કોંગ્રેસ જો સત્તામાં રહે તો તે ખાઈ-ખાઈને દેશને ખોખલો કરી નાખે છેઃ PM મોદી

PC: PIB

PM નરેન્દ્ર મોદીએ રાજસ્થાનનાં બિકાનેરમાં રૂ. 24,300 કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં આશરે રૂ. 11,125 કરોડના ખર્ચે નિર્મિત અમૃતસર-જામનગર ઇકોનોમિક કૉરિડોરનાં છ લેનનાં ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે સેક્શનનું લોકાર્પણ, આશરે રૂ. 10,950 કરોડનાં મૂલ્યનાં ગ્રીન એનર્જી કૉરિડોર માટે ઇન્ટર-સ્ટેટ ટ્રાન્સમિશન લાઇનના પ્રથમ તબક્કાનું લોકાર્પણ, પાવર ગ્રિડ દ્વારા આશરે રૂ. 1,340 કરોડના ખર્ચે વિકસાવવામાં આવનારી બિકાનેરથી ભીવાડી ટ્રાન્સમિશન લાઇનનું લોકાર્પણ અને બિકાનેરમાં નવી 30 પથારીવાળી કર્મચારી રાજ્ય વીમા નિગમ (ઈએસઆઈસી) હૉસ્પિટલનું લોકાર્પણનો સમાવેશ થાય છે. PMએ આશરે રૂ. 450 કરોડના ખર્ચે બિકાનેર રેલવે સ્ટેશનના પુનર્વિકાસ અને 43 કિલોમીટરની લંબાઈ ધરાવતી ચુરુ-રતનગઢ સેક્શન રેલવે લાઇનને બમણી કરવા માટે શિલારોપણ કર્યું હતું.

PM નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે, કોંગ્રેસ એક એવી પાર્ટી છે, જે જો સત્તામાં રહે તો ખાઈ-ખાઈને દેશને ખોખલો કરી નાખે છે અને જ્યારે આ સત્તાથી બહાર જાય છે, ત્યારે દેશને ગાળો આપી-આપીને બદનામ કરે છે. આમના નેતા વિદેશમાં જઈને ભારતને ગાળો આપે છે. આ લોકોએ સેનાને નીચી દેખાવડા શું-શું નથી કર્યું. આ સેનાની સર્જિકલ સ્ટ્રાઇક પર પણ સવાલ ઉઠાવે છે. રાજસ્થાનમાં કોંગ્રેસની હાર નિશ્ચિત છે. અહિયાની સરકાર અત્યારથી જ બાય-બાય મોડમાં આવી ગઈ છે. મને ખબર પડી છે કે અમુક મંત્રી ધારાસભ્ય તો અત્યારથી જ પોતાના સરકારી બંગલા ખાલી કરીને પોતાના ઘરમાં શિફ્ટ થવા લાગ્યા છે. પોતાની હાર પર આટલો વિશ્વાસ તો કોંગ્રેસના નેતા જ કરી શકે છે.

PMએ કહ્યું હતું કે, રાજ્યના વિકાસ માટે સમર્પિત લોકો હંમેશાં એવી તક પ્રસ્તુત કરે છે, જે તેઓને દેશને વિકાસલક્ષી પરિયોજનાઓ સમર્પિત કરવા માટે પોતાની જાતને ઉપલબ્ધ કરાવે છે. 24,000 કરોડથી વધુની કિંમતની આજની પરિયોજનાઓનો ઉલ્લેખ કરતા PMએ નોંધ્યું હતું કે, રાજસ્થાનને ગણતરીના મહિનાઓમાં જ બે આધુનિક છ લેનના એક્સપ્રેસવે મળ્યા છે. PMએ ફેબ્રુઆરીમાં દિલ્હી- મુંબઈ એક્સપ્રેસ કૉરિડોરનાં દિલ્હી- દૌસા– લાલસોટ સેક્શનનાં ઉદ્‌ઘાટનને યાદ કરીને આજે અમૃતસર- જામનગર એક્સપ્રેસવેનાં 500 કિલોમીટરનાં છ લેનનાં ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે સેક્શનનું ઉદ્‌ઘાટન કરવાની તક મેળવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, એક રીતે જોઈએ તો નેશનલ હાઈવેની વાત કરીએ તો રાજસ્થાને બેવડી સદી ફટકારી છે. PMએ ગ્રીન એનર્જી કૉરિડોર અને કર્મચારી રાજ્ય વીમા નિગમ (ઇએસઆઇસી) હૉસ્પિટલ માટે બિકાનેર અને રાજસ્થાનના લોકોને અભિનંદન પણ પાઠવ્યાં હતાં.

PMએ કહ્યું હતું કે, રાજસ્થાન હંમેશાં ક્ષમતાઓ અને સંભવિતતાઓથી ભરેલું રહ્યું છે. PMએ કહ્યું હતું કે, વૃદ્ધિની આ સંભવિતતાને કારણે જ રાજ્યમાં વિક્રમજનક રોકાણ થઈ રહ્યું છે. ઔદ્યોગિક વિકાસ માટે અનંત સંભાવનાઓ હોવાથી કનેક્ટિવિટીને હાઈ-ટેક બનાવવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, ફાસ્ટ સ્પીડ એક્સપ્રેસવે અને રેલવેથી પ્રવાસનની તકોને વેગ મળશે, જેનો લાભ રાજ્યના યુવાનોને મળશે.

PMએ કહ્યું હતું કે, તે રાજસ્થાનને હરિયાણા, પંજાબ, ગુજરાત અને જમ્મુ-કાશ્મીર સાથે જોડશે, ત્યારે જામનગર અને કંડલા જેવાં મહત્ત્વપૂર્ણ વાણિજ્યિક બંદરો પણ બિકાનેર અને રાજસ્થાનથી સુલભ બનશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, બિકાનેર અને અમૃતસર અને જોધપુર વચ્ચેનું અંતર ઘટશે તેમજ જોધપુર અને ગુજરાત વચ્ચેનું અંતર પણ ઘટશે, જેનાથી આ વિસ્તારના ખેડૂતો અને વ્યવસાયોને મોટો લાભ થશે. PMએ કહ્યું હતું કે, આ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે સંપૂર્ણ પશ્ચિમ ભારતમાં આર્થિક પ્રવૃત્તિઓને મજબૂત કરશે. તેમણે ઓઇલ ફિલ્ડ રિફાઇનરીઓ સાથે વધેલી કનેક્ટિવિટી પર પ્રકાશ પાડ્યો હતો, જે પુરવઠો મજબૂત કરશે, જેથી દેશમાં આર્થિક વિકાસને વેગ મળશે.

તેમણે માહિતી આપી હતી કે 2004-2014ની વચ્ચે રાજસ્થાનને રેલવે માટે દર વર્ષે સરેરાશ 1000 કરોડ રૂપિયાથી ઓછા મળ્યા હતા જ્યારે 2014 પછી, રાજ્યને દર વર્ષે સરેરાશ 10,000 કરોડ રૂપિયા મળ્યા હતા.

PMએ કહ્યું હતું કે, માળખાગત સુવિધાને વેગ આપવાથી સૌથી વધુ લાભ નાના ધંધાર્થીઓ અને લઘુ ઉદ્યોગોને થશે. તેમણે બિકાનેરના આચાર, પાપડ, નમકીનનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, વધુ સારી કનેક્ટિવિટી સાથે આ નાના ધંધાઓ તેમનાં ઉત્પાદનોને વિશ્વના દરેક ખૂણામાં લઈ જવા સક્ષમ બનશે. રાજસ્થાનના વિકાસ માટેના પ્રયાસો ચાલુ રાખતાં PMએ લાંબા સમયથી ઉપેક્ષિત સરહદી ગામડાઓ માટે વાઇબ્રન્ટ વિલેજ યોજનાનો ઉલ્લેખ કર્યો હતો. અમે સરહદી ગામોને દેશનાં 'પ્રથમ ગામો' જાહેર કર્યાં છે. આ વિસ્તારોમાં વિકાસ તરફ દોરી જાય છે અને આ વિસ્તારોની મુલાકાત લેવા વિશે દેશના લોકોમાં નવી રુચિ છે, એમ તેમણે જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp