વાપીમાં BJPના ઉપપ્રમુખની ગોળી મારી હત્યા, પરિવારનો લાશ સ્વીકારવાનો ઇનકાર

PC: gujaratijagran.com

વાપીના BJP ના ઉપપ્રમુખની ગોળી મારી હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. BJPના ઉપપ્રમુખ શૈલેષ પટેલ પરિવાર સાથે મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. તે સમયે બાઇક પર આવેલા અજાણ્યા ઇસમો ફાયરિંગ કરી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. શૈલેષ પટેલની હત્યા જૂની અદાવતમાં કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મૃતક શૈલેષ પટેલના પરિવારજનોએ તેમને જ્યાં સુધી ન્યાય ના મળે ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો છે. મૃતકના પરિવારજનોએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, જો ભાજપ સાશિત રાજ્યમાં આવી ફાયરિંગની ઘટના બનતી હોય તો યુપી અને ગુજરાતમાં શો તફાવત છે. અમારી માંગ છે કે, જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લાશ નહીં સ્વીકારીએ.

મીડિયા રિપોર્ટ અનુસાર, BJP ઉપપ્રમુખ શૈલેષ પટેલ દર સોમવારે પોતાની પત્ની સાથે શિવ મંદિરે દર્શન કરવા માટે જતા હતા. પોતાના નિત્યક્રમ અનુસાર, તેઓ આજે સવારે 7.15 વાગ્યે પોતાની પત્ની સાથે શિવ મંદિરે પહોંચ્યા. તેમના પત્ની દર્શન કરવા માટે મંદિરમાં ગયા જ્યારે શૈલેષ પટેલ ગાડીમાં જ બેસીને પત્નીની રાહ જોઈ રહ્યા હતા. તે સમયે અચાનક એક બાઇક આવીને તેમની ગાડી પાસે ઊભી રહી. તે બાઇક પર ચાર લોકો સવાર હતા. શૈલેષ પટેલ કંઈ સમજે તે પહેલા જ બાઇક સવારોએ તેમના પર ચાર રાઉન્ડ ફાયરિંગ કરી દીધુ, જેમાંથી ત્રણ ગોળીએ શૈલેષ પટેલને વાગતા તેમનું મોત નીપજ્યું હતું. ચારેય બાઇકસવાર ઇસમો ઘટનાને અંજામ આપી ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

શૈલેષ પટેલના પત્ની મંદિરે દર્શન કરીને આવ્યા તો ગાડીના દરવાજા પર લોહી જોઈ ગભરાઈ ગયા હતા અને દરવાજો ખોલતા જ પતિને લોહીલુહાણ હાલતમાં જોઈ તેમણે બૂમાબૂમ કરી મુકી હતી. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ વલસાડ પોલીસ તેમજ જિલ્લા BJPના આગેવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે બદમાશોને પકડી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. તેમજ આસપાસના વિસ્તારના CCTV ફુટેજ પણ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, વલસાડના કોચરવા વિસ્તારમાં કોળી પટેલમાં બે અલગ-અલગ જૂથ પડી ગયા છે અને તેમની વચ્ચે વારંવાર ઘર્ષણ થયા કરે છે. સ્થાનિક અગ્રણીઓ રાજ્ય નાણામંત્રી કનુભાઈ દેસાઈ સ્થળ પર આવે તેવી માંગ કરી રહ્યા છે.

ઘટનાને પગલે મૃતક શૈલેષ પટેલના પરિવારમાં રોષની લાગણી જોવા મળી રહી છે. તેમજ વલસાડ પોલીસ દ્વારા શંકાસ્પદ ઇસમોના ઘરની આગળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ફાળવાયો હોવાની જાણ થતા મૃતકના પરિવારજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. મૃતકના પરિવારજનોએ જ્યાં સુધી ન્યાય ના મળે ત્યાં સુધી લાશનો સ્વીકાર કરવાનો ઇન્કાર કરી દીધો છે. સાથે જ જૂની અદાવતમાં આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાનો આક્ષેપ પણ પરિવારના સભ્યો કરી રહ્યા છે.

ઘટનાઅંગે DySP બી. એન. દવેએ જણાવ્યું હતું કે, આજે સવારે 7 વાગ્યાની આસપાસ વલસાડના કોચરવા ગામમાં શૈલેષ પટેલ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમા તેમનું મોત થયુ હતું. શિવ મંદિરમાં શૈલેષ પટેલ અને તેમનો પરિવાર દર્શન કરવા માટે જતો હતો ત્યારે આ બનાવ બન્યો હતો. પોલીસની ટીમો તપાસ કરી રહી છે. CCTV ફુટેજ ચેક કરવામાં આવી રહ્યા છે, તેમજ પરિવારના સભ્યોએ જે શંકાસ્પદોના નામો આપ્યા છે તેમની પણ તપાસ કરવામાં આવી રહી છે.

શૈલેષ પટેલની હત્યાને મામલે જિલ્લા ભાજપના પ્રમુખ હેમંત કંસારાએ જણાવ્યું હતું કે, શૈલેષ પટેલની હત્યા ખૂબ જ દુઃખદ બાબત છે. તેઓ સંગઠનના ખૂબ જ સારા વ્યક્તિ હતા. વાપીમાં તેમના થકી પાર્ટીનું કામ ખૂબ જ સારી રીતે ચાલતું હતું. આજે જે ઘટના બની છે તેની જાણ પોલીસ, પ્રદેશ સંગઠન અને મુખ્યમંત્રી સુધી કરવામાં આવી છે. આ ઘટનામાં જે લોકો સંકળાયેલા છે તેમની સામે કડક કાર્યવાહી થાય તે માટે પાર્ટીને જાણ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp