રાહુલ કંઈ સીટ છોડશે? વાયનાડ કે રાયબરેલી? કોંગ્રેસમાં ખેંચતાણ, 17મીએ ફેંસલો થશે

PC: facebook.com/rahulgandhi

કોંગ્રેસની વર્કીંગ કમિટીમાં શનિવારે એ વિશે ચર્ચા થઇ હતી કે રાહુલ ગાંધીએ કેરળની વાયનાડ સીટ છોડવી કે પછી ઉત્તર પ્રદેશની રાયબરેલી સીટ છોડી દેવી. રાહુલ ગાંધી લોકસભા 2024માં વાયનાડ અને રાયબરેલી સીટ પરથી ચૂંટણી લડ્યા હતા અને બંને બેઠકો પર જીત્યા હતા. હવે નિયમ મુજબ તેઓ કોઇ પણ એક સીટ રાખી શકે છે.

કોંગ્રેસની વર્કીંગ કમિટીની બેઠકમાં રાહુલે કઇ બેઠક છોડવી જોઇએ એ બાબતે ભારે ખેંચતાણ થઇ હતી, કેટલાંક નેતાઓ વાયનાડ સીટ જાળવી રાખવાની વાત કરી તો કેટલાંક નેતાઓએ રાયબરેલી જાળવી રાખવાની દલીલ કરી. કેરળના મવેલીકારાના સાંસદ કે સુરેશે કહ્યું કે, રાહુલ ગાંધી બીજી વખત વાયનાડથી સાસંદ છે અને વાયનાડના લોકો તેમને પ્રતિનિધિ તરીકે પ્રેમ કરે છે. જો કે મોટા ભાગના નેતાઓએ રાયબરેલી સીટ જાળવી રાખવા પર વધારે ભાર મુક્યો હતો.

ઉત્તર પ્રદેશની કોંગ્રેસ નેતા આરાધના મિશ્રાએ રાહુલ ગાંધીને રાયબરેલી સીટ નહીં છોડવા પર ભાર મુકીને કહ્યું કે, આ એક પારંપારિક પારિવારિક સીટ છે અને પેઢીઓથી ચાલતી આવી છે. રાહુલ ગાંધી રાયબરેલી સીટ રાખે તેનો મતલબ એ છે કે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના રાજકીય ઉદય માટે જરૂરી છે, જેમાં 80 લોકસભા સીટ છે.

કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ ચૂંટણી પ્રચાર દરમિયાન એક રેલીમાં રાહુલ ગાંધીને રાયબરેલીની કમાન સોંપેલી અને લોકોને કહેલું કે, હું મારો પુત્ર તમને સોંપી રહી છું, એ વાત પરથી સ્પષ્ટ થઇ ગયુ હતુ કે રાહુલ ગાંધી પરિવારના વારસાને આગળ વધારશે. આગામી સપ્તાહમાં રાહુલ ગાંધી તેમની માતા સોનિયા ગાંધી અને બહેન પ્રિયંકાની સાથે રાયબરેલી જશે.

લોકસભા 2024ની ચૂંટણીમાં રાયબરેલીની પ્રજાએ ફરી એક વખત ગાંધી પરિવાર પ્રત્યે તેમની નિષ્ઠા બતાવી. રાહુલ ગાંધી રાયબરેલીની બેઠક પરથી 3,90,030 મતોની લીડથી જીત મેળવી છે.2019માં રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશની અમેઠી સીટ પરથી ભાજપના સ્મૃતિ ઇરાની સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

કેરળના વાયનાડની પ્રજાએ રાહુલ ગાંધીને બીજી વખત સાંસદ તરીકે પસંદ કર્યા. વાયનાડથી રાહુલ ગાંધી 3,64, 422 મતોની લીડથી જીત્યા. વર્ષ 2019માં રાહુલ ગાંધી વાયનાડ બેઠક પરથી 4 લાખથી વધારે મતથી જીત્યા હતા. મતલબ કે આ વખતે જીતનું અંતર ઘટ્યું. વાયનાડની જનતા હમેંશા કોંગ્રેસની સાથે રહી છે. વાયનાડ કોંગ્રેસ માટે સૌથી સુરક્ષિત સીટ માનવામાં આવે છે.

કોંગ્રેસ શનિવારે પાર્ટીની વર્કીંગ કમિટીની બેઠક દિલ્હીની અશોકા હોટલમાં બોલાવવામાં આવી હતી.જેમાં લોકસભા ચૂંટણીના પરિણામો, ભવિષ્યની રણનીતિ પર મહત્ત્વની ચર્ચા થઇ. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જીન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત કોંગ્રેસના ટોચના નેતા હાજર રહ્યા હતા.

બેઠક દરમિયાન લોકસભામાં વિપક્ષ નેતા બનાવવા માટે સર્વસમંતિથી માંગ ઉઠી હતી. કોંગ્રેસ વર્કીંગ કમિટીના સભ્યોએ દરખાસ્ત પસાર કરી કે રાહુલ ગાંધીને લોકસભામાં પાર્ટીના નેતા તરીકે નિમણુંક થવી જોઇએ. જો કે, રાહુલ ગાંધીએ આ બાબતે વિચારવા માટે થોડો સમય માંગ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp