દેશના ઈતિહાસમાં પહેલીવાર ગુજરાતના આ શહેરમાં બનશે દીકરીઓ માટે ગુરુકુળ

PC: twitter.com

ગુજરાત સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, સામાન્ય રીતે સ્વામિનારાયણ ગુરુકુળમાં છોકરાઓ જ અભ્યાસ કરતા હોય તેવું આપણે જોયું છે, પરંતુ હવે દેશના ઈતિહાસમાં સુરતની ધરતી પર પહેલીવાર દીકરીઓ માટેનું ગુરુકુળ નિર્માણ પામશે. આઉટર રિંગરોડથી બે કિ.મી.ના અંતરે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના વડોદ ગામે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ત્રણ તબક્કામાં 2500 જેટલી દીકરીઓ અભ્યાસ કરી શકે એ પ્રકારે બાલિકાઓ માટેનું વિશેષ ગુરુકુળ સાકાર થશે. જેમાં હોસ્ટેલ, નિવાસ, ભોજનની અદ્યતન સુવિધાઓ પ્રાપ્ત થશે. આગામી તા.22મી એપ્રિલના રોજ સાંજે 5.00 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે દીકરીઓના ગુરુકુળનું ભૂમિપૂજન કરવામાં આવશે.

જૂન 2024 થી કાર્યરત થનાર આ ગુરુકુળમાં નવી એજ્યુકેશન પોલિસી પ્રમાણે તેમજ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ સંસ્કાર સાથેનું શિક્ષણ ઉપલબ્ધ થશે. ધો.6 થી 12 સુધી દીકરીઓને અભ્યાસની સાથે ભોજન, હોસ્ટેલની આવાસીય સુવિધા તેમજ ધો.1 થી 5 સુધીની દીકરીઓ માટે અપડાઉનની વ્યવસ્થા ઉભી થશે. ધર્મ કે જ્ઞાતિના ભેદ વિના પોતાના સંતાનના સંસ્કાર અને શીલની રક્ષા ઈચ્છતા દેશ-વિદેશના કોઈ પણ વાલીઓ પોતાની દીકરીઓને કન્યા ગુરુકુળમાં પ્રવેશ અપાવી શકશે.

અંદાજિત રૂ.120 થી 150 કરોડના ખર્ચે બનનાર કન્યાઓ માટેના અનોખા ગુરુકુળના વિચારબીજને મૂર્ત સ્વરૂપ આપવા માટે સુરતના નામાંકિત ઉદ્યોગપતિ, સહજાનંદ ટેકનોલોજીસના ચેરમેન ધીરજલાલ કોટડીયાએ ભૂમિદાન કર્યું છે. ઉપરાંત મુખ્ય દાતાઓમાં ધર્મનંદન ડાયમંડ-સુરતના લાલજી પટેલ તેમજ સુરત, આફ્રિકા ખાતે કાર્યરત હરિ ગ્રુપના રાકેશ દુધાત છે. આ ત્રણેય દાતાઓ સ્વામિનારાયણ ગુરુકુળ-રાજકોટના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે.

આ ગુરુકુળમાં પ્રથમ તબક્કામાં 600 જેટલી દીકરીઓને રહેવા જમવા સાથે અભ્યાસની વ્યવસ્થા કરાશે. બીજા તબક્કામાં વધુ 1200 અને ત્રીજા તબક્કા મળી કુલ 2000 થી 2500 દીકરીઓને અભ્યાસ તથા રહેવા-જમવાની શ્રેષ્ઠ અને અદ્યતન સુવિધાઓ ઉભી કરાશે. આ ગુરુકુળનું સંચાલન મહિલાઓ કરશે. સાફ-સફાઈ, પટાવાળા, કલાર્ક, શિક્ષકો, આચાર્ય, એડમિન સહિતનો તમામ સ્ટાફ મહિલાઓનો જ હશે. હોસ્ટેલમાં પણ મહિલાઓ જ સંચાલન, પ્રાર્થના, સત્સંગ, ધાર્મિક સંસ્કાર વગેરેની જવાબદારી સંભાળશે. કેમ્પસમાં પુરૂષ વાલીને પણ પ્રવેશ નહીં હોય એમ રાકેશ દુધાતે વિગતો આપતા જણાવ્યું હતું.

સુરત ગુરુકુળના પ્રભુ સ્વામીએ જણાવ્યું હતું કે, ગુજરાત સહિત દેશમાં સ્વામિનારાયણ સંપ્રદાયના 170 ગુરૂકુલો કાર્યરત છે, જેમાં બે લાખથી વધુ વિદ્યાર્થીઓ સ્કૂલ તથા છાત્રાલયમાં રહીને વિદ્યા સાથે સંસ્કાર મેળવી રહ્યા છે. આ સર્વ ગુરૂકુલો કુમાર (છોકરાઓ) માટેના છે, જ્યારે દેશમાં પહેલી વખત સુરતમાં દીકરીઓ માટેના ગુરુકુળ બનવા જઈ રહ્યું છે.

વધુમાં પ્રભુ સ્વામીએ કહ્યું કે, વર્ષ 1948માં રાજકોટમાં શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામીએ સંપ્રદાયમાં પ્રથમ ગુરુકુળની સ્થાપના કરી હતી. આજે પણ એ જ રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાન સંચાલિત આ સ્વામિનારાયણ કન્યા ગુરુકુળની સ્થાપના 75 વર્ષ બાદ રાજકોટ ગુરુકુળ દ્વારા જ સંપ્રદાયમાં પ્રથમ વખત થઈ રહી છે.

હાલ 18 વીઘા જમીન સંપાદન કાર્ય પૂર્ણ થઈ ગયુ છે. કુલ છ લાખ સ્ક્વેર ફૂટનું કુલ બાંધકામ થશે. પ્રથમ ફેઝમાં 3.50 લાખ સ્ક્વેર ફૂટમાં બાંધકામ થશે. તા.22મીએ વડોદ ગામે કિરણ મેડિકલ કોલેજની પાછળ, તાપી નદીને સામે કિનારે 10 હજાર ઉપરાંત મહિલા,પુરૂષો, અતિથિઓ, મહાનુભાવોની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી આ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરશે. વિશેષત: મુખ્યમંત્રી સાથે સ્વામિનારાયણ ગુરુકુળ-રાજકોટના સદ્દગુરૂવર્ય ગુરૂ મહારાજ દેવકૃષ્ણદાસજી સ્વામી, મહંત દેવપ્રસાદદાસજી સ્વામી, સ્વામિનારાયણ ગુરુકુળ-સુરતના ધર્મવલ્લભદાસજી સ્વામી વગેરે સંતો તથા દાતાઓ ભૂમિપૂજન વિધિમાં જોડાશે.

જૂન-2024માં બાંધકામનો પ્રથમ તબક્કો પૂર્ણ થશે અને શૈક્ષણિક વર્ગો શરૂ થઈ જશે. આ ઉપરાંત રાજકોટમાં પણ રાજકોટ મોરબી રોડ ઉપર આવેલા રામમંદિર પાસે, રતનપર ગામે દીકરીઓ માટે ગુરુકુળના નિર્માણ કરવા માટેનું કાર્ય વેગવંતુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp