વર્લ્ડ કપઃ ભારતે ટોસ જીત્યો, રોહિતે ટીમમાં કર્યો એક ફેરફાર, જુઓ પ્લેઇંગ XI
આજે ભારત પાકિસ્તાન વચ્ચે અમદાવાદમાં મહામુકાબલો થઈ રહ્યો છે, ત્યારે ભારતીય ટીમે ટોસ જીતીને પાકિસ્તાનને પહેલા બેટિંગ આપી છે. ઈશાન કિશનની જગ્યાએ શુભમન ગીલની વાપસી થઈ છે. બાબર આઝમે ટોસ હારતા કહ્યું કે, અમે ટોસ જીત્યા હોત તો અમે પણ પહેલા બોલિંગ લીધી હોત. બાબરે ટીમમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે.
ભારતીયની પ્લેઇંગ XI
રોહિત શર્મા
વિરાટ કોહલી
કેએલ રાહુલ
શુભમન ગીલ
હાર્દિક પંડ્યા
રવિન્દ્ર જાડેજા
શ્રેયસ ઐયર
શાર્દૂલ ઠાકુર
મોહમ્મદ સિરાજ
જસપ્રીત બૂમરાહ
કુલદીપ યાદવ
રેકોર્ડની વાત કરીએ તો વન-ડે વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન 7 વાર આમને સામને ટકરાયા છે અને સાતેય વાર ભારતીય ટીમે પાકિસ્તાનની ટીમને ધૂળ ચટાવી છે. 2005મા જ્યારે અમદાવાદનું સ્ટેડિયમ મોટેરા તરીકે ઓળખાતું ત્યારે આ બંને ટીમ વચ્ચે અહિયા મેચ થઈ હતી, ત્યારે પાકિસ્તાનના ઈન્ઝમામ ઉલ હકે છેલ્લા બોલે ફોર મારીને પાકિસ્તાનને જીત અપાવી હતી. આ મેચમાં પહેલા રમતા ભારતે સચિન તેંદુલકરના 123 રનની મદદથી 315 રન બનાવ્યા હતા, જેના જવાબમાં પાકિસ્તાનને છેલ્લા બોલે વિજય મેળવી લીધો હતો.
ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ વન-ડે મેચ 1 ઓક્ટોબર 1978ના રોજ ક્વેટામાં રમાઈ હતી. તે સમયે 40 ઓવરની મેચ થઈ હતી, ભારતે પ્રથમ બેટિંગ કરીને 170/7નો સ્કોર કર્યો હતો, જેના જવાબમાં પાકિસ્તાની ટીમ ટાર્ગેટથી 4 રન પાછળ રહી ગઈ હતી અને ભારતનો વિજય થયો હતો. પ્લેયર ઓફ ધ મેચ મોહિન્દર અમરનાથે બેટ વડે 51 રન અને બોલ સાથે 2/38 નું પ્રદર્શન કરીને ભારતની જીતમાં મોટી ભૂમિકા ભજવી હતી.
બંને ટીમો આ મેચ જીતવાની તૈયારીમાં વ્યસ્ત છે. મહત્વની વાત એ છે કે, આ વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન બંનેએ પોતાની બંને મેચ જીતી છે. બસ ફરક માત્ર એટલો છે કે, ભારતે ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમને હરાવી છે, જ્યારે પાકિસ્તાને બે નબળી ટીમો શ્રીલંકા અને નેધરલેન્ડ સામે જીત મેળવી છે. જો કે, આ મેચમાં કોણ જીતશે તે કહેવું થોડું મુશ્કેલ છે. પરંતુ અમદાવાદથી જે પ્રકારના સમાચારો આવી રહ્યા છે તે જોતા પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. હકીકતમાં, આ મેચની સ્થિતિ અને દિશા અમદાવાદમાં ઉપયોગમાં લેવાતી 22-યાર્ડની પીચ દ્વારા નક્કી કરવામાં આવશે.
હા અમદાવાદમાં ભારત-પાકિસ્તાનની મેચ કઈ પ્રકારની પીચ પર રમાશે તે એક મોટો પ્રશ્ન છે. શું તે કાળી માટીની પીચ હશે કે, પછી આ મેચમાં લાલ માટીની પીચનો ઉપયોગ કરવામાં આવશે? મીડિયા રિપોર્ટ્સ અને પાકિસ્તાની પત્રકારોના દાવા મુજબ, ભારત-પાકિસ્તાન મેચ કાળી માટીની પીચ પર યોજાવા જઈ રહી છે અને આ કારણે પાકિસ્તાનમાં ભારે તણાવ છે.
રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાની બેટ્સમેનો અમદાવાદમાં સ્પિનરો સામે ઘણી પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા. શાદાબ ખાન ઉપરાંત મોહમ્મદ નવાઝ, ઉસામા મીરે પણ ઘણો પરસેવો પાડ્યો હતો. આ દર્શાવે છે કે, ભારત-પાકિસ્તાન મેચમાં કાળી માટીની પીચનો ઉપયોગ થવા જઈ રહ્યો છે.
જો ભારત-પાકિસ્તાનની મેચ કાળી માટી પર થાય છે તો બાબર એન્ડ કંપની માટે ખૂબ જ ખરાબ સમાચાર છે. કારણ કે, સ્પિનરોને કાળી પીચો પર ઘણી મદદ મળે છે. અને પાકિસ્તાનના બેટ્સમેનો સ્પિનરો સામે રમવા માટે થોડા નબળા હોવાનું જણાય છે. હાલમાં જ એશિયા કપની સુપર-4 મેચમાં પાકિસ્તાનની ટીમે ભારતીય સ્પિનર કુલદીપ યાદવ સામે શરણાગતિ સ્વીકારી હતી. તે મેચમાં કુલદીપ યાદવે 5 ઓવરમાં અડધી પાકિસ્તાની ટીમને પવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. 357 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમ માત્ર 32 ઓવર જ રમી શકી અને તેનો સ્કોર માત્ર 128 રહ્યો.
પાકિસ્તાન માટે ખરાબ સમાચાર એ છે કે, તેના બંને સ્પિનર શાદાબ ખાન અને મોહમ્મદ નવાઝ ખરાબ ફોર્મમાં છે. કાળી માટીની પીચ પર તે સારું પ્રદર્શન કરી શકશે તેવી આશા ઓછી જણાઈ રહી છે. બીજી તરફ ટીમ ઈન્ડિયાનો સ્પિન વિભાગ ઘણો મજબૂત છે. કુલદીપ યાદવ ઉપરાંત R અશ્વિન અને રવિન્દ્ર જાડેજાનો અનુભવ આ ટીમને ખૂબ જ શક્તિશાળી બનાવે છે. હવે પાકિસ્તાન અમદાવાદમાં શું કરશે તે જોવાનું રહ્યું.
બેટ્સમેનોને દિવસ દરમિયાન કાળી માટીની પીચ પર રન બનાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ સિવાય અહીં સાંજના સમયે ઝાકળ પડી શકે છે, ત્યાર પછી બોલરો માટે બોલ પર નિયંત્રણ રાખવું મુશ્કેલ બનશે. આવું જ કંઈક આ વર્લ્ડ કપની પ્રથમ મેચમાં જોવા મળ્યું હતું. અમદાવાદમાં ન્યૂઝીલેન્ડે ઈંગ્લેન્ડ સામે 9 વિકેટે જીત મેળવી હતી. જ્યારે તેની પાસે 283 રનનો ટાર્ગેટ હતો અને તેણે આ સ્કોર માત્ર 36.2 ઓવરમાં જ પાર કરી લીધો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp