કોણ છે ભાજપના 6 વખતના સાંસદ બ્રિજભૂષણ સિંહ, જેમના કારણે એથલિટો ધરણા પર બેઠા છે

PC: twitter.com

રેસલિંગ એસોસિએશનના પ્રમુખ અને BJP સાંસદ બ્રિજભૂષણ સિંહ પર ખેલાડીઓએ ગંભીર આરોપ લગાવ્યા છે. બ્રિજ ભૂષણ સિંહ આ પહેલા પણ પોતાના અનેક નિવેદનોને કારણે ચર્ચામાં રહ્યા છે. છેલ્લા લગભગ 1 દાયકાથી બ્રિજ ભૂષણ સિંહ રેસલિંગ ફેડરેશનના પ્રમુખ છે. પરંતુ બ્રિજ ભૂષણ સિંહ પર તાનાશાહી વલણ સહિત યૌન શોષણનો આરોપ લાગ્યો છે. સરકારે આ આરોપો પર રેસલિંગ ફેડરેશન પાસેથી જવાબ માંગ્યો છે, પરંતુ બ્રિજ ભૂષણ સિંહ આ આરોપોને નકારી રહ્યા છે અને વિપક્ષી પાર્ટીઓ આકરા પ્રહારો કરી રહી છે. વિનેશ ફોગાટ, બજરંગ પૂનિયા સહિત 30 કરતા વધુ પહેલવાન દિલ્હીના જંતર-મંત્ર પર ભારતીય કુશ્તી સંઘ (WFI)ના અધ્યક્ષ વૃજભૂષણ શરણ સિંહ પર કાર્યવાહીની માગ કરતા ધરણાં કરી રહ્યા છે. 

સમગ્ર ઘટના પર થોડા દિવસ પહેલા સાંસદ બ્રિજભૂષણ સિંહે કહ્યું છે કે જો તેમના પર લાગેલા આરોપો સાબિત થાય છે તો તેઓ દરેક પ્રકારની સજા માટે તૈયાર છે. ભૂતકાળમાં પણ બ્રિજ ભૂષણ સિંહ ઘણી વખત વિવાદોમાં રહ્યા છે. પોતાની દબંગ છબી અને સ્પષ્ટવક્તા નિવેદનોને કારણે તેઓ ઘણી વખત પોતાની જ સરકારને બદનામ કરી ચૂક્યા છે.

બે વર્ષ પહેલા તેમણે ભરેલા સ્ટેજ પર એક ખેલાડીને થપ્પડ મારી દીધી હતી. આ સાથે તેમણે રાજ ઠાકરેની અયોધ્યા મુલાકાતનો પણ વિરોધ કર્યો હતો. ગયા વર્ષે તેમણે પોતાની જ યોગી સરકારને એમ કહીને ભીંસમાં લીધી હતી કે જો હું બોલીશ તો બળવાખોર કહેવાઈશ. એટલું જ નહીં, બાબા રામદેવ પરના તેમના તાજેતરના નિવેદને ભારે રાજકીય તોફાન મચાવ્યું હતું.

રાજકીય રીતે બ્રિજભૂષણ સિંહને ઉત્તર પ્રદેશના મજબૂત નેતા માનવામાં આવે છે. બહરાઈચ, ગોંડા, બલરામપુર અને ફૈઝાબાદ જેવા શહેરોમાં તેમનો ઘણો રાજકીય પ્રભાવ છે. આ જ કારણ છે કે સરકાર આ મામલે સાચવીને પગલાં લઈ રહી છે.

બ્રિજભૂષણ સિંહ પોતે એક પહેલવાન રહી ચુક્યા છે અને પોતાના દાવથી રાજકીય વિરોધીઓને માત આપતા આવી રહ્યા છે. પરંતુ આ વખતે હરીફાઈ રાજકીય દંગલની નથી, તેથી જ દરેક પોતાની ચાલ ચાલી રહ્યા છે.

બ્રિજભૂષણ સિંહ પર કેવા લાગ્યા છે આરોપ? રેસલર વિનેશ ફોગાટે બ્રિજ ભૂષણ સિંહ પર મહિલા રેસલર્સનું યૌન શોષણ કરવાનો આરોપ લગાવ્યો છે. ફોગાટે કહ્યું, મહિલા રેસલરોનું યૌન શોષણ કરવામાં આવે છે. હું પોતે મહિલા કુસ્તીબાજો સાથે જાતીય સતામણીનાં 10-20 કેસ જાણું છું. ફોગાટે એવો પણ આક્ષેપ કર્યો હતો કે જ્યારે ઓલિમ્પિક દરમિયાન ચાર મહિલા રેસલર્સ એકસાથે મુસાફરી કરી રહી હતી ત્યારે ફેડરેશનના પ્રમુખને તેમની સાથે મુસાફરી કરવાની શું જરૂર હતી?

સાથે જ સાક્ષી મલિકે એવો પણ આક્ષેપ કર્યો હતો કે અમને હેરાન કરવામાં આવી રહ્યા છે. જો કોઈ ખેલાડી કોઈપણ કારણોસર ટૂર્નામેન્ટમાં ભાગ લેવાનો ઇનકાર કરે છે, તો તેના પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. બજરંગ પુનિયાએ એવો પણ દાવો કર્યો છે કે રેસલર્સને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે. નિયમો એક દિવસ અગાઉ બનાવવામાં આવે છે અને તેનો અમલ કરવામાં આવે છે. ફેડરેશનના પ્રમુખ ખેલાડીઓ સાથે ખરાબ વર્તન કરે છે, તેમને થપ્પડ મારી દે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp