- Opinion
- આપણા ગુજરાતના ગામડા ખાલી થઈ રહ્યા છે તો ખેતી કોણ કરશે?
આપણા ગુજરાતના ગામડા ખાલી થઈ રહ્યા છે તો ખેતી કોણ કરશે?

આપણું ગુજરાત એટલે દેશની કૃષિનું હૃદય. દુષ્કાળના વર્ષોને બાદ કરતા આપણું રાજ્ય એક સમયે ખેત ઉત્પાદનથી ધબકતું હતું. આપણા પૂર્વજોએ ખેતરોમાં પરસેવો પાડીને આ ધરતીને સોનું બનાવી હતી. ગામડાંઓમાં રહેતા ખેડૂતોની મહેનતે ગુજરાતને આજે આર્થિક રીતે સમૃદ્ધ રાજ્યનું સ્થાન અપાવ્યું છે. પરંતુ આજે ચિત્ર બદલાઈ રહ્યું છે ગામડાંઓ ખાલી થઈ રહ્યાં છે યુવાનો શહેરો તરફ દોટ મૂકી રહ્યા છે અને ખેતીની જવાબદારી મોટાભાગે ફક્ત વડીલો અને વૃદ્ધોના ખભે રહી ગઈ છે. આ પરિસ્થિતિ આપણને એક મહત્વનો સવાલ પૂછવા મજબૂર કરે છે... જો ગામડાં ખાલી થશે, તો ખેતી કોણ કરશે?
આપણી ગુજરાતીઓની ઓળખ ખેતી સાથે જોડાયેલી છે. ગામડાંઓમાં લીલાંછમ ખેતરો, ખળામાં રમતાં બળદો અને ખેડૂતોની સખત મહેનત આપણી સંસ્કૃતિનો આધાર રહી છે. ગામની સવારે ગાયો-ભેંસોના ભાંભરવાના અવાજો, ખેતરમાંથી આવતી માટીની સુગંધ અને સાંજે ઘરે પરત ફરતા ગુજરાતી ગીતોની રમઝટ. આ બધું જ આપણી ગ્રામ્ય ઓળખનું પ્રતીક છે. ખેતી એ ફક્ત આજીવિકાનું સાધન નથી પરંતુ એક જીવનશૈલી છે જે પેઢી દર પેઢી ચાલી આવી છે.
ગુજરાતના ખેડૂતોએ બાજરી, ઘઉં, કપાસ, શાકભાજી અને ફળોની ખેતીથી આ રાજ્યને સમૃદ્ધ બનાવ્યું. સૌરાષ્ટ્રના મગફળીના ખેતરો હોય કે કચ્છની ખારેકની ખેતી દરેક વિસ્તારે પોતાની રીતે ખેતીની ઓળખને જાળવી રાખી છે. આ ખેતીએ ગામડાંઓને જીવંત રાખ્યાં હતાં પરંતુ આજે એ જ ગામડાંઓમાંથી જીવન શહેરો તરફ દોટ માંડી રહ્યું છે.
ગામડું એટલે શાંતિનું સરનામું. શહેરોની ભાગદોડથી દૂર ગામડાંઓમાં જીવન એક સરળ અને સાત્વિક રીતે જીવાય છે. સવારે પક્ષીઓના કલરવ સાથે દિવસની શરૂઆત થાય છે અને સાંજે ગામના ચોરે બેસીને વડીલોની વાતો સાંભળવાનો આનંદ કંઈક અલગ જ હોય છે. ગામડાંમાં સંબંધોની ગરમાહટ હોય છે પાડોશીઓ એકબીજાના સુખ-દુઃખમાં સાથે ઊભા રહે છે. ખેતરમાં સાથે મજૂરી કરવી, તહેવારોમાં એકબીજાને મદદ કરવી અને રાત્રે ભજનો ગવાય, નવરાત્રિમાં ગરબાની રમઝટમાં ગામની એકતા જોવા મળે છે.
ગ્રામ્ય જીવનમાં પ્રકૃતિ સાથે એકરૂપ થવાનો અનુભવ મળે છે. શહેરોમાં એક કોંક્રીટના જંગલમાં ફસાયેલા લોકોને ગામડાની ખુલ્લી હવા અને લીલાછમ ખેતરોની શાંતિનો અહેસાસ નથી થતો. ગામડું એટલે સરળતા જ્યાં દરેક વ્યક્તિ પોતાની રીતે જીવનનો આનંદ માણે છે. પરંતુ આજે આ સુખ ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે કારણ કે યુવાનો શહેરોની ચમકદમક તરફ આકર્ષાઈ રહ્યા છે.
ગામડાંઓની ખેતી એક સ્થિર જીવનશૈલીનું પ્રતીક છે જ્યાં પ્રકૃતિ સાથે સંતુલન જળવાય છે. શહેરોમાં ઔદ્યોગિકરણ અને બાંધકામો વધ્યાં છે પરંતુ ખેતી એ જમીનની ફળદ્રુપતા જાળવી રાખે છે. આજે આપણે ખેતીને ઓછી મહત્ત્વની ગણીએ છીએ પરંતુ તેના વિના આપણું અસ્તિત્વ જોખમમાં મૂકાઈ જશે.
આજે ગુજરાતના ગામડાંઓમાં યુવાનોની સંખ્યા ઘટી રહી છે. શિક્ષણ અને રોજગારની તકો શહેરોમાં વધતાં યુવાનો ગામડું છોડી રહ્યા છે. શિક્ષિત યુવકોને ખેતી કરવામાં રસ નથી રહ્યો કારણ કે તેમને શહેરોમાં નોકરી અને આધુનિક જીવનશૈલી આકર્ષે છે. યુવતીઓ પણ શહેરમાં વસેલા યુવકો સાથે લગ્ન કરવાનું પસંદ કરે છે જેના કારણે ગામડાંઓમાંથી જીવનની રોનક ઓછી થઈ રહી છે. પરિણામે ગામડાંઓમાં ફક્ત વૃદ્ધો જ રહી ગયા છે જેઓ ખેતીની જવાબદારી નિભાવવા સક્ષમ નથી. આ પરિસ્થિતિ ગામડાંઓને અંધારામાં ધકેલી રહી છે. ખેતરો બીજાના ભરોસે ખેડાઈ રહ્યા છે અને ગામની સંસ્કૃતિ લુપ્ત થવાના આરે છે. શહેરોમાં ઝગમગાટ વધી રહ્યો છે પરંતુ ગામડાંઓની આત્મા ખોવાઈ રહી છે.
આ સમસ્યાનો ઉકેલ શોધવો જરૂરી છે. સરકારે ગામડાંઓમાં શિક્ષણ, આરોગ્ય અને રોજગારની સુવિધાઓ વધારી છે જેથી યુવાનોને શહેરો તરફ જવું ન પડે. ખેતીને આધુનિક ટેકનોલોજી સાથે જોડીને તેને નફાકારક બનાવવી જોઈએ જેથી યુવાનો તેના તરફ આકર્ષાય.
આપણે બધાએ સમજવું જોઈએ કે ગામડાં ખાલી થશે તો ખેતી ખતમ થશે અને ખેતી ખતમ થશે તો આપણું અસ્તિત્વ જોખમમાં મૂકાશે. ગામડાંઓને જીવંત રાખવા માટે યુવાનોને પાછા ફરવું પડશે. ખેતી એ આપણી ઓળખ છે, આપણું ગૌરવ છે તેને બચાવવી એ આપણી જવાબદારી છે. ગામડાંઓમાં પાછું જીવન લાવીએ જેથી શહેરોની ઝગમગાટની સાથે ગામડાંઓમાં પણ અજવાળું ફેલાય!
Related Posts
Top News
આ ગામમાં કિડની ફેલ્યોરને કારણે લોકોના જીવ જઈ રહ્યા છે, પીવાનું પાણી બની રહ્યું છે ઝેરી!
કોંગ્રેસે અધિવેશનમાં ગુજરાત આવનારા મહેમાનો માટે 16 હોટલો બુક કરી દીધી
આ ખોરાક ખાવાથી ઝડપથી વધે છે સ્ટ્રેસ હોર્મોન્સ, અનેક રોગોથી ઘેરાઈ જાય છે શરીર
Opinion
-copy.jpg)