સુરતના હીરા વેપારીની દીકરીએ માત્ર 9 વર્ષની ઉંમરે લઇ લીધો સન્યાસ, ક્યારેય ટીવી...

PC: indiatv.in

સુરતના હીરા વેપારી મોહનભાઈ સંઘવીની પૌત્રી તેમજ ધનેશભાઈ અને અમી બેનની 9 વર્ષની દીકરી દેવાંશીએ સંન્યાસ લઈ લીધો છે. દેવાંશીનો દીક્ષા મહોત્સવ વેસુમાં 14 જાન્યુઆરીથી શરૂ થયો હતો અને આજે એટલે કે 18 જાન્યુઆરીને બુધવારે તેના દીક્ષા ગ્રહણ સાથે પૂર્ણ થયો હતો. આજે સવારે 6 વાગ્યે તેની દીક્ષા શરૂ થઈ હતી, જે હવે પૂર્ણ થઈ ગઈ છે. દેવાંશીએ 35 હજારથી વધુ લોકોની હાજરીમાં જૈનાચાર્ય કીર્તિયશસૂરીશ્વર મહારાજ પાસેથી દીક્ષા લીધી છે. દેવાંશીના પરિવારના જ સ્વ. તારાચંદનું પણ ધર્મના ક્ષેત્રમાં એક વિશેષ સ્થાન હતું. તેમણે શ્રી સમ્મેદશિખરનો ભવ્ય સંઘ કાઢ્યો હતો અને આબૂના પહાડોની નીચે સંઘવી ભેરુતારક તીર્થનું નિર્માણ કરાવ્યું હતું.

સુરતમાં જ દેવાંશીની વર્ષીદાન યાત્રા યોજવામાં આવી હતી. તેમા 4 હાથી, 20 ઘોડા, 11 ઊંટ હતા. આ પહેલા મુંબઈ અને એન્ટવર્પમાં પણ દેવાંશીની વર્ષીદાન યાત્રા યોજવામાં આવી હતી. દેવાંશી 5 ભાષાઓની જાણકાર છે. તે સંગીત, સ્કેટિંગ, મેન્ટલ મેથ્સ અને ભરતનાટ્યમમાં એક્સપર્ટ છે. દેવાંશીને વૈરાગ્ય શતક અને તત્વાર્થના અધ્યાય જેવા મહાગ્રંથ કંઠસ્થ છે.

એટલું જ નહીં, દેવાંશીએ 8 વર્ષની ઉંમર સુધીમાં 357 દીક્ષા દર્શન, 500 કિમી પગપાળા વિહાર, તીર્થોની યાત્રા તેમજ ઘણા જૈન ગ્રંથોનું વાંચન કરી તત્વ જ્ઞાનને સમજ્યું છે. દેવાંશીના માતા-પિતા અમી બેન અને ધનેશભાઈ સંઘવીએ જણાવ્યું કે, તેમની દીકરીએ ક્યારેય ટીવી નથી જોયુ, જૈન ધર્મમાં પ્રતિબંધિત વસ્તુઓનો તેણે ક્યારેય ઉપયોગ નથી કર્યો. તેમજ ક્યારેય લેટર્સ પ્રિન્ટ કર્યા હોય તેવા કપડાં પણ નથી પહેર્યા. દેવાંશીએ માત્ર ધાર્મિક શિક્ષણમાં જ નહીં પરંતુ, ક્વિઝમાં ગોલ્ડ મેડલ પણ મેળવ્યો છે. તેમજ ભરતનાટ્યમ જેવા ક્લાસિકલ ડાન્સ અને યોગમાં પણ તે નિપૂણ છે.

દેવાંશીની માતા અમીબેને જણાવ્યું હતું કે, દેવાંશી જ્યારે 25 દિવસની હતી ત્યારથી જ નવકારસીનો પચ્ચખાણ લેવાનું શરૂ કર્યું. 4 મહિનાની હતી ત્યારથી રાત્રિ ભોજનનો ત્યાગ કરી દીધો હતો. 8 મહિનાની હતી ત્યારથી ત્રિકાલ પૂજનની શરૂઆત કરી. 1 વર્ષની થઈ ત્યારથી રોજ નવકાર મંત્રનો જાપ કર્યો. 2 વર્ષ 1 મહિનાથી ગુરુઓ પાસે ધાર્મિક શિક્ષણ લેવાની શરૂઆત કરી અને 4 વર્ષ 3 મહિનાની ઉંમરથી જ ગુરુઓ સાથે રહેવાનું શરૂ કરી દીધુ હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp