આસારામને સુરતની યુવતી પર બળાત્કારના કેસમાં 9 વર્ષે કોર્ટે ફટકારી મોટી સજા

PC: asianetnews.com

આસારામને ગાંધીનગર કોર્ટમાં ચાલતા દુષ્કર્મ કેસમાં આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી છે આ અગાઉ જોધપુર કોર્ટે પણ આજીવન કેદની સજા ફટકારી હતી. સુરતની એક મહિલાએ 2013માં આસારામ સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાવી હતી ત્યારબાદ, ગાંધીનગર સેશન્સ કોર્ટ દ્વારા ગઈકાલે આસારામને દોષી જાહેર કરવામાં આવ્યો હતો અને આજે આસારામને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી છે. ગાંધીનગર સેશન્સ કોર્ટ દ્વારા આસારામને દુષ્કર્મ કેસમાં દોષી ઠેરવ્યા બાદ આજે સજા આપવામાં આવી, જેમા કલમ 376 હેઠળ આજીવન કેદ, 377 હેઠળ આજીવન કેદ, 354 હેઠળ 1 વર્ષ, 342 હેઠળ 6 મહિના, 357 હેઠળ 1 વર્ષ અને 506 (2) હેઠળ 1 વર્ષની સજા ફટકારવામાં આવી છે.

આસારામને સુરતની બે યુવતીઓ પર દુષ્કર્મના કેસમાં કાલે દોષી જાહેર કરવામાં આવ્યો હતો અને આજે સજા ફટકારવામાં આવી છે. ગાંધીનગર સેશન્સ કોર્ટે આસારામ ઉપરાંત અન્ય 6 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. 6 ઓક્ટોબર, 2013ના રોજ આસારામ વિરુદ્ધ સુરતની બે યુવતીઓએ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાવી હતી. આ બંને યુવતીઓએ 2001માં થયેલા દુષ્કર્મની ફરિયાદ 2013માં નોંધાવી હતી, જેમા આસારામ સાથે અન્ય છ લોકોને પણ આરોપી બનાવવામાં આવ્યા હતા. છેલ્લાં 9 વર્ષોથી ચાલતા આ કેસમાં ગાંધીનગર સેશન્સ કોર્ટે આજે સજા સંભળાવી છે.

દુષ્કર્મના આ કેસમાં આસારામ ઉપરાંત તેની પત્ની અને પુત્રી સહિત કુલ 6 આરોપીઓને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી મુકવામાં આવ્યા છે. આસારામના વકીલ સીબી ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ રેપ કેસમાં 2014માં ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી, જેમા 7 લોકોને આરોપી દર્શાવવામાં આવ્યા હતા. જેમાંથી એક આરોપી અખિલને પ્રોસિક્યુશને સાક્ષી બનાવ્યો હતો. જ્યારે બાકીના 6 આરોપીઓ આસારામના પત્ની, તેની દીકરી અને આશ્રમના ચાર મહિલા વ્યવસ્થાપકોને મુક્ત કરવામાં આવ્યા છે. સાથે જ આસારામના વકીલે સેશન્સ કોર્ટના ચુકાદા વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલ કરવાની વાત કરી હતી.

બળાત્કારની પીડિતા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં તેણે કહ્યું હતું કે, ગુરુપૂર્ણિમા વખતે તેને વક્તા તરીકે પસંદ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને આસારામના ફાર્મહાઉસ શાંતિવાટિકા બોલાવવામાં આવી હતી. જ્યાં આસારામે તેને હાથ-પગ ધોઈને અંદર બોલાવી હતી અને બાદમાં ઘીની વાટકી મંગાવી માથામાં માલિશ કરવા કહ્યું હતું. માલિશ કરતી વખતે આસારામે અડપલાં શરૂ કરતા ભોગ બનનારે ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે આસારામે જેટલું જલ્દી સમર્પણ કરશે એટલું આગળ વધશે તેવુ કહી બળજબરીપૂર્વક બળાત્કાર કર્યો હતો અને અપ્રાકૃતિક સેક્સ પણ કર્યું હતું. ત્યારબાદ ધમકી આપી ત્યાંથી મોકલી આપી હતી.

આસારામને અન્ય એક દુષ્કર્મના કેસમાં પણ સજા સંભળાવવામાં આવી હોવાથી હાલ તે જોધપુર જેલમાં બંધ છે. ગાંધીનગર કોર્ટમાં તેની સામે ચાલી રહેલા કેસ દરમિયાન તેને વીડિયો કોન્ફ્રન્સિંગ દ્વારા હાજર રાખવામાં આવતો હતો. આસારામ દુષ્કર્મ કેસમાં દસ વર્ષથી જેલમાં બંધ છે. થોડાં સમય પહેલા તેણે જામીન માટે અરજી પણ કરી હતી પરંતુ, કોર્ટે તેની જામીન અરજી નકારી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp