ટીમ ઈન્ડિયાની હાર માટે રિકી પોન્ટિંગે પીચને જવાબદાર ગણાવી, કહ્યું- પીચ બેકફાયર..
ઓસ્ટ્રેલિયા સામે ભારતની હાર બાદ પૂર્વ ખેલાડી રિકી પોન્ટિંગે નિવેદન આપ્યું છે. પોન્ટિંગે પીચ અંગે કહ્યું હતું કે, પીચને વિકેટ માટે તૈયાર કરવામાં આવી હતી, પરંતુ આ ભારત માટે ઉલટું પડી ગયું. ઓસ્ટ્રેલિયન ન્યૂઝ પેપર હેરાલ્ડ સનના રિપોર્ટ મુજબ અમદાવાદની પીચ પર ભારત-પાકિસ્તાનની લીગ મેચ રમાઈ હતી, તે મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને હરાવ્યું હતું અને ફાઈનલ માટે પણ એ જ પીચને પસંદ કરવામાં આવી હતી, જેને લઈને ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે ચિંતા પણ વ્યક્ત કરી હતી.
મેચ બાદ અન્ય લોકોએ પણ પીચ પર હારનો ઠીકરો ફોડ્યો છે, પત્રકાર રાજદીપ સરદેસાઈએ પણ કહ્યું હતું કે, તમે એ વિશ્વાસ સાથે ડ્રાય પીચ તૈયાર કરીને પોતાની કબર ખોદી લીધી કે ઓસ્ટ્રેલિયનો આનાથી ડરી જશે. જે પીચ તૈયાર કરવામાં આવી હતી તે ભારતીય ટીમને કામ નહોતી આવી. આખરે આ પીચ પર ફાઈનલ મેચ કરાવવાનો નિર્ણય કોણે લીધો.
ફાઇનલમાં હાર બાદ કેપ્ટન રોહિતે જણાવ્યું ક્યાં થઈ ચૂક
ભારતીય ટીમનું વર્લ્ડ કપ જીતવાનું સપનું ફરી એક વખત તૂટી ગયું. હાર બાદ ભારતીય ટીમના ઘણા ખેલાડી દુઃખી નજરે પડ્યા. રોહિત શર્મા મેદાનથી જતી વખત ઈમોશનલ થઈ ગયો. વિરાટ પણ હારનું દુઃખ ન છુપાવી શક્યો અને મોહમ્મદ સિરાજને તો બૂમરાહે સંભાળવાનો પ્રયાસ કર્યો. કેપ્ટન રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામે મળેલી 6 વિકેટે હાર બાદ કહ્યું કે, વર્લ્ડ કપ ફાઇનલમાં બેટિંગ સારી ન રહી, જેના કારણે પરિણામ પક્ષમાં ન રહ્યું, પરંતુ તેને આખી ટીમ પર ગર્વ છે.
રોહિત અને ભારતીય ટીમના ખેલાડીઓના ચહેરાઓ સાથે સ્ટેડિયમમાં ઉપસ્થિત દર્શકોના ચહેરાઓ પર પણ વર્લ્ડ કપ ટ્રોફી જીતતા ચૂકી જવાની નિરાશ સ્પષ્ટ નજરે પડી. રોહિતે મેચ બાદ જણાવ્યું કે, ભારતીય ટીમથી આખરે ક્યાં ચૂક થઈ. મેચ બાદ રોહિતે કહ્યું કે, મેચનું પરિણામ ભલે તેમના પક્ષમાં ન રહ્યું, પરંતુ અમે જાણીએ છીએ કે આજે અમારો સારો દિવસ રહ્યો નથી. મને ટીમ પર ગર્વ છે. ફાઇનલમાં પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમ સીમિત 50 ઓવરમાં 240 રન જ બનાવી શકી. આ લક્ષ્યનો બચાવ કરવો મુશ્કેલ હતો.
રોહિતે કહ્યું કે, ઈમાનદારીથી કહું તો જો સ્કોરમાં 20-30 રન જોડતા તો સારું થતું, જ્યારે કેએલ રાહુલ અને વિરાટ કોહલી બેટિંગ કરી રહ્યા હતા એ સમયે લાગી રહ્યું હતું કે અમે 270-280 રનાં સ્કોર સુધી પહોંચી જઈશું, પરંતુ અમે સતત વિકેટ ગુમાવી દીધી. ઓસ્ટ્રેલિયાએ 3 વિકેટ ગુમાવ્યા બાદ મોટી પાર્ટનરશિપ કરી. 240 રન બનાવ્યા બાદ અમે ઇચ્છતા હતા કે અમારા બોલર વિકેટ લે, પરંતુ શ્રેય ટ્રેવિસ હેડ અને માર્નસ લાબુસેનને જાય છે. જેમણે અમને રમતથી પૂરી રીતે બહાર કરી દીધા.
રોહિત શર્માએ ટોસ ગુમાવ્યા બાદ કહ્યું હતું કે જો તે ટોસ જીતતો તો બેટિંગનો નિર્ણય લેત. મને લાગ્યું હતું કે દિવસના અજવાળામાં બેટિંગ કરવા માટે એ સારી વિકેટ છે. અમે જાણતા હતા કે દિવસે એ સારી હશે, અમે તેના પર કોઈ બહાનું બનાવવા માગતા નથી. અમે સારી બેટિંગ ન કરી, પરંતુ મોટી પાર્ટનરશિપ કરવા માટે તેમના હેડ અને લાબુસેનને શ્રેય જાય છે. ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે કહ્યું કે, મને લાગે છે કે અમે અંતિમ મેચ માટે પોતાનું બેસ્ટ પરફોર્મન્સ બચાવી રાખ્યું હતું. કેટલાક ખેલાડીઓએ મોટી મેચમાં સારું પ્રદર્શન દેખાડ્યું. આજે અમે વિચાર્યું હતું કે લક્ષ્યનો પીછો કરવો પડશે અને એ સરળ નહીં હોય. પીચ ખૂબ ધીમી હતી, સ્પિન થઈ રહ્યું નહોતું, અમે યોગ્ય લેન્થ પર બોલિંગ કરી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp