ફવાદ ચૌધરીએ પ્રિયંકાના બેગની પ્રશંસા કરી,કહ્યું, અમારામાં આવી હિંમત નથી

PC: timesofindia.indiatimes.com

ભારતમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા એટલી શક્તિશાળી અને અસરકારક છે કે પાકિસ્તાન પણ તેના વખાણ કરવાનું બંધ કરી શક્યું નથી. પાકિસ્તાની નેતા ફવાદ ચૌધરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને તેની પ્રશંસા કરી છે. તેમણે પેલેસ્ટાઈન લખેલી બેગની જોરદાર પ્રશંસા કરી, જેને કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી સંસદમાં લઈ ગયા હતા. હકીકતમાં પ્રિયંકા ગાંધી સોમવારે એક ખાસ બેગ લઈને સંસદ પહોંચ્યા હતા, જેમાં પેલેસ્ટાઈન લખેલું હતું. તેના આ પગલાની પાકિસ્તાનમાં ઘણી પ્રશંસા થઈ રહી છે.

ફવાદ ચૌધરીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, 'જવાહરલાલ નેહરુ જેવા મહાન સ્વતંત્રતા સેનાનીની પૌત્રી પાસેથી આપણે બીજી શું અપેક્ષા રાખી શકીએ? ટૂંકા મનના માણસો વચ્ચે પ્રિયંકા ગાંધી એકલા માથું ઊંચું કરીને ઉભા છે, એ શરમજનક વાત છે કે, આજ સુધી પાકિસ્તાની સંસદના કોઈ સભ્યે આવી હિંમત દાખવી નથી.'

કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી સોમવારે પેલેસ્ટાઈનના લોકો પ્રત્યે સમર્થન અને એકતા દર્શાવવા આ બેગ લઈને સંસદ પહોંચ્યા હતા. તેઓ ગાઝામાં ઈઝરાયેલની કાર્યવાહી સામે અવાજ ઉઠાવતા રહ્યા છે. તેમણે ગાઝામાં ઈઝરાયેલની કાર્યવાહીને નરસંહાર ગણાવી હતી. બેગમાં 'પેલેસ્ટાઈન' શબ્દ અને પેલેસ્ટિનિયન પ્રતીકો પણ હતા જેમ કે તરબૂચ, જે પેલેસ્ટિનિયન એકતાનું પ્રતીક માનવામાં આવે છે. કાપેલા તરબૂચની તસવીર અને ઈમોજીનો ઉપયોગ ઘણીવાર પેલેસ્ટાઈનના લોકો સાથે એકતા દર્શાવવા માટે થાય છે.

હકીકતમાં પ્રિયંકા ગાંધી પેલેસ્ટાઈન અને ગાઝાના પીડિતો માટે સતત અવાજ ઉઠાવી રહી છે. આ વર્ષે ઓક્ટોબરમાં હમાસ અને ઇઝરાયેલ વચ્ચે શરૂ થયેલા યુદ્ધને એક વર્ષ વીતી ગયા પછી પણ પ્રિયંકા ગાંધીએ ઇઝરાયેલ પર નિશાન સાધ્યું હતું. ગાઝામાં વધી રહેલા મૃત્યુઆંક વચ્ચે પ્રિયંકાએ ઈઝરાયેલને આડે હાથ લીધું હતું. ગાઝા પર દરેક આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવતા પ્રિયંકાએ કહ્યું હતું કે, 7,000 લોકોની હત્યા પછી પણ હિંસાની પ્રક્રિયા અટકી નથી. તેમાંથી 3,000 માસૂમ બાળકો હતા. વાયનાડમાં ચૂંટણી લડતી વખતે પણ પ્રિયંકા ગાંધીએ પેલેસ્ટાઈનનો મુદ્દો સતત ઉઠાવ્યો હતો.

જો કે, BJPએ આ પેલેસ્ટાઈન બેગને લઈને પ્રિયંકા ગાંધી વાડ્રાને નિશાન બનાવ્યા અને તેને તુષ્ટિકરણની રાજનીતિ ગણાવી. BJP નેતા અને સાંસદ સંબિત પાત્રાએ કહ્યું કે, ગાંધી પરિવાર હંમેશા તુષ્ટિકરણનો જોળો પકડીને ચાલતું આવ્યું છે. અહીં આપને જણાવી દઈએ કે, તાજેતરમાં નવી દિલ્હીમાં પેલેસ્ટાઈન એમ્બેસીના ઈન્ચાર્જ આબેદ અલરાજેગ અબુ જઝારે પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી અને વાયનાડ ચૂંટણીમાં તેમની જીત પર તેમને અભિનંદન આપ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp