- Opinion
- આર.સી.ફળદુ: એક વાલી જેવું વ્યક્તિત્વ અને સમાજનો કોઈ પણ વ્યક્તિ જેમને જઈને મળી શકે
આર.સી.ફળદુ: એક વાલી જેવું વ્યક્તિત્વ અને સમાજનો કોઈ પણ વ્યક્તિ જેમને જઈને મળી શકે

(ઉત્કર્ષ પટેલ)
ગુજરાતના રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે પણ સાચી નિષ્ઠા સમર્પણ અને નિરાભિમાની વ્યક્તિત્વની વાત આવે છે ત્યારે આર.સી. ફળદુનું એક નામ આપોઆપ સૌના મનમાં આવી જાય છે. એક એવા વ્યક્તિ જેમણે પોતાનું સમગ્ર જીવન સમાજસેવા અને પક્ષના કાર્યકર્તાઓની ઉન્નતિ માટે સમર્પિત કરી દીધું. તેઓ એવા વ્યક્તિ છે જેમની પાસે સમાજનો કોઈ પણ વ્યક્તિ નિઃસંકોચ જઈને મળી શકે પોતાની સમસ્યાઓ રજૂ કરી શકે અને એક પિતૃતુલ્ય માર્ગદર્શનની અપેક્ષા રાખી શકે. આર.સી. ફળદુ એટલે એક વાલી જેવું વ્યક્તિત્વ જેમની સાદગી અને નિષ્કલંક જીવનશૈલીએ સૌના હૃદયમાં ખાસ સ્થાન બનાવ્યું છે.
આર.સી. ફળદુ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના એક સામાન્ય કાર્યકર્તા તરીકે પોતાની સફર શરૂ કરી હતી. પરંતુ તેમની નિષ્ઠા, મહેનત અને પક્ષ પ્રત્યેની અપાર ભક્તિએ તેમને કાર્યકર્તાઓના હૃદયમાં ખાસ સ્થાન અપાવ્યું. તેમણે હંમેશા પક્ષ અને તેના કાર્યકર્તાઓને પ્રાધાન્ય આપ્યું. એક સાચા સૈનિકની જેમ તેમણે પોતાની જાતને પક્ષના હિત માટે સમર્પિત કરી દીધી પરંતુ ક્યારેય પદ કે પ્રતિષ્ઠાની લાલસા રાખી નહીં. રાજકીય હોદાઓ તેમના માટે માત્ર એક જવાબદારી હતી જેને તેમણે પૂર્ણ નિષ્ઠા અને પ્રામાણિકતાથી નિભાવી. તેઓ ધારાસભ્ય, ગુજરાતસરકારમાં મંત્રી અને ગુજરાત ભાજપન અધ્યક્ષની ભૂમિકામાં પણ રહ્યા. એમની એક વિશેષતા છે કે તેમને મળવા જનાર કોઈ પણ વ્યક્તિ ભલે એ કાર્યકર્તા હોય કે પછી સરકારી અધિકારી કે પછી એમના મતવિસ્તારના મતદાતા હોય ક્યારેય એમને ત્યાંથી જમવાનો સમય હોય ને ભૂખ્યા નહીં ગયા હોય. વ્યસ્ત જીવન વચ્ચે પણ સૌને મળવું, સાંભળવા, શાંત્વના આપી કાર્યકર્તાને ઠારવો એ આર.સી ભાઈ નો સંગઠનાત્મક ગુણ એમના સ્વભાવનું આગવું લક્ષણ રહ્યું છે.
આર.સી. ફળદુના વ્યક્તિત્વની સૌથી મોટી ખાસિયત એ છે કે તેઓ સંપૂર્ણ નિરાભિમાની છે. રાજકારણમાં ઘણીવાર એવું જોવા મળે છે કે સફળતા અને પદની સાથે અહંકાર આવી જાય છે પરંતુ આર.સી. ફળદુ આનાથી સંપૂર્ણપણે અલગ છે. તેઓ હંમેશા સાદગી અને નમ્રતાથી જીવ્યા. તેમનું જીવન એક બેદાગ સમાજ જીવનનું ઉદાહરણ છે જેમાં કોઈ દાગ કે કલંકની શંકા પણ નથી. ગમા હોય કે અણગમાના વિષયોથી તેઓ હંમેશા દૂર રહ્યા છે અને હંમેશા પોતાના કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ સાદગી અને પ્રામાણિકતા જ તેમને સૌથી અલગ બનાવે છે.
આર.સી. ફળદુ માત્ર રાજકારણી નથી પરંતુ ભાજપના કાર્યકર્તાઓ માટે એક વાલી જેવા છે. તેમના દરવાજા હંમેશા કાર્યકર્તાઓ માટે ખુલ્લા રહે છે. કોઈ પણ કાર્યકર્તા ભલે તે નાનો હોય કે મોટો તેમની પાસે જઈને પોતાની વાત રજૂ કરી શકે છે. તેઓ માત્ર સાંભળતા નથી પરંતુ દરેક સમસ્યાનો ઉકેલ લાવવા માટે પ્રયત્નશીલ રહે છે. કાર્યકર્તાઓની નાનીનાની બાબતોનું પણ તેઓ ધ્યાન રાખે છે અને તેમને માર્ગદર્શન આપે છે. આ કારણે જ તેઓ કાર્યકર્તાઓના હૃદયમાં એક પિતૃતુલ્ય સ્થાન ધરાવે છે.
આજે પણ જ્યારે ઘણા લોકો આરામની ઈચ્છા રાખે છે આર.સી. ફળદુ રાતદિવસ સક્રિય રહે છે. સમાજની સેવા અને પક્ષનું કામ તેમના માટે એક પવિત્ર ફરજ છે જેને તેઓ અવિરત નિભાવે છે. તેમની આ અથાક મહેનત અને સક્રિયતા યુવા પેઢી માટે પ્રેરણારૂપ છે. ભલે ગમે તેવું કામ હોય તેઓ તેને પૂર્ણ કરવા માટે ક્યારેય પાછું પાનું કરતા નથી. આ સક્રિયતા જ તેમને એક જીવંત ઉદાહરણ બનાવે છે.
આર.સી. ફળદુની બીજી મોટી વિશેષતા એ છે કે તેમણે ક્યારેય પદ કે પ્રતિષ્ઠાને મહત્ત્વ આપ્યું નથી. રાજકારણમાં જ્યાં ઘણા લોકો પદની પાછળ દોડે છે ત્યાં આર.સી. ફળદુએ હંમેશા પોતાની જવાબદારીઓને પ્રાધાન્ય આપ્યું. તેમના માટે હોદો એ માત્ર એક માધ્યમ હતું જેના દ્વારા તેઓ સમાજ અને પક્ષની સેવા કરી શકે. આ વિચારસરણીએ તેમને એક અલગ ઓળખ આપી છે. તેમનું જીવન યુવા સમાજસેવકો અને રાજકારણીઓને એ બતાવે છે કે સાચી સફળતા પદમાં નહીં પરંતુ સેવા અને સમર્પણમાં રહેલી છે.
(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ અને સમાજસેવક છે. લેખમાં વ્યક્ત કરેલા વિચારો તેમના અંગત વિચારો છે.)
Related Posts
Top News
‘આ લોકોને બહાર કરી દેવામાં આવશે..’, વન ટાઇમ ઇલેક્શન પર ઉદ્ધવ ઠાકરેએ કેમ કહી આ વાત?
કોણ છે IAS સુજાતા કાર્તિકેયન? જેમના VRS લેવાથી આખા રાજ્યની રાજનીતિમાં મચી ગયો હાહાકાર
રોડ પર નમાઝ નહીં...ના નિર્ણય પર ફારૂકી થયો ગુસ્સે, કહ્યું- ‘શું રસ્તાઓ પર હવે તહેવાર નહીં ઉજવાય?’
Opinion
