સુરતના MLA મનુ ફોગવા અને એક મહિલા પેસેન્જર વચ્ચે વંદેભારત ટ્રેનમાં થઇ બબાલ

PC: khabarchhe.com

મંગળવારે ગાંધીનગરથી મુંબઇ જતી વંદેભારત ટ્રેનમાં એક મહિલા પેસેન્જર અને સુરત ઉધનાના MLA મનું ફોગવા વચ્ચે ભારે રકઝક થઇ હતી જેને લઇને ટીટી અને સિક્યુરિટી સ્ટાફ પણ ભેગો થઇ ગયો હતો. જોકે, થોડા સમય પછી સમાધાન થઇ ગયું હતું.

ટ્રેનમાં હાજર પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર સુરત ઉધનાના MLA મનુ ભાઇ ફોગવા ગાંધીનગરથી મુંબઇ જતી વંદેભારત ટ્રેનમાં મંગળવારે આવી રહ્યા હતા. લગભગ 3 વાગ્યાની આસપાસ તેઓ ટ્રેનમાં તેમના કેટલાક સમર્થકો સાથે હતા. ટ્રેન વડોદરા પહોંચવાની હતી ત્યારે આ ઘટના બની હોવાનું પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું. મનુભાઇ બોગી નંબર C-2માં સૌથી છેલ્લી રોમાં બેઠા હતા. ત્યારે તેઓ મોબાઇલ પર કંઇક સાંભળી રહ્યા હતા. આજુબાજુ વાળા લોકોને તેમના મોબાઇલમાંથી આવતો અવાજ વધુ લાગી રહ્યો હતો.

ત્યારે એક મહિલા જે મુંબઇ જઇ રહી હતી તેણે વાંધો લીધો હતો. પહેલીવાર મનુભાઇએ અવાજ ઓછો કરી દીધો હતો. જોકે, થોડીવાર પછી ફરી મોબાઇલનો અવાજ થોડો વધુ થઇ ગયો હતો. ત્યારે મહિલાએ ફરી વાંધો ઉઠાવ્યો હતો. મહિલાએ કહ્યું કે તમે બ્લુટૂથ કેમ નથી વાપરતા. તો મનુભાઇએ કહ્યું કે મારી પાસે બ્લુટૂથ નથી. હું આ રીતે જ સાંભળીશ. એવું ક્યાં લખ્યું છે કે અહીં મોબાઇલના જોવાય. તમે પોલીસને બોલાવો, સિક્યુરિટીને બોલાવો. કાયદો બતાવો કે એવું ક્યાં કહ્યું છે. તે દરમિયાન રેલ્વેનો સ્ટાફ અને સિક્યુરિટી ત્યાં પહોંચી ગયો હતો. બન્ને વચ્ચે સમજાવટ કરી હતી.

જોકે, મહિલા પોતે જ થોડીવારમાં શાંત થઇ ગઇ હતી. પછી મનુભાઇ પણ સમજી ગયા હતા અને તેમણે મોબાઇલનો ઉપયોગ બંધ કરી દીધો હતો. લોકોને પહેલા તો ખબર ન હતી કે તે એમએલએ છે. મનુભાઇએ પણ પોતાની ઓળખ આપી ન હતી. પરંતુ તેમની સાથે રહેલા સમર્થકોએ કહ્યું હતું કે આ સાહેબ કોણ છે તે તમને ખબર નથી. આ ઉધનાના એમએલએ છે. પરંતુ ત્યારપછી આખી બોગીમાં ભારે ચર્ચા રહી હતી. કેટલાક લોકોએ આ ઘટનાનું મોબાઇલ પર શૂટિંગ પણ કરી લીધું હતું.

આ ઘટના અંગે  જાણવા અમે જ્યારે મનુભાઇને ફોન કર્યો તો તેમણે કહ્યું કે આવું કંઇ થયું નથી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp