સુરતમાં "અક્ષય સંયમ યાત્રા" સાથે આચાર્ય મહાશ્રમણજીની પધરામણી

PC: Khabarchhe.com

જૈન ધર્મસંઘના 11માં આચાર્ય મહા શ્રમણજીના સુરતમાં પદાર્પણ બાદ અણુવ્રત દ્વાર ખાતેથી ભવ્ય " અક્ષય સંયમ યાત્રા" સાથે તેમની વેસુ સ્થિત ભગવાન મહાવીર યુનિવર્સિટી પ્રાંગણ ખાતે પધરામણી થઈ હતી. આ પ્રસંગે હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ યાત્રામાં જોડાયા હતા. જેને પગલે માહૌલ "મહાશ્રમણમય " બની ગયો હતો.

અહિંસા, પ્રમાણિકતા, કરૂણા અને મૈત્રીનો જન જન સુધી સંદેશો ફેલાવનાર યુગ પ્રધાન એવા જૈન ધર્મસંઘના 11માં આચાર્ય એ ગઈકાલે કામરેજ ખાતેથી ધવલ સેના સાથે પરવત પાટિયા ખાતે વિહાર કર્યો હતો. ત્યારબાદ સવારે અક્ષય તૃતીયા પ્રવાસ અંતરગત આચાર્ય મહા શ્રમણજી ધવલ સેના સાથે 10 કીમીનો વિહાર કરી અણુવ્રત દ્વાર ખાતે પહોંચ્યા હતા. અહીં તેમના સ્વાગત માટે મહિલાઓ, બાળકો અને પુરુષો મળી હજારો શ્રધ્ધાળુઓ ઉપસ્થિત હતા. ત્યારબાદ અહીંથી વિવિધ ઝાકીઓ સાથે મધુર ગીતોની ધૂન વચ્ચે તેરાપંથ ધર્મ સંઘની તમામ સંઘીય સંસ્થાઓ કતારબદ્ધ રીતે આગળ વધી "અક્ષય સંયમ યાત્રા" કાઢવામાં આવી હતી. ભવ્ય અને વિશાળ સંયમ યાત્રાને જોઈ સુરતીઓ પણ અભિભૂત થઈ ગયા હતા. યાત્રાના માર્ગ પર જૈન ધર્મના લોકો સાથે અન્ય ધર્મના લોકોAએ પણ આચાર્ય શ્રીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આશરે 9:30 વાગે ભવ્ય યાત્રા ભગવાન મહાવીર યુનિવર્સિટીના પ્રાંગણ ખાતે પહોંચી ધર્મસભામાં પરિવર્તિત થઈ હતી.

આચાર્ય મહા શ્રમણ અક્ષય તૃતીયા પ્રવાસ વ્યવસ્થા સમિતિ સુરતના અધ્યક્ષ સંજય સુરાનાએ જણાવ્યું હતું કે આવતી કાલે સવારે 8 વાગે અક્ષય તૃતીયા મહોત્સવની શરૂઆત થશે, જ્યાં આચાર્યના સાનિધ્યમાં 1111 થી વધુ તપસ્વીઓ વર્ષીતપના પારણા કરશે. જ્યારે સિટી તડકાના ફાઉન્ડર અને અક્ષય તૃતીયા પ્રવાસ વ્યવસ્થા સમિતિના મીડિયા વિભાગ વતી વિશ્વેષ સંઘવીએ જણાવ્યું હતું કે સુરતમાં અક્ષય તૃતીયાના અવસરે યોજાનાર વર્ષતપ તપસ્વીઓના પારણા એ એટલા માટે ઐતિહાસિક લેખાશે કે ભારતમાં પ્રથમ વખત તેરાપંથ ધર્મસંઘમાં 1111 થી વધુ તપસ્વીઓ આચાર્યના સાનિધ્યમાં પારણા કરશે. આચાર્ય આગામી 5 મે સુધી સુરતમાં પ્રવાસે છે. દરમિયાન વિભિન્ન ધાર્મિક, આધ્યત્મિક અનુષ્ઠાન નું આયોજન આચાર્ય શ્રીના સાનિધ્યમાં કરવામાં આવ્યું છે. જેનો સૌ સુરતવાસીઓ લાભ લઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp