વર્લ્ડ કપઃ ઓસ્ટ્રેલિયા ટોસ જીત્યું, આ ખેલાડી ઈજાગ્રસ્ત, જુઓ ભારતની પ્લેઇંગ XI

PC: twitter.com

ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ભારતની ધરતી આગાઝ થઈ ગયો છે, જેમાં ભારતીય ટીમ આજે પોતાનો પહેલો મુકાબલો ઓસ્ટ્રેલિયાની ટીમ સામે રમી રહી છે. ત્યારે ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. શુભમન ગીલ ઈન્જરીથી રિકવર ના થતા તેને આ મેચમાંથી બહાર થયો છે, તેની જગ્યા ઈશાન કિશને લીધી છે.

ભારતની પ્લેઇંગ XI

રોહિત શર્મા

વિરાટ કોહલી

ઈશાન કિશન

શ્રેયસ ઐયર

કેએલ રાહુલ

હાર્દિક પંડ્યા

રવિન્દ્ર જાડેજા

આર.અશ્વિન

બૂમરાહ

કુલદીપ યાદવ

મોહમ્મદ સીરાજ 

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ મેચમાં કટ્ટર મુકાબલાની અપેક્ષા છે. ઓસ્ટ્રેલિયા રેકોર્ડ પાંચ વખત વર્લ્ડ ચેમ્પિયન છે, જ્યારે ભારતે બે વખત વર્લ્ડ ટાઇટલ જીત્યું છે. જો કે, ઓસ્ટ્રેલિયન ટીમ ચેપોક મેદાન પર તેની મેચ રમવા માટે ખૂબ જ ઉત્સુક હશે, કારણ કે અહીં તેનો રેકોર્ડ ઘણો શાનદાર રહ્યો છે. ઓસ્ટ્રેલિયન ટીમ અત્યાર સુધીમાં M.A. ચિદમ્બરમ સ્ટેડિયમમાં છ વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમી છે જેમાં તેણે પાંચ મેચ જીતી છે.

ઓસ્ટ્રેલિયાનો એકમાત્ર પરાજય 2017માં ભારત સામે થયો હતો. ચેન્નાઈમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં ત્રણ વનડે મેચ રમાઈ છે, જેમાં કાંગારુ ટીમે બે અને ભારતે એક મેચ જીતી છે. આ મેદાન પર હમણાં છેલ્લી વખત રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ જીત મેળવી હતી. વર્લ્ડ કપમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કુલ 12 મેચ રમાઈ છે, જેમાં ભારત માત્ર ચાર મેચ જીતી શક્યું છે. એટલે કે આંકડાઓમાં ઓસ્ટ્રેલિયન ટીમનો હાથ ઉપર હોય તેમ જણાય છે.

ભારત-ઓસ્ટ્રેલિયા ODI રેકોર્ડ (ચેપૌકમાં): 9 ઓક્ટોબર 1987-ઓસ્ટ્રેલિયા 1 રનથી જીત્યું, 17 સપ્ટેમ્બર 2017-ભારત 26 રને જીત્યું, 22 માર્ચ 2023-ઑસ્ટ્રેલિયા 21 રને જીત્યું.

ઑસ્ટ્રેલિયન ટીમના રેકોર્ડ્સ (ચેપૉક ખાતે): 1987 વિરુદ્ધ ભારત, 1 રનથી જીત, 1987 વિરુદ્ધ ઝિમ્બાબ્વે, 96 રનથી જીત, 1989 વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ, 99 રનથી જીત, 1996 વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ, 6 વિકેટથી જીત, 2017 વિરુદ્ધ ભારત, 26 રને પરાજય, 2023 વિરુદ્ધ ભારત, 21 રને જીત.

આમ જોવા જઈએ તો, ભારતીય ટીમ ચેન્નાઈના મેદાન પર કુલ 14 વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન તેણે સાત મેચ જીતી અને છમાં હારનો સામનો કરવો પડ્યો. જ્યારે એક મેચ અનિર્ણિત રહી હતી. ચેપોકની પિચ સામાન્ય રીતે સ્પિનરો માટે મદદરૂપ માનવામાં આવે છે અને તેમાં ઘણો ટર્ન જોવા મળે છે. ભારતીય ટીમમાં રવિન્દ્ર જાડેજા, R. અશ્વિન, કુલદીપ યાદવ જેવા વર્લ્ડ ક્લાસ સ્પિનરો છે. જ્યારે ઓસ્ટ્રેલિયામાં ભારતીય મૂળના એડમ ઝમ્પા અને તનવીર સંઘા છે. બંને ટીમો પાસે એક એકથી ચઢિયાતા બેટ્સમેન છે, જે મિનિટોમાં રમતનું પાસું પલટી શકે છે. આ હાઈ વોલ્ટેજ રમતમાં, જે ટીમ દબાણની ક્ષણોમાં એકદમ સારું રમશે તે ચોક્કસપણે વિજયી બનશે.

M.A. ચિદમ્બરમ સ્ટેડિયમની સ્થાપના 1916માં કરવામાં આવી હતી. પ્રથમ ટેસ્ટ મેચ અહીં 1934માં ડગ્લાસ જાર્ડિનની ઈંગ્લેન્ડ અને C.K. નાયડુની ભારતીય ટીમ વચ્ચે રમાઈ હતી. એટલું જ નહીં, ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ વખત ચેન્નાઈમાં રણજી ટ્રોફીની મેચ રમાઈ હતી, જ્યારે A.G. રામ સિંહની આગેવાનીમાં મદ્રાસને મૈસૂર પર એક જ દિવસમાં 11 વિકેટ ઝડપીને જીત અપાવી હતી. ભારતે તેની પ્રથમ ટેસ્ટ જીત 1951-52માં નોંધાવી હતી, જ્યારે તેણે ઇંગ્લેન્ડને ઇનિંગ્સ અને 8 રનથી હરાવ્યું હતું.

સુનીલ ગાવસ્કરે ડિસેમ્બર 1983માં આ મેદાન પર પોતાની 30મી ટેસ્ટ સદી ફટકારીને બ્રેડમેનને પાછળ છોડી દીધા હતા. 1986-87માં, ભારત-ઓસ્ટ્રેલિયા મેચ ટાઈ થઈ હતી, જે ટેસ્ટ ઈતિહાસમાં માત્ર બીજી વખત બની હતી. આગામી સિઝનમાં, લેગ સ્પિનર નરેન્દ્ર હિરવાણીએ ટેસ્ટ ડેબ્યૂમાં રેકોર્ડ 16 વિકેટ લીધી હતી. આ મેદાન પર વીરેન્દ્ર સેહવાગે (319 રન) પોતાની બીજી ત્રેવડી સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો.

વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું સંપૂર્ણ સમયપત્રક: 8 ઑક્ટોબર વિરુદ્ધ ઑસ્ટ્રેલિયા, ચેન્નાઈ, 11 ઑક્ટોબર વિરુદ્ધ અફઘાનિસ્તાન, દિલ્હી, 14 ઑક્ટોબર વિરુદ્ધ પાકિસ્તાન, અમદાવાદ, 19 ઑક્ટોબર વિરુદ્ધ બાંગ્લાદેશ, પૂણે, 22 ઑક્ટોબર વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ, ધર્મશાલા, 29 ઑક્ટોબર વિરુદ્ધ ઇંગ્લેન્ડ, લખનઉં, 2 નવેમ્બર વિરુદ્ધ શ્રીલંકા, મુંબઈ, 5 નવેમ્બર વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, કોલકાતા, 12 નવેમ્બર વિરુદ્ધ નેધરલેન્ડ, બેંગલુરુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp