બહુ ચર્ચિત બીટકોઇન કેસઃ શૈલેષ ભટ્ટને સુપ્રીમમાંથી મળી મોટી રાહત

PC: economictimes.indiatimes.com

વર્ષ 2018ની આ વાત છે. ત્યારે સીઆઈડી ક્રાઇમમાં એક ગુનો એવો નોંધાયો કે એવો ગુનો ભૂતકાળમાં ગુજરાતમાં જ નહીં પૂરા દેશમાં ક્યાંય નોંધાયો ન હતો. આ કેસ એટલે અપહરણ, ખંડણી, માર મારવાનો કેસ. જેમાં આરોપીઓ હતા તત્કાલીન પોલીસ અધિક્ષક, પૂર્વ ધારાસભ્ય વગેરે. પોલીસે આ ગુનો તો નોંધ્યો જ પણ સામે કાઉન્ટર બ્લાસ્ટ એપઆઈઆર પણ નોંધી જેમાં એક આરોપી તરીકે જેનું નામ હતું તે શૈલેષ ભટ્ટે કાનૂનનું શરણું ગ્રહણ કરી જંગ છેડ્યો. પાંચ વર્ષના કાનૂની જંગ બાદ આખરે સત્યનો વિજય થયો ને શૈલેષ ભટ્ટની કાયમીધોરણે ધરપકડ ન કરવા તેમજ ચાર્જશીટ ન કરવાનો સુપ્રીમ કોર્ટે હુકમ કર્યો છે.

આજથી પાંચ વર્ષ પૂર્વે એટલે કે તા. 19-05-2018ના રોજ સીઆઈડી ક્રાઇમની સુરત કચેરી ખાતે એક ગુનો નોંધાયો હતો. જેમાં સીઆઈડી ક્રાઇમમાં તે વખતે પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતાજવારસિંહ હોંશિયારસિંહ દહિયા (જે.એચ. દહિયા- હાલ સસ્પેન્ડ)એ ફરિયાદી બની શૈલેષ ભટ્ટ, જિગ્નેશ મોરડિયા, કિરીટ વાળા, નિકંજ ભટ્ટ, જિગ્નેશ ખેની, ઉમેશ ઉર્ફે ઉમલો ઉર્ફે બાવાજી, જે.કે. રાજપૂત, દિલીપ કાનાણી અને હિતેશ જોટાસણાને આરોપી દર્શાવ્યા હતા. ફરિયાદમાં જણાવ્યું હતું કે આ તમામ આરોપીઓએ પીયૂષ સાવલિયા અને ધવલ માવાણીનું અપહરણ કરી ગોંધી રાખી શસ્ત્રો બતાવી ધાક ધમકી આપી રૂ. 131.07 કરોડના બીટકોઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ ઉપરાંત રોકડા રૂ. 14.05 કરોડ આંગડિયા મારફતે મેળવી લીધા હતા. આટલું જ નહીં પણ ભોગ બનનારા બન્નેને ભારત છોડી જતા રહેવાની ધમકી આપી હતી. આ કેસ દાખલ થયો એ સાથે જ શૈલેષ ભટ્ટે કાનૂનનું શરણું ગ્રહણ કરી પોતાની ધરપકડ પર સ્ટે મેળવવા સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યાં હતાં. પહેલા તબક્કામાં ધરપકડ પર સ્ટે મળી ગયો હતો.

ત્યાર પછી પણ તેમણે કાનૂની જંગ ચાલુ રાખી સ્ટેને કાયમી બનાવવાની લડત ચાલુ રાખી હતી. પાંચ વર્ષના કાનૂની જંગના અંતે આખરે સત્યનો વિજય થયો હતો અને શૈલેષ ભટ્ટની ધરપકડ કાયમી ધોરણે ન કરવા તેમજ ચાર્જશીટ દાખલ ન કરવાનો હુકમ સુપ્રીમ કોર્ટે કર્યો હતો. પરિણામે હવે આ ગુનામાં સીઆઈડી ક્રાઈમની ટીમ શૈલેષ ભટ્ટની ધરપકડ કરી શકશે નહીં. આ કેસમાં શૈલેષ ભટ્ટ વતી એડવોકેટ મુકુલ રોહતિંગી, સિદ્ધાર્થ દવે, કિશન દહિયા, મોહિત રામ, મોનિશા હાન્ડા, સૌમ્યા ગુપ્તા રોકાયા હતા.

શું છે કાઉન્ટર બ્લાસ્ટ એફઆઈઆર: બીટ કોઈન સંદર્ભે જ્યારે પોલીસને પણ સમજ પડતી ન હતી તે વખતે શૈલેષ ભટ્ટે નિવૃત્ત ડીજીપી આશિષ ભાટિયા (તે વખતે સીઆઈડી ક્રાઇમના વડા)નો સંપર્ક કર્યો હતો. પૂરા અભ્યાસ બાદ સીઆઈડી ક્રાઇમે શૈલેષ ભટ્ટની ફરિયાદ લીધી. જેમાં આરોપી તરીકે અમરેલીના તત્કાલીન પોલીસ વડા જગદીશ પટેલ, અમરેલીના પૂર્વે ધારાસભ્ય નલીન કોટડિયા સહિતનાં મોટાં માથાં હતાં. એ તમામની ધરપકડ થઈ ચૂકી છે. આ ગુનો નોંધાયો તેની સામે કાઉન્ટર બ્લાસ્ટ તરીકે શૈલેષ ભટ્ટ સહિતના લોકો સામે ખંડણી અપહરણ વગેરેનો ગુનો નોંધાયો હતો. આ રીતે કાઉન્ટર બ્લાસ્ટ એફઆઈઆર હોવાની રજૂઆત સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp