28 વર્ષીય આદિવાસી યુવાનના 2 કિડની, લિવર અને બે ફેફસાના દાનથી 4 લોકોને નવજીવન

PC: twitter.com

દાનવીરોની ભૂમિ તરીકે ઓળખાતું સુરત શહેર હવે ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતિ પામ્યું છે. ગત દિવાળીથી આ વર્ષની દિવાળી સુધીના એક વર્ષના સમયગાળા દરમિયાન સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સૌથી વધુ અંગદાન થયા છે. આ કડીમાં વધુ એક અંગદાન થતા આજે 50મું અંગદાન થયું હતું. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ટીચકીયા ગામ વતની ગામીત પરિવારના એકના એક 28 વર્ષીય પુત્ર કમલ ગામીતની બે કિડની, લીવર અને બે ફેંફસાના દાન થકી ચાર વ્યકિતઓને નવજીવન મળશે.

પ્રાપ્ત વિગતો અનુસાર તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ટીચકીયા ગામના બંદારા ફળિયા ખાતે રહેતા 28 વર્ષીય આદિવાસી યુવાન કમલ ગામીત તા.08 નવેમ્બરના રોજ સાંજે 07:30 વાગે બાઈક ઉપર ઘરે પરત જતા હતા ત્યારે વ્યારાના ચિખલદા ગામ સ્થિત રીક્ષા અને બાઈકનો અકસ્માત થયો હતો. ત્યારે કમલની બાઈક પણ આ અકસ્માત સાથે ટક્કર થતા તેઓને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. તત્કાલ બેભાન અવસ્થામાં 108 એમ્યુલન્સ મારફતે વ્યારા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં 10 દિવસની સારવાર બાદ તા.20મી નવેમ્બરના વહેલી સવારે ડો. નિલેશ કાછડિયા, ન્યુરોલોજીસ્ટ ડો.જય પટેલ તથા ન્યુરો સર્જન ડો.હરિન મોદી, આર.એમ.ઓ. ડો.કેતન નાયકે બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.

તેમના પિતા અરવિંદ ગામીત સહિત પરિવારજનોને ડો.કેતન નાયક, ડો. નિલેશ કાછડીયા, નર્સીગ કાઉન્સીલના ઇકબાલ કડિવાલા અને નિર્મલા કાથુડે અંગદાનનું મહત્વ સમજાવ્યું. જેથી પરિવારજનોએ એકના એક પુત્ર કમલના અંગદાનની સમંતિ આપતા અંગો સ્વીકારાયા હતા. આજે 2 કિડની, લીવર અને ફેંફસાના અંગદાન થકી ચાર વ્યક્તિઓના જીવનમાં નવા વર્ષે નવા જીવનનો ઉજાશ પથરાશે.

આમ ગામીત પરિવારના એકના એક પુત્રના અંગદાનથકી ચાર વ્યક્તિઓને નવા વર્ષે નવી જિંદગી બક્ષીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડ્યું છે. કમલભાઇ બાંધકામ (સેન્ટરીંગ)નું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમને સંતાનમાં દોઢ વર્ષનો પુત્ર પાર્થ છે.

આમ નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકરના માર્ગદર્શન હેઠળ અંગદાનના આ સેવા કાર્યમાં સુરત પોલીસ, સોટો ટીમ, તબીબી અધિકારીઓ, નર્સિંગ અને સિક્યોરિટી સ્ટાફ તેમજ સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી. આમ, સુરત સિવિલમાં આજે 50મું સફળ અંગદાન થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp