સચિનને કેપ્ટનશીપ ઓફર થયેલી પણ ધોનીને કેપ્ટન બનાવવા તેંદુલકરે BCCIને કરેલી ભલામણ

PC: BCCI

ક્રિક્રેટ જગતના મહાન ખેલાડી અને જેમને લોકો માસ્ટર-બ્લાસ્ટર તરીકે ઓળખે છે એવા સચિન તેંદુલકરે ધોનીને કેપ્ટન બનાવવા માટે પોતે ભલામણ કરી હતી એ વાતનો એક કાર્યક્રમમાં ખુલાસો કર્યો હતો. મહેન્દ્ર સિંહ ધોનીને ક્રિકેટના ઇતિહાસમાં સૌથી સફળ કેપ્ટન માનવામાં આવે છે. ભારતના ભૂતપૂર્વ વિકેટકીપર-બેટ્સમેને 2007-2017 દરમિયાન ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું. ધોની વિશ્વનો એકમાત્ર એવો કેપ્ટન છે જેણે રમતના તમામ ફોર્મેટમાં ICC ટ્રોફી જીતી છે.

ધોનીએ 2007માં ભારતને T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતવામાં મદદ કરી હતી અને તેની કારકિર્દીમાં બે વખત ICC ટેસ્ટ જીતી હતી. 2011માં ધોનીએ ભારતને ODI વર્લ્ડ કપ અપાવ્યો હતો. સચિન તેંદુલકરે કેપ્ટનશિપ માટે ધોનીના નામની ભલામણ કરી હતી, ત્યારબાદ બોર્ડે રાહુલ દ્રવિડના સ્થાને ધોનીનો સંપર્ક કર્યો હતો.

સચિન તેંદુલકરે એક કાર્યક્રમમાં ખુલાસો કર્યો કે, શા માટે તેણે BCCIને યુવાન એમ.એસ. ધોનીને ટીમના કેપ્ટન તરીકે પસંદ કરવા વિનંતી કરી. જ્યારે ધોનીને ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો ત્યારે વિકેટકીપર-બેટ્સમેનની ઉંમર 26 વર્ષ હતી. તેંદુલકરે કહ્યું, જ્યારે અમે ઇંગ્લેંડમાં હતા ત્યારે મને કેપ્ટનશીપની ઓફર કરવામાં આવી હતી. તે વખતે મેં કહ્યું હતું કે આપણી પાસે ટીમમાં એક ઘણો સારો લીડર છે, જે હજુ જૂનિયર છે અને તે એવો વ્યક્તિ છે જેને તમારે બારીકાઇથી જોવો જોઇએ.

સચિને કહ્યું કે, મેં તેની સાથે ઘણી વાતચીત કરી છે, ખાસ કરીને  મેદાન પર જ્યાં હું ફર્સ્ટ સ્લીપમાં ફિલ્ડીંગ કરતો હતો. સ્લિપમાં ફિલ્ડીંગ કરતી વખતે મેં ધોનીને પુછ્યું હતું કે તને શું લાગે છે? મેં ધોનીને આ વિશે પૂછ્યું જ્યારે કેપ્ટન રાહુલ દ્રવિડ હતો. પરંતુ મેં તેને પૂછ્યું અને મને જે જવાબ મળ્યો તે ખૂબ જ સંતુલિત, શાંત અને ખૂબ જ પરિપક્વ હતો.

માસ્ટર બ્લાસ્ટરે વધુમાં કહ્યું, સારી કેપ્ટનશીપ એ વિપક્ષથી એક ડગલું આગળ રહેવાની વાત છે. જો કોઈ વ્યક્તિ આમ કરવા માટે પૂરતી હોશિયાર હોય, જેમ આપણે કહીએ છીએ, જોશ સે નહીં, હોશ સે ખેલો. તે તરત થતું નથી, તમને 10 બોલમાં 10 વિકેટ નહીં મળે. તમારે તેના માટે આયોજન કરવું પડશે. દિવસના અંતે, સ્કોરબોર્ડની ગણતરી થાય છે અને મેં તેનામાં તે ગુણો જોયા, તેથી મેં તેના નામની ભલામણ કરી હતી.

સચિન તેંદુલકર એ ભારતીય ટીમનો ભાગ હતો જેણે ધોનીની કેપ્ટનશિપમાં 2011 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. સચિન તેંદુલકરે 2013માં રમતમાંથી નિવૃત્તિ લીધી હતી, જેમાં ધોનીએ મુંબઈમાં તેંદુલકરની છેલ્લી ટેસ્ટમાં ટીમની કમાન સંભાળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp