લેડી ડોન બનવાના વરાછાની ભાવલીના અભરખા પોલીસે ઉતારી દીધા, જેલ ભેગી થઇ

PC: gujarattak.in

લેડી ડોન બનવાના અભરખા રાખતી સુરતની એક યુવતીને કાપોદ્રા પોલીસે બરોબરનો પાઠ ભણાવ્યો છે અને તેણીના અભરખા પર ઠંડુ પાણી રેડી દીધું છે. લોકોને રંજાડતી આ લેડી ડોનને સુરતની કાપોદ્રા પોલીસે જેલ ભેગી કરી દીધી છે. લેડી ડોનના  CCTV સામે આવ્યા પછી પોલીસ એક્શનમાં આવી ગઇ હતી અને તેની અને તેના સાગરીતની ધરપકડ કરી છે. આ લેડી ડોનને પોલીસે કામરેજમાંથી પકડી પાડી હતી. પોલીસે આ લેડી ડોનની ધરપકડ કરી ત્યારે તેના ચહેરા પર કોઇ પણ પ્રકારનો વસવસો, કે રંજ જોવા મળ્યો નહોતો.

સુરતના વરાછા વિસ્તારમાં થોડા વર્ષો પહેલાં ભૂરી નામની એક યુવતીને પણ લેડી ડોન બનવાના સપના હતા, પરંતુ ઘણાં સમયથી ભૂરી ગાયબ થઇ ગઇ છે. હવે વરાછામાં એક નવી લેડી ડોન ઉભી થઇ હતી. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં કાપોદ્રા વિસ્તારમાં આવેલા નાલંદા સ્કુલ પાસે એક યુવતીએ તેના સાગરીતો સાથે મળીને મોટર બાઇક પર રીતસરનો આતંક મચાવ્યો હતો. વીડિયોમાં આ યુવતી ચપ્પુ અને હાથમાં લાકડાનો ફટકાં સાથે રોફ જમાવતી દેખાતી હતી.

સોશિયલ મીડિયામાં ફરતો ફકતો આ વીડિયો કાપોદ્રા પોલીસ પાસે પહોંચ્યો હતો અને પોલીસે તરત તપાસ શરૂ કરી હતી અને ભાવિકા અનિલ વાળા જેને લેડી ડોન બનવાના સપના હતા તેની પોલીસે ધરપકડ કરી હતી. ભાવિકાના અનેક નામ સામે આવી રહ્યા છે. તે ભાવના, ભાવલી અને ભાવિકા તરીકે ઓળખાઇ છે.

કાપોદ્રા પોલીસે જ્યારે તપાસ શરૂ કરી તો એવા  CCTV પણ સામે આવ્યા હતા જેમાં ભાવિકા વાળા તેના સાગરીતો સાથે રસ્તા પર ધમાલ મચાવી રહી હતી અને એક સોસાયટી બહાર પાર્ક કરેલી કારોના કાચને તોડી રહી હતી. પોલીસે ભાવિકા અને તેના 4 સાગરીતો સામે રાયોટીંગનો ગુનો નોંધ્યો હતો.

પોલીસને પહેલાં 4 સાગરીતો હાથ લાગી ગયા હતા તેમની પુછપરછ પછી ભાવિકા વાળાની કામરેજમાં ધરપકડ કરવાં આવી હતી. પોલીસે ભાવિકા ઉર્ફે ભાવલીની ધરપકડ કરી તો ચોંકાવનારી વિગતો સામે આવી હતી. ભાવિકા તેના મિત્રો સાથે 26 નવેમ્બર 2022માં દમણ ગઇ હતી અને હત્યાના પ્રયાસના ગુનામાં વોન્ટેડ જાહેર થયેલી છે. દમણમાં એક કાર ચાલક સાથે ભાવિકાનો ઝઘડો થયો હતો અને તેમાં નજીકની હોટલ માલિક પર હુમલો કરીને નાસી છુટી હતી. ભાવિકાની સાથે ઝડપાયેલો રાહુલ બાડો રીઢો આરોપી છે અને તેની સામે કાપોદ્રા, ડુમ્મસ, પુણા,વરાછા, અમરોલી સહિત કુલ 6 ગુના નોંધાયેલા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp