સુરતઃ બ્રેઈનડેડ સેવકરામના બે કિડનીના દાનથી બે વ્યક્તિઓને નવજીવન મળ્યું

PC: khabarchhe.com

ગુરૂ પૂર્ણિમાના પાવનદિને સુરતની નવી સિવિલ હોસ્પિટલથી વધુ એક સફળ અંગદાન થયું છે. સુરતના પાંડેસરાના સેવકરામ કાલુ રાજોરે બ્રેઈનડેડ થતા તેમની બે કિડનીના દાનથી બે જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે. નવી સિવિલના માધ્યમથી અંગદાનની સદી પાર થવા સાથે સિવિલ આરોગ્યતંત્રના પ્રયાસોથી છેલ્લા છ મહિનામાં અંગદાનની 32 ઘટનામાં કુલ 102 અંગોનું દાન થયું છે.

આજે ગુરૂ પૂર્ણિમાના પાવનદિને જીવનપથમાં જ્ઞાન અને માર્ગદર્શન આપનાર ગુરૂનો મહિમા અનેરો હોય છે, જેમ ગુરૂજનો વિદ્યાદાન કરીને શિષ્યના જીવનને ઉજ્જવળ બનાવે છે, એવી જ રીતે સ્વ.સેવકરામ મૃત્યુ પામીને પણ કિડનીના દાનથી જરૂરિયાતમંદ દર્દીઓના જીવનમાં નવો ઉજાસ ફેલાવવામાં નિમિત્ત બન્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ મધ્યપ્રદેશના ખંડવા જિલ્લાના પંધાણા તાલુકાના સેગવાલ ગામના વતની 46 વર્ષીય સેવકરામ રાજોરે સુરતના પાંડેસરા હાઉસિંગમાં પત્ની રમાબાઈ, ત્રણ પુત્રીઓ અને એક પુત્ર સાથે રહેતા હતા, અને મોચી કામ કરી પરિવારનું ભરણપોષણ કરતા હતા. ગત તા.30મી જૂને તેઓ રાત્રે જમીને પરિવાર સાથે ટીવી જોઈ રહ્યા હતા, એ દરમિયાન શરીરની એક બાજુ પેરેલિસિસ (લકવા) એટેક આવ્યો હોય એમ તેમના શરીરનો એક ભાગ જકડાઈ ગયો હતો. જેથી તેમને સારવાર માટે વલસાડની ડુંગરી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. નિદાનમાં Intraparenchymal hemorrhage (IPH) અને intraventricular hemorrhage (IVH) થયું હોવાનું જણાતા આ હોસ્પિટલના તબીબે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં વધુ સઘન સારવાર માટે રિફર કર્યા હતા. તા.1લી જુલાઈએ નવી સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમને તા.૨ જુલાઈએ બ્રેઈનડેડ જાહેર કરાયા હતા.

રાજોરે પરિવારના સભ્યોને સોટોની ટીમના ડો.નિલેશ કાછડીયા, RMO ડો.કેતન નાયક, ઈકબાલ કડીવાલા, કાઉન્સેલર નિર્મલા કાથુડ અને ગુલાબભાઈએ અંગદાનનું મહત્વ સમજાવ્યું. જેથી અન્યને નવું જીવન મળતું હોય તો સેવકરામના પત્ની, સંતાનો સહિત રાજોરે પરિવારના સભ્યોએ દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે આગળ વધવા સમંતિ આપી હતી.

આજે તા.3 જુલાઈએ બ્રેઈનડેડ સેવકરામની કિડનીઓનું દાન સ્વીકારવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલના સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકર, RMO ડો.કેતન નાયક, પ્લાસ્ટિક સર્જન ડો.નિલેશ કાછડિયા, ન્યુરો ફિઝિશીયન ડો.પરેશ ઝાંઝમેરા, નર્સિંગ કાઉન્સીલના ઉપાધ્યક્ષશ્રી ઈકબાલ કડીવાલા, નર્સિંગ સ્ટાફ, સિકયુરિટી સ્ટાફે અંગદાનમાં જહેમત ઉઠાવી હતી.

નવી સિવિલ હોસ્પિટલના સફળ પ્રયાસોના પરિણામે આજે વધુ એક અંગદાન સાથે 32મુ અંગદાન થયું છે એમ ડો.ગોવેકરે જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp