- Opinion
- ધનવાન સાંસદોને પ્રજાના પૈસે પગારભથ્થામાં વધારો શું કામ?
ધનવાન સાંસદોને પ્રજાના પૈસે પગારભથ્થામાં વધારો શું કામ?

ભારત એક લોકશાહી પ્રધાન દેશ છે જ્યાં નાગરિકો પોતાના મતના અધિકારથી સ્થાનિક નેતાઓથી લઈને વિધાનસભા અને લોકસભાના સદસ્યોને ચૂંટે છે. આ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ દેશના વિકાસ અને જનતાની સેવા માટે કામ કરે એવી અપેક્ષા રાખવામાં આવે છે. પરંતુ હાલમાં જનપ્રતિનિધિઓના પગારભથ્થા, પેન્શન અને સુવિધાઓમાં થયેલા ધરખમ વધારાએ અનેક સવાલો ઉભા કર્યા છે. ખાસ કરીને જ્યારે આ જનપ્રતિનિધિઓમાંથી ઘણા આર્થિક રીતે સંપન્ન અને કરોડપતિ હોય ત્યારે તેમને આવા લાભો આપવાની શું જરૂરિયાત છે? આ વિષય પર ગંભીર ચિંતન અને જનજાગૃતિની આવશ્યકતા છે.

સૌથી પહેલો સવાલ એ ઉભો થાય છે કે શું જનપ્રતિનિધિઓને નોકરીયાટ ગણવા જોઈએ? જો હા તો નોકરીમાં સામાન્ય રીતે ચોક્કસ સમયગાળા બાદ જ પગારવધારો કે પેન્શનની પાત્રતા મળે છે. પરંતુ અહીં તો એક ટર્મ ચૂંટાયા પછી જ આજીવન લાભો મળવાની વ્યવસ્થા છે! આવી રીતે જનતાના ટેક્સના પૈસાનો ઉપયોગ થાય તે ન્યાયી ગણાય? ખાસ કરીને જ્યારે ઘણા સાંસદો અને ધારાસભ્યો પાસે પહેલેથી જ કરોડોની સંપત્તિ હોય ત્યારે તેમને વધારાના ભથ્થા, મફત હવાઈ મુસાફરી કે અન્ય સુવિધાઓ આપવી શા માટે જરૂરી છે?

આપણે એ સમજવું જોઈએ કે નાગરિકો સરકારને ટેક્સ દેશના વિકાસ માટે ચૂકવે છે નહીં કે ધનવાન જનપ્રતિનિધિઓની વૈભવી જીવનશૈલીને ટેકો આપવા માટે. જો કોઈ જનપ્રતિનિધિ આર્થિક રીતે નબળા હોય અને તેમને પોતાની જવાબદારીઓ નિભાવવા માટે સહાયની જરૂર હોય તો તેને લાભો આપવાનું યોગ્ય ગણાય. પરંતુ જેમની પાસે પહેલેથી જ પૂરતી સંપત્તિ છે તેમના માટે આવા લાભો સરકારી તિજોરી પર બિનજરૂરી ભારણ કહેવાય. આ બાબત નૈતિકતાનો પણ સવાલ ઉભો કરે છે. જે સાંસદો કે ધારાસભ્યો પોતાને જનતાના સેવક કહે છે તેમણે નૈતિકતા દાખવીને આવા લાભોનો ત્યાગ કરવો જોઈએ અને દેશના હિતને પ્રાધાન્ય આપવું જોઈએ.
આ મુદ્દો માત્ર સરકારી નીતિઓની ઉણપ નથી દર્શાવતો પરંતુ લોકશાહીમાં નાગરિકોની જવાબદારી પણ નક્કી કરે છે. આપણે નાગરિકો તરીકે આવા વિષયો પર જાગૃત રહેવું જોઈએ અને સરકારનું ધ્યાન દોરવું જોઈએ. ખાસ કરીને યુવાનો જેઓ દેશનું ભવિષ્ય છે તેમણે આવા મુદ્દાઓ પર ચર્ચા કરવી જોઈએ, સવાલો ઉઠાવવા જોઈએ અને જનજાગૃતિ ફેલાવવી જોઈએ.

દેશની અને રાજ્યોની સરકારોએ પણ આ બાબતે ગંભીરતાથી વિચારવું જોઈએ. એક એવી નીતિ ઘડવી જોઈએ જેમાં જનપ્રતિનિધિઓની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લઈને લાભોનું વિતરણ થાય. ઉદાહરણ તરીકે જેમની આવક ચોક્કસ મર્યાદાથી વધુ હોય તેમને આવા ભથ્થા કે સુવિધાઓમાંથી બાકાત રાખી શકાય. આવી નીતિ ન્યાયી હશે અને સરકારી નાણાંનો સદુપયોગ થશે.
આજના સમયમાં, જ્યારે દેશ પ્રગતિની દિશામાં છે ત્યારે આવા ખર્ચાઓ પર નિયંત્રણ લાવવું અત્યંત જરૂરી છે. શિક્ષણ, આરોગ્ય અને રોજગારી જેવા ક્ષેત્રોમાં ધ્યાન આપવાની જરૂર છે નહીં કે ધનવાન સાંસદોની સુવિધાઓમાં વધારો કરવામાં. જો સરકાર અને જનપ્રતિનિધિઓ ખરેખર દેશના હિતની ચિંતા કરતા હોય તો તેમણે આવા લાભોનો ત્યાગ કરીને નૈતિક ઉદાહરણ પૂરું પાડવું જોઈએ ત્યારે જ ભારતની લોકશાહી સાચા અર્થમાં મજબૂત બનશે.
Top News
8 વર્ષની ગુમ બાળકીને શોધવા સુરત પોલીસે પહેલીવાર ડ્રોનનો ઉપયોગ કર્યો
4 મોંઘી કાર, 2 કરોડનું ઘર... લેડી કોન્સ્ટેબલ બરતરફ, IGએ તપાસના આદેશ આપ્યા
'CID'માં ખતમ થઈ ગઇ ACP પ્રદ્યુમનની સફર! શૉમાં આવશે મોટું ટ્વીસ્ટ
Opinion
