પ્રેમીને પામવા મહિલાએ કરી અઢી વર્ષના દીકરાની હત્યા, દૃશ્યમ ફિલ્મ જોઇ સંતાડી લાશ

સુરતમાં એક માતાએ જ તેના અઢી વર્ષના માસૂમ બાળકની હત્યા કરી હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. સુરતમાં રહેતી નયના મંડાવીએ પોલીસ સ્ટેશનમાં પોતાના બાળકના ગૂમ થવાની ફરિયાદ દાખલ કરાવી. મામલો દાખલ કરાવ્યા બાદ બાળકને સતત ત્રણ દિવસ સુધી તે શોધતી રહી પરંતુ, તેનું બાળક ના મળ્યું. પોલીસે જ્યારે આ મામલાની તપાસ કરી તો ગૂમ બાળકની માતા જ શંકાના ઘેરામાં આવી ગઈ. ત્યારબાદ પોલીસે ગૂમ થયેલા બાળકની માતા નયના મંડાવીની પૂછપરછ કરી અને બાદમાં તેની ધરપકડ કરી લીધી.
રિપોર્ટ અનુસાર, અઢી વર્ષના બાળકની હત્યાની આ ઘટનાની શરૂઆત 27 જૂન, 2023ના રોજ થઈ હતી. ડિંડોલીમાં એક કંસ્ટ્રક્શન સાઇટ પર મજૂરી કરનારી મહિલા નયના મંડાવી પોતાના અઢી વર્ષના બાળક વીર મંડાવીના ગૂમ થયાની ફરિયાદ લઇને પોલીસ સ્ટેશન પહોંચી હતી. મામલો નાનકડા બાળકના ગૂમ થવાનો હતો આથી, જરા પણ વિલંબ કર્યા વિના બાળકના ગૂમ થવાની સાથોસાથ અપહરણનો મામલો પણ દાખલ કરી પોલીસે તપાસ શરૂ કરી દીધી હતી.
જે જગ્યાએ મહિલા કંસ્ટ્રક્શન સાઇટ પર કામ કરતી હતી, એ જ જગ્યાની આસપાસ લાગેલા CCTV કેમેરા પોલીસે ચેક કરવાના શરૂ કર્યા પરંતુ, ક્યાંય પણ બાળક સાઇટમાંથી બહાર જતો ના દેખાયો. ત્યારબાદ, નક્કી થઈ ગયુ કે મહિલા જે જગ્યાએ કંસ્ટ્રક્શન સાઇટ પર કામ કરે છે, ત્યાંથી બાળક બહાર નથી નીકળ્યું. પોલીસ તે મહિલાને તેના બાળકના ગૂમ થવાને લઇને વિવિધ પ્રકારના સવાલ પૂછી રહી હતી પરંતુ, મહિલા કોઈ સંતોષકારક જવાબ આપી શકી ન હતી. પોલીસે ગૂમ થયેલા બાળકને શોધવા માટે ડૉગ સ્ક્વોડની પણ મદદ લીધી. ડૉગ સ્ક્વોડ કંસ્ટ્રક્શન સાઇટમાંથી બહાર ના ગઈ. એટલે પોલીસ સમજી ગઈ કે બાળક કંસ્ટ્રક્શન સાઇટમાંથી બહાર જીવિત નથી ગયો.
દરમિયાન, બાળકની માએ પોલીસને કહ્યું કે તેનો પ્રેમી પણ છે, જે ઝારખંડમાં રહે છે. બની શકે કે તે બાળકનું અપહરણ કરીને લઇ ગયો હોય. ત્યારબાદ મહિલાના સંતોષ માટે તેના પ્રેમીનો પણ સંપર્ક કર્યો અને તેનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું પરંતુ, તેનું લોકેશન સૂરતની આસપાસ ક્યાંય ટ્રેસ ના થયુ. તેણે પોલીસને કહ્યું કે તે ક્યારેય સુરત આવ્યો જ નથી. એવામાં મહિલાનું વધુ એક જુઠાણુ બહાર આવી ગયુ.
હવે પોલીસ સામે મોટો પડકાર એ હતો કે જ્યારે બાળક કંસ્ટ્રક્શન સાઇટમાંથી ક્યાંય બહાર નથી ગયો અને કોઇએ તેનું અપહરણ પણ નથી કર્યું તો પછી તે ગયો ક્યાં. ત્યારબાદ પોલીસે ફરિયાદ કરનારી મહિલાની કડકાઈપૂર્વક પૂછપરછ શરૂ કરી તો મહિલાએ પોતાના બાળકની હત્યાની વાત કબૂલી લીધી. મહિલાએ હત્યા બાદ લાશ ક્યાં સંતાડી તેના પર મહિલાએ પોલીસને જણાવ્યું કે, તેણે લાશને ખાડામાં દફનાવી દીધી છે.
પોલીસે મહિલા દ્વારા જણાવવામાં આવેલી જગ્યા પર જેસીબી વડે ખાદો ખોડ્યો પરંતુ, લાશ ના મળી. ત્યારબાદ મહિલાએ કહ્યું કે, તેણે લાશ તળાવમાં ફેંકી દીધી છે. તેના પર પોલીસે તળાવમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ પરંતુ, લાશ ત્યાં પણ ના મળી. ત્યારબાદ પોલીસે મહિલા પાસેથી સત્ય જાણવા કડક અંદાજમાં પૂછપરછ કરી તો તેણે કહ્યું કે, લાશ એ જ કંસ્ટ્રક્શન સાઇટના ટોયલેટ માટે બનાવવામાં આવેલા ખાડામાં ફેંકી દીધી છે. તેના પર પોલીસ મહિલાને લઇને જ્યારે તે કંસ્ટ્રક્શ સાઇટ પર પહોંચી તો ત્યાંથી બાળકની લાશ મળી આવી.
સુરત પોલીસ ડીસીપી ભાગીરથ ગઢવીએ જણાવ્યું કે, 27 જૂને નયના બેન મંડાવી ડિંડોલી પોલીસ સ્ટેશનમાં પોતાના અઢી વર્ષના બાળકના ગૂમ થયાની ફરિયાદ લઇને આવી હતી. પોલીસે બાળકના ગૂમ થયાની ફરિયાદ દાખલ કરી તેની શોધખોળ શરૂ કરી પરંતુ, બાળક ના મળ્યું. ત્યારબાદ પોલીસને મહિલા પર જ શંકા જતા તેની પૂછપરછ કરી તો તેણે પોતાનો ગૂનો કબૂલ કરી લીધો. મહિલાને જ્યારે પોતાના જ દીકરાની હત્યાના કારણ વિશે પૂછ્યું તો તેણે જણાવ્યું કે, તે મૂળ ઝારખંડની રહેવાસી છે. તેનો પ્રેમી ઝારખંડમાં રહે છે, તેણે કહ્યું હતું કે જો તે તેના બાળકને સાથે લઇને આવશે તો તે તેનો સ્વીકાર નહીં કરશે. આથી, નયનાએ બાળકની હત્યા કરી દીધી હતી. તેણે ‘દ્રશ્યમ’ ફિલ્મ જોઈ હતી અને ઘણા ક્રાઇમ એપિસોડ પણ જોયા હતા જેના પરથી તેણે બાળકની લાશને આ રીતે સંતાડી દીધી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp