- Opinion
- પક્ષપલટો કરનાર નેતાઓને વોટ નહીં પણ જાકારો જ અપાય ને?
પક્ષપલટો કરનાર નેતાઓને વોટ નહીં પણ જાકારો જ અપાય ને?
31.jpg)
લોકશાહી એ એવી વ્યવસ્થા છે જેમાં નાગરિકોનો અવાજ સૌથી મહત્ત્વનો હોય છે. ભારત જેવા લોકશાહી દેશમાં ચૂંટણીઓ દ્વારા નાગરિકો પોતાના પ્રતિનિધિઓને પસંદ કરે છે જેઓ રાજકીય પક્ષની વિચારધારા અને કાર્યક્રમોના આધારે શાસન કરે. પરંતુ જ્યારે ચૂંટાયેલા નેતાઓ પક્ષપલટો કરે છે ત્યારે શું તે મતદારોના વિશ્વાસ સાથે ખેલવાડ છેતરપિંડી નથી કરતા? આ પ્રશ્ન આજે દરેક નાગરિકે પોતાની જાતને પૂછવો જોઈએ કારણ કે આવા નેતાઓના કર્મો માત્ર તેમની વ્યક્તિગત નૈતિકતા માટેજ નહીં પરંતુ લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતો માટે પણ સવાલ ઉભો કરે છે.
પક્ષપલટો એટલે શું? જ્યારે કોઈ નેતા પોતે જે પક્ષના ચૂંટણી લડ્યો અને જીત્યો તેને છોડીને બીજા પક્ષમાં જોડાય છે ત્યારે તે પક્ષપલટો કહેવાય. આવી ઘટનાઓ ભારતીય રાજકારણમાં નવી નથી. ઘણીવાર આવા નિર્ણયો સત્તા, પદ કે અંગત લાભ માટે લેવાય છે. પરંતુ આની સૌથી મોટી અસર મતદારો પર પડે છે જેમણે એક ચોક્કસ વિચારધારા અને નેતાને વોટ આપ્યો હતો. જ્યારે નેતા પક્ષ બદલે છે ત્યારે મતદારની પસંદગીનું મૂલ્ય ધૂળધાણી જાય છે. આ એક પ્રકારનો વિશ્વાસઘાત નથી?
આ મુદ્દાને બે દૃષ્ટિકોણથી જોઈ શકાય છે. એક તરફ કેટલાક દલીલ કરે છે કે રાજકારણ એ જોડતોડનું ક્ષેત્ર છે, નેતાઓને પોતાની વિચારધારા કે સિદ્ધાંતોને અનુરૂપ પક્ષ પસંદ કરવાનો અધિકાર હોવો જોઈએ!! જો કોઈ નેતા પોતાના પક્ષની નીતિઓથી સંતુષ્ટ ન હોય અથવા તેના મતવિસ્તારના હિતમાં બીજા પક્ષમાં જવું જરૂરી માનતો હોય તો તેનો નિર્ણય સ્વીકાર્ય હોઈ શકે. બીજી તરફ મતદારોનો દૃષ્ટિકોણ એ છે કે નેતાએ જે વચનો અને વિચારધારાના આધારે ચૂંટણી જીતી હોય તેનું પાલન કરવું તેની નૈતિક જવાબદારી છે. પક્ષપલટો કરીને તે મતદારોની અપેક્ષાઓને નજરઅંદાજ કરે છે.
આવા નેતાઓની વિશ્વસનીયતા પણ સવાલમાં આવે છે. જે નેતા પોતાના પક્ષ પ્રત્યે વફાદાર નથી રહી શકતો તે બીજા પક્ષ અને મતદારો પ્રત્યે કેટલો વફાદાર રહેશે? ઉદાહરણ તરીકે ઘણીવાર પક્ષપલટો પછી નેતાઓને મોટાં પદો કે આર્થિક લાભ મળતા જોવા મળે છે. આવી સ્થિતિમાં મતદારોને લાગે છે કે તેમનો વોટ એક સોદાનો ભાગ બની ગયો. જે લોકશાહીની ભાવનાને નબળી પાડે છે અને રાજકીય વ્યવસ્થા પ્રત્યે લોકોનો વિશ્વાસ ઘટાડે છે.
મતદારોની ભૂમિકા પણ અહીં મહત્ત્વની છે. જો લોકો પક્ષપલટો કરનાર નેતાઓને વારંવાર ચૂંટતા રહેશે તો આ પ્રથા ચાલુ જ રહેશે. લોકશાહીમાં મતદારો પાસે સૌથી મોટી તાકાત છે તેમનો વોટ. આ તાકાતનો ઉપયોગ સમજદારીપૂર્વક કરીને નેતાઓને જવાબદાર બનાવી શકાય છે. જો મતદારો આવા પક્ષપલટુ તકસાધુ નેતાઓને નકારે તો રાજકીય પક્ષો પણ આવા નિર્ણયો લેતાં પહેલાં વિચારશે.
અંતમાં પક્ષપલટો એ લોકશાહીનો અનિવાર્ય ભાગ નથી પરંતુ તેની અસર લોકશાહીની વિશ્વસનીયતા અને તંદૂરતી પર પડે છે. નેતાઓએ પોતાની નૈતિક જવાબદારી સમજવી જોઈએ કાયદામાં સુધારા થવા જોઈએ અને મતદારોએ પોતાની શક્તિનો સભાન ઉપયોગ કરવો જોઈએ. આ બધું થશે તો જ લોકશાહીનું સાચું સ્વરૂપ જળવાઈ રહેશે. આખરે, લોકશાહી એટલે પ્રજાની/મતદારોની ઇચ્છા અને તેનું સન્માન થવું જ જોઈએ.
Top News
હર્ષ સંઘવી: એક યુવાનના માથે ગુજરાતના ગૃહરાજ્ય મંત્રીનો કાંટાળો તાજ છતા અડીખમ
આ યોજનાએ મહારાષ્ટ્રનું બજેટ ખોરવી નાખ્યું, લોકોને માંગ ઓછી કરવાનું કહેવાયું
IPLની શરૂઆત પહેલા KKRને લાગ્યો આંચકો! ઉમરાન મલિક ટીમમાંથી થયો બહાર
Opinion
31.jpg)