સુરત: 23 વર્ષની ઉંમરે મિત્રની હત્યા કરી ફરાર આરોપી 28 વર્ષ પછી 52ની ઉંમરે પકડાયો

PC: divyabhaskar.co.in

સુરતના પાંડેસરા વિસ્તારમાં 1995માં થયેલી એક હત્યાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. આરોપી 23 વર્ષની ઉંમરે પોતાના સાથી મિત્રની હત્યા કરીને ફરાર થઇ ગયો હતો. 28 વર્ષ પછી પોલીસને હાથ લાગ્યો છે. આરોપીની ઉંમર અત્યારે 52 વર્ષની છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ તેની પર દોઢ વર્ષથી વોચ રાખી રહી હતી અને આખરે તેને પકડી પાડવામાં આવ્યો છે. જો કે આ હત્યામાં બે આરોપી હતા, જેમાંથી એકની પોલીસે ધરપકડ કરી છે,જયારે બીજો આરોપી હજુ ફરાર છે જેને પોલીસ શોધી રહી છે.


ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ લલિત વાગડિયા જણાવ્યું હતું કે, સુરત પોલીસ કમિશનર દ્વારા 20 વર્ષથી વધુ વણઉકેલાયેલા ગુનાઓને પોલીસ ચોપડે ઉકેલી કાઢવા ખાસ સૂચના આપવામાં આવી છે. એ અંતર્ગત ટીમ પણ બનાવવામાં આવી છે, જે માત્ર આ જ ગુનાઓ પર કામ કરી રહી છે.  આવા જ એક કેસની તપાસ હાથમાં આવી હતી. 1995માં હત્યા કરીને બે આરોપી ફરાર થઇ ગયા હતા. પોલીસે તેમના ગામ અને અનેક જગ્યાએ શોધ્યા હતા, પરંતુ તેમની ભાળ મળી નહોતી. આરોપીઓ કૃષ્ણ પ્રધાન અને બિરેન શેટ્ટીએ તેમની સાથે કામ કરતા શિવરામ નાયકની હત્યા કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે કૃષ્ણ પ્રધાનને કેરળથી પકડી પાડ્યો છે અને બિરેન શેટ્ટીની શોધખોળ ચાલું છે.

1995માં હત્યા કરીને ફરાર થઇ ગયેલો કૃષ્ણ પ્રધાન 28 વર્ષ પછી પોલીસના હાથમાં કેવી રીતે આવ્યો? એ સવાલ તમારા મનમાં હશે. કૃષ્ણ પ્રદાન ઓડીસાના ગંજામ વિસ્તારનો વતની હતો. પોલીસે ગંજામ જઇને તપાસ કરી હતી, પરંતુ આરોપી મળ્યો નહોતો, પોલીસને જાણકારી મળી કે તે બ્રહ્મપુર ચાલ્યો ગયો છે. પોલીસ બ્રહ્મપુર પહોંચી હતી તો ત્યાં પણ આરોપી મળ્યો નહોતો. જો કે અહીં પોલીસનો ફેરો ખાલી ગયો નહોતો. કૃષ્ણ પ્રધાનના લગ્નના એવા પુરાવા મળ્યા કે જેનાથી પોલીસને ખબર પડી કે આરોપી કેરળમાં છુપાયેલો છે. છેલ્લાં દોઢ વર્ષથી પોલીસ કેરળમાં કૃષ્ણ પ્રધાન પર વોચ રાખી રહી હતી, કારણ કે તે ઓળખ છુપાવીને મિસ્ત્રી તરીકે કામ કરતો હતો. 23 વર્ષની ઉંમરે હત્યા કરીને કેરળમાં છુપાયેલો આરોપી અત્યારે 52 વર્ષનો આધેઢ થઇ ચૂક્યો છે.

પોલીસની પુછપરછમાં આરોપી કૃષ્ણ પ્રધાને કબુલાત કરતા કહ્યું હતું કે શિવરામ નાયક હમેંશા જુઠુ બોલતો અને ગદ્દારી કરતો હતો એ વાતથી ગુસ્સામાં આવીને બિરેન શેટ્ટી સાથે મળીને શિવરામની હત્યા કરી નાંખી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp