પ્રેમિકા બેવફા થતા યુવકે જીવનને કહી દીધી અલવિદા

PC: khabarchhe.com

પોરબંદરમાં ખાનગી એમ્બ્યુલન્સના ડ્રાઇવર તરીકે કામ કરતાં એક યુવાને 1 મહિના અગાઉ સ્યૂસાઈડ નોટ લખી આપઘાત કરી લીધાની ઘટના બની હતી. આ બનાવમાં મૃતક જેની સાથે મૈત્રીકરારમાં રહેતા હતો તે મહિલા ઉપરાંત મહિલાના સહકર્મચારી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, આથી પોલીસે યુવાનને મરવા મજબુર કરનાર બન્નેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

પોરબંદરના છાંયા વિસ્તારમાં ક્રિષ્ના પાર્કમાં ઉપલી કેનાલ પાસે શેરી નંબર બે માં રહેતા અને ખાનગી એમ્બ્યુલન્સમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા નિલેષ ઉર્ફે નાગાજણ પરબતભાઇ સોનરાત (ઉ.વ.28) નામના યુવાને ગઈ તા. 10 એપ્રિલના રોજ સૂસાઇડ નોટ લખી આપઘાત કરી લીધાનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી હતી. આપઘાત પૂર્વે આ યુવાને લખેલી સ્યૂસાઈડ નોટમાં પોતાના મોતનું કારણ ઠકરાર હોસ્પિટલના સ્ટાફના કર્મચારી સોનલ વાઘેલા તથા અજય ભરત દેવમુરારી હોવાનું જણાવ્યું હતું અને આ બંનેના મોબાઈલની કોલ ડિટેઈલ કઢાવવા માટે પોલીસને વિનંતી કરી હતી.

જે અનુસંધાને કમલાબાગ પોલીસ મથકના પી.આઈ. સાળુંકેએ હાથ ધરેલી તપાસમાં બહાર આવેલી હકીકત મુજબ મૃતક યુવાન નિલેષને ઠકરાર હોસ્પિટલમાં ફરજ બજાવતી મહિલા કર્મચારી સોનલ વાઘેલા સાથે છેલ્લાં 8 વર્ષથી મૈત્રીકરાર હતો અને બન્ને સાથે રહેતા હતા, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી કોઈ મનદુ:ખ થતા બન્ને અલગ રહેતા હતા.

તો આ બનાવમાં કમલાબાગ પોલીસે નિલેષના આપઘાતના 1 માસ બાદ તેને મરવા મજબુર કરનાર સોનલ વાઘેલા અને અજય ભરતભાઈ દેવમુરારી સામે ધોરણસર ફરિયાદ નોંધી છે. જેતપુર તાલુકાના નવાગઢ ગામે રહેતા વછરાજભાઈ પરબતભાઈ સોનરાતે પોતાના ભાઈ નિલેષને મરવા મજબુર કરનાર બન્ને સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ ગઈ તા. 10 એપ્રિલના રોજ તેઓ નવાગઢ ગામે હતા ત્યાં સાંજે તેમના નાનાભાઈ નિલેષ ઉર્ફે નાગાજણે પોતાના વોટ્સએપમાં એક કાગળમાં સ્યૂસાઈડ નોટ લખી રાખી હતી. આથી વછરાજભાઈએ પોરબંદર ખાતે રહેતા પોતાના માતા-પિતાને જાણ કરી હતી ત્યારે જાણવા મળ્યું હતું કે નિલેશે ઝેરી દવા પી લીધી છે જેથી તેને સારવાર માટે સરકારી હોસ્પિટલે લઈ ગયા છે અને વછરાજભાઈ પોરબંદર પહોંચ્યા હતા, ત્યારે સારવાર દરમિયાન નિલેષનું મોત થયું હતું.

બોખીરામાં રહેતી સોનલ ભગવાનજીભાઈ વાઘેલા અને તેનો સહકર્મચારી ઠકરાર હોસ્પિટલમાં કામ કરતો અજય ભરતભાઈ દેવમુરારી બન્નેએ સાથે મળી એકબીજાને મદદગારી કરી, મરણ જનારા નિલેષ સાથે અવારનવાર ઝઘડાઓ કરી સ્યૂસાઈડ નોટમાં લખ્યા મુજબ મરવા મજબુર કર્યો હતો. આ ફરિયાદના આધારે પોલીસે ઠકરાર હોસ્પિટલના બન્ને કર્મચારીઓ સામે આઈ.પી.સી. કલમ 306, 114 મુજબ ધોરણસર ગુન્હો દાખલ કર્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp