સુરત પોલીસ વિરુદ્ધ UPમાં અપહરણની ફરિયાદ દાખલ, જાણો શું છે મામલો

PC: bharatmirror.com

સુરત સાઇબર બ્રાન્ચ પોલીસના 9 કર્મીઓ વિરુદ્ધ કાયદાની યોગ્ય પ્રક્રિયાનું પાલન કર્યા વિના એક આરોપીની ધરપકડ કરવા બદલ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ વાતની પુષ્ટિ ગાજિયાબાદ પોલીસે પણ કરી છે કે, સુરતના પોલીસકર્મીઓ વિરુદ્ધ વિજયનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના ગાજિયાબાદમાંથી એક આરોપી દેવેન્દ્ર ગુપ્તાની ધરપકડ માટે ગયેલા સુરતના પોલીસકર્મીઓએ સ્થાનિક પોલીસ સાથે સંબંધિત કાયદાકીય મંજૂરી લીધા વિના આરોપીની ઘણીવાર ધરપકડ કરી. આરોપીની પત્ની મોનિકા અગ્રવાલે આ સમગ્ર પ્રકરણમાં સુરત પોલીસના 9 કર્મચારીઓ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવવા માટે કોર્ટમાં અરજી કરી હતી.

ત્યારબાદ કોર્ટે સમગ્ર પ્રક્રિયાને પ્રથમ દ્રષ્ટિએ ગેરકાયદેસર માની લીધી. કોર્ટે IPCની કલમ 452, 323, 363, 342 અંતર્ગત સુરત અપરાધ શાખાના પોલીસકર્મીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવવાના આદેશ આપ્યા. કોર્ટના આદેશ બાદ હવે સુરતના પોલીસકર્મીઓ વિરુદ્ધ ગાજિયાબાદ જિલ્લાના વિજયનગર પોલીસ સ્ટેશનમાં અપહણ સહિત અન્ય સંગીન ધારાઓમાં પોલીસમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.

જુના ગાજિયાબાદ સેક્ટર-9માં રહેતી મોનિકા અગ્રવાલે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે, 26 ડિસેમ્બર, 2022ની રાત્રે 10 વાગ્યે વિજયનગર આવાસ પર સુરતના પોલીસકર્મી યુએન મહારાજ, પૃથ્વીરાજ સિંહ બઘેલ, ઈન્દ્રજીત સિંહ કૌશિક અન સુરત સાઇબર ક્રાઇમના અન્ય પોલીસકર્મી (જેમના નામ અંગે જાણકારી નથી) મહિલા પોલીસ વિના અમારા ઘરમાં ઘૂસી આવ્યા અને અમારી સાથે અભદ્ર વ્યવહાર કર્યો. મોનિકાએ આરોપ લગાવ્યો કે, તેના પતિને પલંગમાંથી ઉઠાવીને વિજયનગર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો. ત્યાં મોડી રાત્રે ઠંડીમાં રડતા વિજયનગર પોલીસ સ્ટેશન સુધી પોલીસની પાછળ-પાછળ ગઈ. તેણે જોયુ કે તેના પતિને પોલીસ માર માર રહી છે. તે ખૂબ જ ચિંતિત હતી અને રડી રહી હતી.

ફરિયાદમાં આરોપ છે કે, તેણે ત્યાં હાજર પોલીસકર્મીઓને વારંવાર પૂછ્યું કે તેના પતિના અપરાધ વિરુદ્ધ તેમની પાસે કોઈ વોરંટ છે અથવા તેમનો ગૂનો શું છે, તેની જાણકારી આપે, જેના કારણે તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. પરંતુ, પોલીસકર્મીઓએ કોઈ જાણકારી ના આપી અને તેને પતિ સાથે મળવા દેવામાં પણ ના આવી. તેણે ફરિયાદમાં આગળ કહ્યું કે, ફરિયાદકર્તાના ભાઈએ રાત્રે 2 વાગ્યે પોલીસ હેલ્પલાઈન પર ફોન કરીને પોલીસની મદદ માંગી પરંતુ, પોલીસે આવીને પોલીસ સ્ટેશનના કર્મચારીઓ સાથે વાત કરી અને પાછા જતા રહ્યા.

ફરિયાદમાં આગળ કહેવામાં આવ્યું છે કે, મહિલા બીજા દિવસે સવારે 7 વાગ્યે વિજયનગર પોલીસ સ્ટેશન ગઈ પણ તેનો પતિ દેવેન્દ્ર ગુપ્તા ત્યાં નહોતો. ત્યાં હાજર પોલીસે પણ સંતોષકારક જવાબ ના આપ્યો. આથી તે ગભરાઇ ગઈ. ત્યાં બેસી રહી અને વારંવાર પૂછપરછ બાદ બપોરે પોલીસ કર્મચારીઓએ જણાવ્યું કે, તેના પતિને દિલ્હીના વજીરાબાદ લઈ જવામાં આવ્યો છે અને તે સાંજ સુધીમાં પાછો આવી જશે. સાંજે 5 વાગ્યા સુધી જ્યારે દેવેન્દ્ર ગુપ્તા ઘરે ના આવ્યો તો 5.15 વાગ્યે મોનિકા અગ્રવાલના ભાઈએ પોલીસ હેલ્પલાઈનમાં ફોન કરીને જણાવ્યું કે, દેવેન્દ્ર ગુપ્તા એક દિવસથી ઘરે નથી આવ્યો.

દાખલ ફરિયાદમાં આગળ કહ્યું કે, રાત્રે મોનિકાના ભાઈએ ફરી પોલીસમાં ફરિયાદ કરી. રાત્રે બે વાગ્યા સુધી ફરિયાદકર્તાએ કાયદાની મદદ માટે અલગ-અલગ પોલીસ અધિકારીઓનો સંપર્ક કર્યો પરંતુ, પોલીસે કોઈ મદદ ના કરી. મોનિકાએ પોતાના પતિના કસ્ટડીમાં હોવાની વાતને પોલીસને લેખિતમાં આપવા માટે કહ્યું પરંતુ, પોલીસ તેના માટે તૈયાર ના થઈ. મોનિકાએ પોલીસને જણાવ્યું કે, તેનો પતિ માનસિક રોગથી પીડિત છે. તે ઘાતક માઇગ્રેનથી પીડિત છે. જો તેને સમય પર દવા આપવામાં ના આવી તો કોઈ અઘટિત ઘટના બની શકે છે છતા પોલીસે તેને દવા આપવા ના દીધી.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા ગાજિયાબાદના DSP નિપુણ અગ્રવાલે પુષ્ટિ કરી છે કે, સુરતના પોલીસકર્મીઓ વિરુદ્ધ વિજયનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મોનિકા અગ્રવાલના વકીલ ભવનીશ ગોલાએ જણાવ્યું કે, મોનિકા અગ્રવાલના પતિને કોઈપણ પ્રકારની કાયદાકીય પ્રક્રિયા વિના સુરત લઈ જવામાં આવ્યો. 4 દિવસ સુધી તેની ધરપકડ બતાવવામાં ના આવી. દેવેન્દ્ર ગુપ્તાને કોઈપણ પ્રકારની પ્રક્રિયા વિના સુરત લઈ જવામાં આવ્યો. કોર્ટે તેને અપરહણ માનતા ગુજરાત પોલીસ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાનો પણ આદેશ આપ્યો છે. આથી, મોનિકા દ્વારા વિજયનગર પોલીસ સ્ટેશનમાં સુરત સાઇબર ક્રાઇમના પોલીસકર્મીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદકર્તાના પતિને જામીન મળી ગયા છે. તે ગાજિયાબાદ આવી ગયો છે.

સુરત સાઇબર ક્રાઇમ ACP વાઈએ ગોહિલે મીડિયાને જણાવ્યું, ફરિયાદકર્તા મોનિકા અગ્રવાલના પતિ દેવેન્દ્ર ગુપ્તા વિરુદ્ધ સુરત સાઇબર ક્રાઇમમાં 6.50 લાખ રૂપિયાની સાઇબર છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આથી, તેની ધરપકડ કરવામાં આવી હતી. ટ્રાન્ઝિટ પ્રક્રિયા પૂર્ણ નહોતી થઈ. આથી, કોર્ટના આદેશ પર સુરતના પોલીસકર્મીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમણે આગળ કહ્યું, આરોપી દેવેન્દ્ર ગુપ્તાની કાયદાકીયરીતે ધરપકડ કરવામાં આવી હતી. આરોપીને સુરતની કોર્ટમાં પણ હાજર કરવામાં આવ્યો હતો. હાલ, આરોપી જામીન પર છે. અમે મામલાના પેપર્સ કોર્ટમાં રજૂ કરીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp