2 વર્ષમાં ગુજરાત પોલીસે 785 ડ્રગ્સ માફિયાઓને જેલના હવાલે કર્યાઃ હર્ષ સંઘવી

ગુજરાત સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, સુરત જિલ્લા પોલિસ અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે મહુવા તાલુકાના તરસાડી સ્થિત ઉકા તરસાડિયા યુનિવર્સિટી, માલિબા કેમ્પસ ખાતે વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને 'આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ'ની ઊજવણી કરવામાં આવી હતી.
ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ડ્રગ્સ એ આપણું સૌથી મોટું સામાજિક દૂષણ છે. માત્ર ડ્રગ્સ પકડવાની કામગીરી કરવાથી ડ્રગ્સ રોકી નથી શકાતું પણ ડ્રગ્સના દૂષણને નાથવા માટે સમાજે આ લડાઈને હાથમાં લેવી પડશે. એટલે જ આજે ગુજરાત પોલીસ ડ્રગ્સના દલાલોને નાથવા અને યુવાધનને જાગૃત્ત કરવાની બે દિશામાં એક સાથે કામ કરી રહી છે.
ડ્રગ્સનું વ્યસન છૂટવું એ વ્યસની વ્યક્તિ માટે નવી દિશા અને નવી જિંદગીની શરૂઆત છે એમ જણાવતા ગૃરાજ્યમંત્રીએ ઉમેર્યું કે, છેલ્લા બે વર્ષમાં ગુજરાત પોલીસે કુલ 785 ડ્રગ્સ માફિયાઓને જેલના હવાલે કર્યા છે. નશાનો વેપલો કરનારા સમાજના દુશ્મનોને પકડીને જેલ હવાલે બંધ કરવાનું કામ કરનાર આપણી ગુજરાત પોલીસ કરી રહી છે. આજની યુવા પેઢી દેશનું ભવિષ્ય છે. નશાની ચુંગાલમાં ફસાવીને યુવાધનને બરબાદ કરવાના કાવતરાને નાકામ કરવામાં ગુજરાત પોલીસને મોટી સફળતા મળી છે એમ જણાવી નિર્વ્યસની બનવા, સારા ભવિષ્યના નિર્માણ માટે જે દિશા પસંદ કરી હોય તેના પર આવશ્ય આગળ વધવા ઉપસ્થિત યુવાનોને ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.
વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે કહ્યું કે, આપણો દેશ યુવાનોનો દેશ છે. એટલે જ સ્વાભાવિકપણે ડ્રગ્સ માફિયાઓનો લક્ષ્યાંક યુવા પેઢી જ હોય છે. પરંતુ યુવાધન સ્વયં જાગૃત થવાથી આ દૂષણ ધીરે ધીરે નાબૂદ થઈ રહ્યું છે. આવનાર સમયમાં ગુજરાત સહિત સમગ્ર ભારતને ડ્રગ્સમુક્ત કરવા સામૂહિક પ્રયાસો કરીએ એવું આહ્વાન કર્યું હતું.
જિલ્લા પોલીસના ડ્રગ્સવિરોધી અભિયાનમાં સુરત જિલ્લાની પ્રાથમિક શાળાના અંદાજિત 75,000થી વધુ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોએ ઈ-માધ્યમથી જોડાઈને ડ્રગ્સના દૂષણને નાથવા એકજૂથ થઈને સંકલ્પ ગ્રહણ કર્યો હતો. ઉપસ્થિત સૌએ ડ્રગ્સ વિરોધી શોર્ટ ફિલ્મ નિહાળી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp