ઈડલી વેચતા કાકા પાસેથી ભત્રીજાએ શેરબજારના નામે 74 લાખ પડાવી લીધા

PC: khabarchhe.com

ઈડલીલારી ધારકને તેના કૌટુંબિક ભત્રીજાએ શેર બજારમાં પૈસા રોકવાની લાલચ આપી રૂ.74 લાખની છેતરપિંડી કર્યા હોવાની એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે. પોલીસમાંથી મળતી વિગતો અનુસાર રાજકોટની કરણપરા શેરી નં-27 ના ખુણે રહેતા મનોજભાઈ રતિલાલ બુંદેલા એ તેના કૌટુંબિક ભત્રીજા કૌશિક ઉર્ફે ચિરાગ જયેશ બુંદેલા સામે રૂ.74 લાખની છેતરપિંડી કર્યા હોવાની ફરિયાદ એડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

તેમાં જણાવ્યું હતું કે,લીમડા ચોકમાં તેની ઈડલીની લારી છે. ચારેક માસ પહેલા કૌટુંબીક કાકાના પુત્ર હિતેશ લલીત બુંદેલા અને કેતન કસ્તુરસિંહ બુંદેલા તેની લારીએ આવ્યા હતા. બંનેએ પોતાના નજીકના કૌટુંબીક ભત્રીજા અને કૌશિક ઉર્ફે ચિરાગ જયેશ બુંદેલા સાથે ઓળખાણ કરાવી હતી. ત્યારબાદ કૌશિક અવાર-નવાર તેની લારીએ આવતો અને કહેતો કે હું શેરબજારનું કામ કરું છું, તમે મને પૈસા આપશો તો હું શેરબજારમાં રોકાણ કરી તમને ફાયદો કરાવી આપીશ. મે ઘણાં બધા માણસોને શેરબજાર અને આઈડીમાં પૈસા રોકાવી ફાયદો કરાવ્યો છે.

કૌશિકની આ વાત સાંભળી તેની ઉપર તેને વિશ્વાસ બેસતા નવેમ્બર- 2022 માં રૂા.20લાખ શેરબજારમાં રોકવા આપ્યા હતા. બદલામાં સિક્યોરીટી પેટે કૌશિકે તેને રૂા.10-10 લાખના બે ચેક આપ્યા હતા. થોડા સમય પછી કૌશિકે કહ્યું કે તમે વધુ પૈસા રોકશો તો વધુ ફાયદો થશે, જેથી ડિસેમ્બર 2022 માં પુત્રી રિધ્ધીના પોરબંદર રહેતા સાસરીયાઓ પાસેથી સાત લાખ લઈ કૌશિકને આપી દીધા હતા. જેના બદલામાં કૌશિકે રૂા.સાત લાખનો ચેક આપ્યો હતો. ત્યાર બાદ મિત્ર ધવલ અતુલભાઈ રાજાણી પાસેથી હાથ ઉછીના રૂા.15 લાખ લઈ કૌશિકને આપ્યા હતા. જેના બદલામાં પણ તેને રૂા.15 લાખનો ચેક આપ્યો હતો.

આટલેથી નહી અટકતા તેણે મિત્ર સર્કલ પાસેથી રૂા.આઠ લાખ હાથ ઉછીના લઈ તે પણ કૌશિકને આપી બદલામાં તેની પાસેથી રૂા.આઠ લાખનો ચેક મેળવ્યો હતો. તેણે રોકેલા રૂા.50 લાખના બદલામાં કૌશિકે વળતર પેટે રૂા.1.60 લાખ આપ્યા હતા.જેને કારણે વધુ વિશ્વાસ થતા મોટાભાઈ નિતિનભાઈ બુંદેલા પાસેથી રૂા.24 લાખ હાથ ઉછીના લઈ તે પણ રોકાણ માટે કૌશિકને આપી દીધા હતા. આ પછી કૌશિકે બે મહિના સુધી કોઈ વળતર આપ્યું ન હતું. વળતર માંગતા ખોટા વાયદાઓ આપતો હતો. વધુ તપાસ કરતા કૌશિકે કુલ તેની પાસેથી રૂા.74 લાખ લઈ શેરબજારમાં નહીં રોકી છેતરપીંડી કર્યાનું જાણવા મળતા તેને કૌશિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp