું જોઈએ કે કચ્ચતીવું શું છે. DMK વાળા અને તેમના CM મને પત્ર લખીને કહે છે કચ્ચતીવુ પાછું લઈ આવો. તામિલનાડુથી આગળ, શ્રીલંકાથી પહેલા એક ટાપૂ  કોણે બીજા દેશને આપી દીધો હતો. શું તે ભારત માતા, મા ભારતનું અંગ નહોતું. આ ઈન્દિરા ગાંધીના નેતૃત્વમાં થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp