વેસ્ટ ઇન્ડીઝ સામે મેચ હાર બાદ પંડ્યા કેમ બોલ્યો- હું સસલું નથી, પણ કાચબો છું

PC: indiacricketschedule.com

વેસ્ટ ઇન્ડિઝ સામેની વન-ડે સીરિઝની બીજી મેચમાં ટીમ ઇન્ડિયાની હાર પછી ઇન્ચાર્જ કેપ્ટન હાર્દિક પંડ્યાએ કહ્યું છે કે અત્યારે હું કાચબો છું, સસલું નથી. જ્યારે હાર્દિકને તેના બોલિંગ મેનેજમેન્ટ વિશે પુછવમાં આવ્યું ત્યારે તેણે આ જવાબ આપ્યો હતો. હાર્દિકે કહ્યું કે, ઓક્ટોબર-નવેમ્બરમાં ઘરઆંગણે યોજાનારા ODI વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને બોલિંગ વર્કલોડ મેનેજમેન્ટને ઝડપી બનાવવા માટે હું ઇચ્છું છું.

પંડ્યાનો તાજેતરના સમયમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચોમાં બોલર તરીકે ઓછો ઉપયોગ કરવામાં આવ્યો છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડેમાં તેણે ત્રણ ઓવરમાં 17 રન આપીને એક વિકેટ લીધી હતી, જ્યારે બીજી વનડેમાં તેણે 6.4 ઓવરમાં 38 રન આપીને એક પણ વિકેટ મેળવી ન હતી. વરસાદથી પ્રભાવિત બીજી વનડેમાં ભારતની છ વિકેટથી હાર બાદ પંડ્યાએ કહ્યું, મારું શરીર સારું છે.

હાર્દિકે કહ્યું કે મારે વધારે ઓવર નાંખવી પડશે અને વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને મારો પોતાનો કાર્યભાર વધારવો પડશે. હું અત્યારે સસલું નથી, પરંતુ કાચબો છું અને હું એવો વિશ્વાસ રાખું છુ કે વિશ્વકપ આવતા સુધીમાં બધું સારા વાના થઇ જશે. વેસ્ટ ઇન્ડિઝ સામેની વન-ડે સીરિઝની બીજી મેચમાં ભારતીય ટીમ મેનેજમેન્ટે કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીનો આરામ આપવાનો નિર્ણય ખોટો સાબિત થયો. બીજી વન-ડેમાં ટીમ ઇન્ડિયા 181 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. વેસ્ટ ઇન્ડિઝની ટીમે આ લક્ષ્યાંક સરળતાથી પાર કરી લીધો હતો. 3 મેચોની વન-ડે સીરિઝમાં અત્યારે 1-1 પોઇન્ટ થી બરાબર થઇ ગઇ છે. પહેલી વન-ડે ટીમ ઇન્ડિયા જીતી હતી, જ્યારે બીજી મેચ વેસ્ટ ઇન્ડિઝ જીતી છે. હજુ એક મેચ રમાવવાની બાકી છે.

પણ પંડ્યાનું માનવું છે કે, આનાથી ત્રીજી અને છેલ્લી મેચ વધુ પડકારજનક અને રોમાંચક બની ગઈ છે. ઈમાનદારીથી  કહું તો અમે ત્રીજી મેચમાં 1-1ની બરાબરી સાથે જવા ઈચ્છીએ છીએ, તેનાથી તે વધુ પડકારજનક અને રોમાંચક બની જાય છે. હવે સીરિઝ બરાબર છે અને આગળ તેમની પણ પરીક્ષા થશે અને અમારી પણ. આગામી મેચ દર્શકો માટે વધુ અને અમારા માટે વધુ રોમાંચક બની ગઈ છે.

હાર્દિક પંડ્યાએ કહ્યું હતું કે, અમે એવી બેટિંગ નહોતી કરી જેવી અમારે કરવી જોઈતી હતી. પહેલી મેચની સરખામણીએ વિકેટ સારી હતી. શુભમન ગીલને છોડીને બધા ખેલાડીઓએ સરળ કેચ આપી દીધા હતા. આ નિરાશાજનક છે, પરંતુ અમે કેટલીય વસ્તુઓ શીખી. વેસ્ટ ઇન્ડીઝના કેપ્ટન શાઇ હોપે પોતાની ટીમના સંપૂર્ણ પ્રદર્શનના વખાણ કર્યા અને કહ્યું કે, આ સીરિઝને બરાબર કરવાના અમારા લક્ષ્યાંકમાં અમે સફળ રહ્યા. આ સંપૂર્ણ પ્રદર્શન હતું.  હું ખૂબ જ સંતુષ્ટ છું. અમે સીરિઝમાં વાપસી કરવાનું લક્ષ્ય બનાવ્યું અને એમાં અમે સફળ પણ રહ્યા. હવે અમારે એક વધુ મેચ જીતવાની જરૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp