રાહુલ ગાંધીને 26 દિવસમાં સરકારી બંગલો ખાલી કરવાની નોટિસ મળી

PC: news18.com

સાંસદ સભ્ય પદ રદ્દ થયા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને બીજો ઝટકો સરકારે આપ્યો છે. રાહુલ ગાંધીને સરકારી બંગલો ખાલી કરવા માટે નોટિસ આપી દેવામાં આવી છે. લોકસભા આવાસ સમિતિએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સરકાર દ્વારા આપવામાં આવેલો બંગલો ખાલી કરવા માટે નોટિસ આપી છે. નોટિસ મુજબ રાહુલ ગાંધીને 22 એપ્રિલ સુધીમાં પોતાનો બંગલો ખાલી કરવો પડશે. ઉલ્લેખનીય છે કે, શુક્રવારના રોજ લોકસભા સચિવાલયે રાહુલ ગાંધીનો લોકસભા સભ્ય પદ રદ્દ કરી દીધું હતું. રાહુલ ગાંધી કેરળની વાયનાડ સીટ પરથી સાંસદ હતા. તેમને સુરતની કોર્ટે માનહાનિના કેસમાં દોષી જાહેર કરીને 2 વર્ષની સજા સંભળાવી હતી, જેને કારણે તેમનું સાંસદ પદ છીનવી લેવાયું હતું.

Dis’Qualified MP: રાહુલે ટ્વીટર પર પોતાનો બાયો બદલીને કર્યો 'ડિસ્ક્વોલિફાઈડ MP'

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સાંસદ પદ રદ્દ થયા બાદ પોતાના ટ્વીટર બાયોમાં ફેરફાર કર્યો છે.  રાહુલે પોતાના બાયોમાં 'ડિસ્ક્વોલિફાઈડ MP'નો ઉલ્લેખ કર્યો છે. રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં સુરતની કોર્ટે દોષી ઠેરવ્યા હતા ત્યારબાદ સાંસદ સભ્ય તરીકે તેમને ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. આ પછી રાહુલે આજે પોતાના બાયોમાં ડિસક્વોલિફાઇડ સાંસદ લખ્યું છે.

મારું નામ સાવરકર નથી, મારું નામ ગાંધી છે, ગાંધી કોઈની માફી નથી માગતાઃ રાહુલ

રાહુલ ગાંધીએ સંસદનું સભ્યપદ ગુમાવ્યા બાદ શનિવારે કોંગ્રેસ હેડઓફિસમાં પ્રેસ કોન્ફ્રેન્સ કરી. આ દરમિયાન તેમણે BJP સરકાર પર હુમલો બોલ્યો. તેમણે મોદી અદાણીના સંબંધો પર સવાલ પૂછ્યા. તેમણે કહ્યું કે, દેશમાં લોકતંત્ર પર હુમલો થઈ રહ્યો છે. આ ઉપરાંત, તેમણે સંસદમાં પોતાની સ્પીચ હટાવવા પર પણ વાત કહી. કોંગ્રેસ નેતા રાહુલને મોદી સરનેમ કેસમાં બે વર્ષની સજા સંભાવ્યા બાદ શુક્રવારે સ્પીકર ઓમ બિરલાએ તેમનું સંસદ સભ્યપદ રદ્દ કરી દીધુ. તેમને સુરત સેશન્સ કોર્ટે દોષી જાહેર કર્યા છે. જોકે, હજુ તેમની પાસે ઉપરની કોર્ટમાં અપીલ કરવાનો વિકલ્પ છે. બીજી તરફ, રાહુલ ગાંધી વિરુદ્ધ એક એક્શન પર કોંગ્રેસ કહ્યું કે, આ ભારતીય લોકતંત્રની સ્થિતિ વિશે દુનિયાને એક ખૂબ જ ખરાબ સંકેત મોકલી રહ્યા છે.

રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફ્રન્સમાં જણાવ્યું હતું કે, મેં સંસદમાં એ સવાલ પૂછ્યો કે અદાણીજીની શેલ કંપનીમાં 20 હજાર કરોડ કોણે ઇન્વેસ્ટ કર્યા. આ પૈસા અદાણીજીના નથી તો આ રકમ કોની છે. મેં સંસદમાં જણાવ્યું કે, PM મોદી અને અદાણીની વચ્ચે શું સંબંધ છે. મીડિયા રિપોર્ટ્સના હવાલાથી મેં તેમને પુરાવા પણ આપ્યા. રાહુલ ગાંધીએ કહ્યું- દેશમાં લોકતંત્ર પર આક્રમણ થઈ રહ્યું છે. સંસદમાં મંત્રીઓ મારી વિરુદ્ધ ખોટું બોલ્યા. તેમણે કહ્યું- મેં વિદેશી તાકાતો પાસે મદદ માંગી છે. મેં એવી વાત નથી કહી. સંસદમાંથી મારા ભાષણોને હટાવી દેવમાં આવ્યા. તેમણે કહ્યું- હું સવાલ પૂછવાનું બંધ નહીં કરીશ. હું ડરવાનો નથી.

રાહુલ ગાંધીએ કહ્યું- મોદીજી અને અદાણીનો સંબંધ ખૂબ જ જુનો છે. જ્યારે નરેન્દ્ર મોદીજી ગુજરાતના CM બન્યા હતા, ત્યારથી સંબંધ છે. મેં વિમાનમાં બેઠેલો તેમનો ફોટો પણ બતાવ્યો છે, તેઓ પોતાના મિત્ર સાથે આરામથી બેઠા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, અદાણી પર મારા ભાષણથી વડાપ્રધાન ડરેલા છે અને તેમનો આ ડર મેં તેમની આંખોમાં જોયો છે આથી, પહેલા મુદ્દા પરથી ધ્યાન ભટકાવવામાં આવ્યું. ત્યારબાદ મને અયોગ્ય જાહેર કરી દેવામાં આવ્યો.

રાહુલ ગાંધીએ કહ્યું- હું સવાલ પૂછવાનું બંધ નહીં કરીશ. અદાણીનો નરેન્દ્ર મોદીજી સાથે શો સંબંધ છે? આ હું પૂછતો રહીશ. હું હિંદુસ્તાનના લોકતંત્ર માટે લડી રહ્યો છું. હું લોકતંત્ર માટે લડતો રહીશ. હું કોઈનાથી નથી ડરતો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ભલે તેઓ મને સ્થાયીરૂપથી અયોગ્ય જાહેર કરી દે, હું મારું કામ કરતો રહીશ. મને તેનાથી કોઈ ફરક નથી પડતો કે હું સંસદની અંદર છું કે નહીં. હું દેશ માટે લડતો રહીશ.

રાહુલ ગાંધીએ કહ્યું- દેશમાં OBCનો મામલો નથી. આ અદાણી અને મોદીજીના સંબંધનો મામલો છે. ભારત જોડો યાત્રા દરમિયાન આપવામાં આવેલા મારા નિવેદનોને જો તમે જોશો તો મેં ક્યારેય એવી વાતો નથી કહી. મેં દરેક વર્ગને એકજૂથ થવા માટે વાત કહી. તેમણે કહ્યું- બધા એક છે, દેશમાં ભાઈચારો હોય. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સદસ્યતા રદ્દ થવાના વિરોધમાં દેશભરમાં પ્રદર્શન થઈ રહ્યા છે. તેના પર તેમણે કહ્યું- મારું સમર્થન કરવા બદલ હું તમામ વિપક્ષી દળોનો આભાર વ્યક્ત કરું છું, આપણે બધા મળીને કામ કરીશું. તેમણે માફી માગવાના સવાલ પર કહ્યું- મારું નામ સાવરકર નથી, મારું નામ ગાંધી છે, ગાંધી કોઈની માફી નથી માંગતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp