- Gujarat
- સુરતની યુવતી સાથે બળાત્કાર કરવાના કેસમાં આસારામ દોષી જાહેર થયો
સુરતની યુવતી સાથે બળાત્કાર કરવાના કેસમાં આસારામ દોષી જાહેર થયો
જેલમાં બંધ આસારામને કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. 2013ના બળાત્કાર કેસમાં સેશન્સ કોર્ટે તેને દોષી જાહેર કર્યો છે અને આવતીકાલે 31 તારીખે તેની સજાની જાહેરાત કરવામાં આવશે. આ કેસમાં કોર્ટે બીજા આરોપીને નિર્દોષ જાહેર કરીને છોડી દીધો છે. આસારામ પર 2013મા સુરતની એક યુવતી સાથે બળાત્કાર કરવાનો આરોપ લાગ્યો હતો અને એ જ પીડિતાની નાની બહેની સાથે આસારામના દીકરા નારાયણ સાઈએ બળાત્કાર કર્યો, એવો આરોપ લાગ્યો હતો. આ મામલે આસારામ તેની પત્ની લક્ષ્મી, દીકરી ભારતી અને ચાર મહિલા સાધ્વી આરોપી છે.

આસારામે આ કેસ અંગે અગાઉ કહ્યું હતું કે, તેના વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવ્યું છે. તેણે કોર્ટને કહ્યું હતું કે, હું જાણું છું કે કોઈએ મારી વિરુદ્ધ કાવતરું ઘડ્યું છે, જે પણ આરોપો લાગ્યા છે, એ લોકોની કરતૂતો છે જેમને 12 વર્ષ પહેલા મારા આશ્રમમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા અને તેમણે મને અને મારા કુટુંબીઓને ફસાવ્યા છે.
આસારામ સામે સુરતની એક યુવતીએ બળાત્કારનો કેસ કર્યો હતો. 2014થી ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આ કેસ પેન્ડિંગ હતો. આસારામે પોતાનું સ્ટેટમેન્ટ 175 પેજમાં નોંધાવ્યું હતું. આસારામને રાજસ્થાનના જોધપુરની સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો છે. આસારામે સુનાવણી પહેલા કહ્યું હતું કે, તેના વિરુદ્ધ ફેક FIR કરવામાં આવી છે. પોલીસે આ કેસમાં સત્ય જાણવાની કોશિશ નથી કરી.
આસારામને વર્ચ્યુઅલી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. સુનાવણી બાદ ગાંધીનગર કોર્ટે આસારામને દોષી તો જાહેર કરી દીધો પરંતુ તેની સજાની જાહેરાત 31 જાન્યુઆરીના રોજ કરવામાં આવશે.

