યુવતીને ફોટા વાયરલ કરવાની ધમકી આપતો હતો રોમિયો અભયમ ટીમે સાન ઠેકાણે લાવી દીધી

PC: khabarchhe.com

મહિલાઓ માટે સંકટના સમયનો સાથી બનેલી 181 અભયમ હેલ્પલાઈન ફરી એક વાર સુરત શહેરની એક પીડિત યુવતીની વ્હારે આવી છે. અભયમ ટીમ પુણા પાસે, પર્વત પાટીયા વિસ્તારમાં રહેતી 19 વર્ષીય યુવતીને સોશ્યલ મીડિયામાં ફોટા વાયરલ કરવાની ધમકી આપી ત્રાસ આપનાર યુવકની સાન ઠેકાણે લાવી હતી.

અભયમથી પ્રાપ્ત વિગતો મુજબ કોલેજમાં અભ્યાસ કરતી પર્વત પાટીયાની અનુજા (નામ બદલ્યું છે) 23 વર્ષીય વિદ્યાર્થિની એક યુવક સાથે સોશ્યલ મીડિયા દ્વારા પરિચયમાં આવતા 6 માસથી પ્રેમસંબંધમાં હતી. અનુજાને થોડા દિવસોમાં જ જાણ થઈ કે પ્રેમી દારૂ પીવાની ટેવ ધરાવે છે. ફોન પર ઝઘડો કરીને ક્યારેક કોલેજ પહોંચી જતો અને અનુજાને બોલાવી મારપીટ કરતો. ક્લાસમેટ સાથે વાતચીત પણ ન કરવા દબાણ કરતો. ઉપરાંત, શંકા-કુશંકા કરી મારપીટ કરતો હોવાથી આખરે અનુજાએ તેની સાથેના સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દીધું. યુવકનો મોબાઈલ નં. પણ બ્લોક કર્યો, પણ આવારા પ્રેમી દરરોજ નવા-નવા નંબરો પરથી કોલ કરી ધમકી આપી પ્રેમસંબંધ રાખવાનું દબાણ કરતો, જો તેમ નહીં કરે તો ફોટા-વિડીયો વાયરલ કરવાની ધમકી આપવા લાગ્યો. ઉપરાંત, કોલેજમાં આવીને પોતે મરી જવાની ધમકી આપતો હતો. આખરે થાકી-હારીને પીડિત અનુજાએ 181 પર કોલ કરીને આપવિતી જણાવી મદદ માંગી હતી.

અભયમ ટીમે યુવકને બોલાવી કડકાઈથી સમજાવ્યો હતો.તેમજ કાયદાકીય પગલાઓ અને યુવતીને બ્લેકમેઈલ કરવાની કડક જેલ સજા થઈ શકે છે, કોઈના અંગત ફોટા મોબાઈલમાં રાખવા અને તેનો દુરૂપયોગ કરવો એ ગુનો છે એમ સમજાવતા યુવકની સાન ઠેકાણે આવી હતી. આ ઉપરાંત તેના મોબાઈલમાં રહેલા ફોટા-વિડીયો ડિલીટ કરાવ્યા હતા. કાયદાકીય જોગવાઈ અને જેલસજાની સજાનું ભાન થતા યુવકે હવે પછી અનુજાને ક્યારેય હેરાન-પરેશાન કરશે નહીં તેવી ખાતરી આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp