દુબઈમાં ટ્રાફિક સિગ્નલ તોડવા બદલ ભારતીયને એટલો દંડ થયો જેમાં નવી કાર આવી જાય

PC: twitter.com

દુબઈ તેના કડક કાયદાઓ માટે આખી દુનિયામાં જાણીતું છે. જ્યારે કાયદા અને સુરક્ષાની વાત આવે છે, ત્યારે દુબઈ દર વખતે તેની કડકતા અને ન્યાયીપણાથી દુનિયાને આશ્ચર્યચકિત કરે છે. તાજેતરમાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

ત્યાંના સ્થાનિક સમાચારપત્રના અહેવાલ અનુસાર, દુબઈમાં રહેતા 22 વર્ષીય ભારતીય પ્રવાસી સંજય રિઝવીએ સમયસર ઓફિસ પહોંચવાની ઉતાવળમાં લાલબત્તી પાર કરી દીધી હતી, જેના માટે તેને ભારે દંડ થયો અને તેની કાર પણ જપ્ત થઇ ગઈ હતી. તેની નવી ઇલેક્ટ્રિક કાર ટેસ્લા એક મહિના માટે જપ્ત કરવામાં આવી હતી અને તેને છોડાવવા માટે તેમને 50,000 દિરહામ (લગભગ 11 લાખ રૂપિયા)નો દંડ ચૂકવવો પડ્યો હતો.

આ ઘટના ગયા વર્ષે ઓક્ટોબરમાં બની હતી, જ્યારે રિઝવી અલ ખૈલ રોડ તરફ જતા જંકશન પર પહોંચ્યો હતો. હવે તે કહે છે કે, મેં આ ઘટનામાંથી એક બોધપાઠ શીખ્યો છે અને રસ્તા પર વધુ સાવધ બની ગયો છું.

UAEમાં બેદરકારીથી વાહન ચલાવવા પર શૂન્ય સહિષ્ણુતાની નીતિ અપનાવવામાં આવે છે. આવા કિસ્સાઓમાં, ભારે દંડની સાથે સાથે કાનૂની કાર્યવાહી અને વાહન જપ્ત કરવા જેવા કડક પગલાં લેવામાં આવે છે.

તાજેતરમાં જ, શારજાહમાં પણ પ્રતિબંધિત વિસ્તારોમાં બેદરકારીપૂર્વક વાહન ચલાવવા અને બાઇક ચલાવવા જેવા ગુનાઓ માટે ભારે દંડની જાહેરાત કરવામાં આવી છે. હવે આવા કિસ્સાઓમાં, વાહન છોડાવવા માટે 20,000 દિરહામ ચૂકવવા પડશે. ભારતીય રૂપિયામાં આ આશરે 4,50,000 રૂપિયા થાય છે. લાઇસન્સ વિના વાહન ચલાવવા બદલ 30,000 દિરહામ સુધીનો દંડ થઈ શકે છે. જે 6,75,000 રૂપિયા બરાબર થાય છે.

દુબઈ અને અબુ ધાબીમાં બેદરકારીપૂર્વક વાહન ચલાવવા બદલ 50,000 દિરહામ સુધીનો દંડ પહેલાથી જ લાગુ છે, જ્યારે રાસ અલ ખૈમાહમાં 20,000 દિરહામ સુધીનો દંડ છે. જો વાહન ત્રણ મહિનાની અંદર છોડવામાં ન આવે તો, જપ્ત કરાયેલ વાહનની હરાજી કરવામાં આવે છે.

UAE હવે માર્ગ સલામતી માટે વધુ કડક પગલાં લઈ રહ્યું છે. આ સાથે, 29 માર્ચથી એક નવો કાયદો અમલમાં આવવા જઈ રહ્યો છે, જેમાં ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની લઘુત્તમ ઉંમર 18થી ઘટાડીને 17 વર્ષ કરવામાં આવી છે. UAE GCC ક્ષેત્રમાં આવું કરનાર પ્રથમ દેશ બન્યો છે.

દુબઈના MA-ટ્રાફિક કન્સલ્ટિંગના સ્થાપક ડૉ. મુસ્તફા અલ્દાહના મતે, ભારે દંડ અને કડક નિયમોનો ઉદ્દેશ્ય લોકોને સલામત રીતે વાહન ચલાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. પોલીસની વધતી હાજરી અને મીડિયામાં દંડ અંગેના સમાચાર લોકોને માર્ગ સલામતી પ્રત્યે જાગૃત કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp