સુરતઃ આખા પરિવારે ઝેર પીધું, માતા-પુત્રી-પુત્રનું મોત, દવા પીધા બાદ ભાઈને ફોન...

PC: jagran.com

સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા એક જ પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા ગટગટાવી હોવાનો મામલો સામે આવ્યો છે. સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા એક રત્નકલાકારે પોતાની પત્ની અને બે બાળકો સાથે ઝેરી દવા ગટગટાવતા ચારેયને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ પત્ની, દીકરો અને દીકરીનું મોત થયુ હતું. જ્યારે પિતાની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

રત્ન કલાકારે ઝેરી દવા પીધા બાદ પોતાના પિતરાઈ ભાઈને ફોન કરી તે અંગે જાણ કરી હતી અને કહ્યું હતું કે, મારો એક દીકરો અને દીકરી ઘરે છે તેમને સાચવી લેજે. એટલું જ નહીં, આત્મહત્યા કરતા પહેલા રત્નકલાકારે એક વીડિયો પણ રેકોર્ડ કર્યો હતો. જેમા તેમણે કહ્યું હતું કે, હું સારો પતિ, પુત્ર કે પિતા ના બની શક્યો. આર્થિક સંકડામણના પગલે રત્ન કલાકારે આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

મૂળ ભાવનગરના સિહોરના વતની અને હાલ સરથાણામાં આવેલી વિજયનગર સોસાયટીમાં રહેતા વિનુભાઈ મોરડિયા (ઉં. 55) હીરાના કારખાનામાં કામ કરે છે. બુધવારે મોડી સાંજે વિનુભાઈ તેમની પત્ની શારદાબેન (ઉં. 50), તેમનો દીકરો ક્રિશ (ઉં20) અને દીકરી સેનિતા (ઉં. 15)એ એકસાથે ઝેરી દવા પી લીધી હતી. બનાવની જાણ થતા 108 એમ્બ્યુલન્સ દ્વારા ચારેયને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ શારદાબેન , દીકરી સેનિતા અને પુત્ર ક્રિશનું મોત થયુ હતું.

આ અંગે ACP પીકે પટેલે જણાવ્યું હતું કે, મોરડિયા પરિવારના ચાર સભ્યોએ કેનાલ રોડ પર જાહેરમાં ઝેરી દવા પીધી હતી. ત્યારબાદ વિનુભાઈએ તેમના પિતરાઈને ફોન કરીને કહ્યું હતું કે, મારો એક દીકરો અને દીકરી ઘરે છે તેમની સંભાળ રાખજો. વિનુભાઈના કુલ ચાર સંતાનો છે, જેમાંથી એક દીકરો અને દીકરી ઘરે હાજર ના હોવાથી તે બંને બચી ગયા. જ્યારે આ સામુહિક આપઘાત અને આપઘાતના પ્રયાસમાં કુલ ત્રણના મોત નીપજ્યા છે અને વિનુભાઈ સારવાર હેઠળ છે. વિનુભાઈએ આત્મહત્યા કરતા પહેલા સ્યૂસાઇડ નોટ રૂપી એક વીડિયો બનાવ્યો હતો. જેમા તેમણે કહ્યું હતું કે, મારે હવે આપઘાત કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. હું સારો પિતા ના બની શક્યો, હું સારો પુત્ર ના બની શક્યો, હું સારો પતિ ના બની શક્યો. આ વીડિયો એફએસએલમાં મોકલવામાં આવ્યો છે.

વિનુભાઈ પોતે રત્નકલાકાર છે, જ્યારે તેમની પત્ની તથા પુત્રી લેસ પટ્ટી મુકવામાં કામ કરતા હતા. હાલ હીરામાં મંદી ચાલી રહી છે. આથી આર્થિક સંકડામણના પગલે આ પગલું ભર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટના અંગે વિનુભાઈના પિતરાઈ પ્રવિણભાઈએ કહ્યું હતું કે, વિનુભાઈ મારા મોટા પપ્પાનો દીકરો થાય. મારા ભાભી અને એક ભત્રીજી અને એક ભત્રીજાનું મોત થયુ છે. ભાઈને કોઈનું દબાણ ન હતું. તેને શું સૂઝ્યું અને આવુ પગલું શા માટે ભર્યું એની અમને ખબર નથી. સુરતમાં ચાર-પાંચ વર્ષથી પરિવાર સાથે તેઓ રહે છે. વિનુભાઈ પોતે હીરાના કારખાનામાં કામ કરે છે. મોટો દીકરો કોલેજમાં ભણે છે અને બે દીકરીઓ ઘરે સિલાઈ કામ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp