સુરતમાં સન્યાસ લેતી 9 વર્ષની દીકરીએ કહ્યું-હું સિંહની જેમ દીક્ષા લઉં છું...

PC: Khabarchhe.com

દીક્ષા નગરી સુરત નગરે વેસુ મધ્યે બલર ફાર્મમાં સદીઓને અજવાળતી બાળ વિરાંગના દેવાંશીકુમારીનો જીવનનો પાવન કરે તેવો દીક્ષાનો પાંચ દિવસનો મહા મહોત્સવ ચાલી રહ્યો છે. જે બલરફાર્મ જિનશાસનની ઐતિહાસિક 77 તથા 74 દીક્ષાની ભુમિ છે. ત્યાં જ વિશ્વમાં ડંકો વગાડતી માત્ર નવ વર્ષની દેવાંશી દોમ દોમ સાહ્યબી છોડીને દીક્ષા લીધી છે. મંગળવારે દીક્ષાર્થીની ભવ્યાતિભવ્ય વર્ષિદાન યાત્રા નીકળી હતી. બુધવારે મંગલપ્રભાતે જેની સમગ્ર ભારતનો જૈન સમુદાય કાગડોળે રાહ જોઇ રહી છે તે દીક્ષા વિધિ થઇ. અને દીક્ષા યુગપ્રવર્તક સૂરિરામના ધર્મ પ્રભાવક સામ્રાજયે શતાધિક શ્રમણ શ્રમણી ભગવંતો અને લગભગ 35 હજારથી વધુ સંયમ પ્રેમીઓની સાક્ષીએ દેવાંશીને કીર્તિયશસૂરીશ્વરજી મહારાજા દીક્ષાના દાન-રજોહરણ અર્પણ કર્યા.

હજારો વ્યક્તિ સુંદર રીતે દીક્ષા માણી શકે માટે વિશાળ રાજમહેલ જેવા મંડપમાં પેવેલીયન જેવી બેઠક વ્યવસ્થા ગોઠવાઈ હતી. હજારો વ્યક્તિઓને બેસાડીને બહુમાન પૂર્વક જમાડવાની વ્યવસ્થા દેવાંશીના પરિવાર માલગાવ નિવાસી ભેરુમલજી હકમાજી સંઘવી પરિવારે ગોઠવી હતી. દીક્ષાની વાત નીકળેને સદા ખિલખિલાટ હસતી નવ વર્ષની દેવાંશી સર્વ સુખનો ત્યાગ કરી ,બહુ જ જ્ઞાન મેળવી બહુ જ સમજણપૂર્વક સંસાર છોડી રહી છે, વિશાળ પરિવારમાં ઉછરેલી દીકરી નો ત્યાગ ખરેખર આ જગતનને સાચા સુખના માર્ગનો સાચો સંદેશ અને ઉદાહરણ છે.

વિજય પ.પૂ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ આઠ આઠ દાયકા સુધી જે દીક્ષાના રક્ષણ માટે લોહી પાણી એક કર્યા એનું સુખદ પરિણામ જાણે આ રંગેચંગે થતી દીક્ષા છે. અને એ જ સુરિરામના વચનોથી વાસિત સંઘવી પરિવાર સહર્ષ દીક્ષા આપી રહ્યો છે. એજ સૂરિરામના વારસદાર તથા ગુરુ ગુણયશ શિષ્યરત્ન, વિશ્વ હિતચિંતક, પ્રચંડ પ્રતિભાશાળી, પ્રવચન પ્રભાવક આચાર્ય વિજય પ.પૂ. કિર્તિયશસૂરીશ્વરજી મહારાજા આદિ શ્રમણ શ્રમણી ભગવંતોની નિશ્રામાં જ્યારે દેવાંશીને રજોહરણ અપાશે ત્યારે ખુદ ઇતિહાસ નવો ઇતિહાસ લખશે.

ભેરુતારક તીર્થ સ્થાપક સંઘવી સુંદરબેન ભેરૂમલજી પરિવારના મોહનભાઈ અને ભારતીબેનની પૌત્રી તથા ધનેશભાઈ તથા અમીબેનની 9 વર્ષની બહુમુખી પ્રતિભાશાળી દીકરી દેવાંશીકુમારીનો દીક્ષા ઉત્સવ તા - 14મી જાન્યુઆરીએ વેસુનાં બલર ફાર્મમાં આરંભ થયો હતો. મહોત્સવમાં ચોથા દિવસે મંગળવારે સવારે 9.30 કલાકથી અઠવા ગેટ ચોપાટી પાસે ભવ્યાતિભવ્ય વર્ષીદાનની યાત્રાનો આરંભ થયો હતો. જે રાજમાર્ગો પર ફરીને દીક્ષા સ્થળે પહોંચ્યો હતો. ઐતિહાસિક વરઘોડાના દર્શન માટે હજારોની સંખ્યામાં લોકો સ્વયંભૂ ઉમટી પડ્યા હતા.

લગભગ 1 લાખ આંખોંએ વરઘોડો નિહાળ્યો હતો. અતિ જાજરમાન વરઘોડામાં ચાર હાથી, 20 ઘોડા, 11 ઊંટ અને આ સિવાય ઢોલ નગારા અને વિવિધ સંગીતના સુરોની રેલમ છેલમ હતી. અનેક નૃત્ય મંડળીઓ અને મનોરંજનના પણ અનેક માધ્યમ વરઘોડામાં આકર્ષણ જમાવતા હતા. દેવાંશી કુમારી દેવવિમાન સમા રથમાં શોભી રહ્યા હતા. અને હૈયા ના ઉછળતા ભાવ સાથે વર્ષિદાન કરી રહ્યા હતા. માર્ગમાં ચાર જગ્યાએ વર્ષીદાન થયુ હતું. જ્યારે ત્રણ જગ્યાએથી નાના વરઘોડા મુખ્ય વરઘોડા સાથે મળ્યા હતા. જેથી વરઘોડો વધુ ભવ્ય બન્યો હતો. વરઘોડો અઠવા ગેટથી લાલ બંગલા, પાર્લે પોઇન્ટ, પીપલોદ, રાહુલ રાજ મોલ થઇ બલર ફાર્મ બપોરે પહોંચ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ અગાઉ મુંબઈ અને એન્ટવર્પ માં પણ દેવાંશીની ભવ્ય વર્ષીદાન યાત્રા નીકળી હતી તેમજ વિદાય સમારોહ યોજાયા હતા.

દેવાંશી દીક્ષા દાનમ્ દીક્ષા મહોત્સવમાં સાક્ષી બનવા ભારતભરમાંથી ધર્મપ્રેમી ઉમટી પડ્યા છે. 450થી વધુ કાર્યકરો એક મહિનાથી દીક્ષાનગરી સજાવી રહ્યા હતા. જેમાં બાળ પ્રભાવી શૌર્ય ગાથા, અધ્યાત્મ બાળ, અદભુત જિનાલય આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સુરતમાં ચારે બાજુ દીક્ષા ધર્મનો જય જયકાર થઈ રહ્યો છે. ત્રીજા દિવસે રાત્રે દીક્ષાર્થીના વિદાય સમારંભમાં દીકરીની સંવેદના એ ઉપસ્થિત હજારો હૈયાના તાર ઝણઝણાવી દીધા હતા. લોકો જાણે ભાવ પ્રગટ કરી રહ્યા હતા કે દીકરી તું નાની ઉમરમાં મોટી બની ગઈ, તું તરી ગઇ અને અમે રહી ગયા.

દેવાંશી ધનેશ ભાઈ સંઘવી એનું નામ, વય 9 વર્ષની, બાળ વજ્ર કુમારને જન્મતા જ દીક્ષાના ભાવ જાગૃત થયા હતા. તેને આદર્શ બનાવી આ કુમળી વયે દીક્ષા લેનાર દેવાંશીએ એમજ દીક્ષા નથી લીધી, જન્મતાની સાથે જ એને દીક્ષાના સંસ્કાર મળ્યા છે. માતા અમીબહેને એના જનમ બાદ તરત જ નવકાર સંભળાવ્યો હતો અને એ પછી અનેક સ્તોત્ર અને પદો દેવાંશીના કાન અને જીવનને પવિત્ર કરતા રહ્યા.

ચાર માસની વયમાં જ ચોવિહાર શરૂ થઈ ગયો હતો. બે વર્ષે ઉપવાસ, 6 વર્ષે વિહાર, 7માં વર્ષે પૌષધ કર્યા. આ ઉપરાંત એણે જીવનકાળ માં મોબાઇલનો ઉપયોગ નથી કર્યો, ટીવી થિયેટર પણ નથી નિહાળ્યા હા, આટલી ઉંમરમાં તેણે 10 -12 નહિ પણ પૂરા 367 દીક્ષાના દર્શન કર્યા છે. પ્રતિક્રમણ, સામાયિક કરે છે. વૈરાગ્ય શતક અને તત્વાર્થના અઘ્યાય જેવા અનેક મહાગ્રંથો તેમને કંઠસ્થ છે. આ સિવાય અનેક જૈનગ્રંથોનું એમનું વાંચન છે. ધાર્મિક જ્ઞાન સાથે તેને પાંચ ભાષાની જાણકારી છે 

તેમજ ક્યૂબમાં ગોલ્ડ મેડલ મેળવેલો છે. સંગીતનો શોખ ધરાવતી હોવાથી સંગીતમાં લગભગ તમામ રાગ વિશે જાણે છે. તો સ્કેટિંગ, મેન્ટલ મેથ્સ અને ભારત નાટ્યમમાં પણ નિપુણ છે. યોગનાં અનેક આસાન કરી જાણે છે. આમ સર્વગુણ સંપન્ન અને દોમ દોમ સાહ્યબી છોડીને દેવાંશી પુષ્કળ અભ્યાસ બાદ દીક્ષા માર્ગે જઈ રહી છે. વિદાય સમારોહમાં સંવેદના વખતે એણે સાચું જ કીધુ હતું કે, હું સિંહનું સંતાન છું...અને સિંહ ની જેમ દીક્ષા લઇ રહી છું. અને સિંહની જેમ જ દીક્ષા જીવન જીવવાના મારા ભાવ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp