સરકાર કૃષિ અને ખેડૂતો પર વાર્ષિક સરેરાશ 6.5 લાખ કરોડથી વધારેનો ખર્ચ કરે છેઃ PM

PC: pib

PM નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય સહકારી દિવસના અવસરે નવી દિલ્હીમાં પ્રગતિ મેદાન ખાતે 17મી ભારતીય સહકારી કૉંગ્રેસને સંબોધન કર્યું હતું. 17મી ભારતીય સહકારી કૉંગ્રેસની મુખ્ય થીમ 'અમૃત કાલ: વાઇબ્રન્ટ ઇન્ડિયા માટે સહકાર દ્વારા સમૃદ્ધિ' છે. નરેન્દ્ર મોદીએ કોઓપરેટિવ માર્કેટિંગ અને કોઓપરેટિવ એક્સ્ટેન્શન અને સલાહકાર સેવાઓ પોર્ટલ માટેની ઇ-કોમર્સ વેબસાઇટનાં ઇ-પોર્ટલ્સનો પણ શુભારંભ કર્યો હતો.

આ પ્રસંગે PMએ કહ્યું હતું કે, દેશ 'વિકસિત અને આત્મનિર્ભર ભારત'ના લક્ષ્યાંક તરફ કામ કરી રહ્યો છે. તેમણે આ લક્ષ્યાંકો હાંસલ કરવા માટે 'સબ કા પ્રયાસ'ની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, જેમાં સહકારની ભાવના દરેકના પ્રયાસોનો સંદેશ આપે છે. PMએ ભારતને વિશ્વનું અગ્રણી દૂધ ઉત્પાદક દેશ બનાવવામાં ડેરી સહકારી મંડળીનાં યોગદાનની નોંધ લીધી હતી અને ભારતને વિશ્વમાં ખાંડનું ઉત્પાદન કરતા ટોચના દેશોમાં સ્થાન અપાવવામાં સહકારી મંડળીઓની ભૂમિકાની નોંધ લીધી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સહકારી મંડળીઓ દેશના ઘણા વિસ્તારોમાં નાના ખેડૂતો માટે એક મોટી સપોર્ટ સિસ્ટમ બની ગઈ છે. PMએ એ બાબતની પણ નોંધ લીધી હતી કે, ડેરી ક્ષેત્રમાં મહિલાઓનું યોગદાન આશરે 60 ટકા છે. આથી, PMએ ચાલુ રાખ્યું, સરકારે વિકસિત ભારતનાં લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સહકારી ક્ષેત્રને મજબૂત કરવાનો નિર્ણય લીધો છે. તેમણે માહિતી આપી હતી કે, પહેલી વખત અલગ મંત્રાલયની રચના કરવામાં આવી હતી અને સહકારી મંડળીઓ માટે બજેટ ફાળવવામાં આવ્યું અને તેનાં પરિણામે સહકારી મંડળીઓને કોર્પોરેટ ક્ષેત્રની જેમ જ પ્લેટફોર્મ રજૂ કરવામાં આવી રહ્યું છે. PMએ સહકારી મંડળીઓને મજબૂત કરવાનાં પગલાં વિશે પણ જાણકારી આપી હતી અને કરવેરાના દરોમાં ઘટાડાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે સહકારી બૅન્કોને મજબૂત બનાવવાનાં પગલાં વિશે પણ માહિતી આપી હતી અને નવી શાખાઓ અને ડોરસ્ટેપ બૅન્કિંગ ખોલવામાં નરમાશનાં ઉદાહરણો આપ્યાં હતાં.

આ કાર્યક્રમ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો સંકળાયેલા છે તેની નોંધ લઈને PMએ છેલ્લાં 9 વર્ષમાં ખેડૂતોનાં કલ્યાણ માટે હાથ ધરવામાં આવેલાં પગલાં પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, ભૂતકાળમાં ભાગ્યે જ મળતાં સમર્થનથી અને એમાં પણ વચેટિયાઓ દ્વારા વધારે ઘટાડો થતો એનાથી વિપરીત, હવે કરોડો ખેડૂતોને કિસાન સન્માન નિધિ તેમનાં ખાતામાં સીધી જ મળી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લાં 4 વર્ષમાં આ યોજના હેઠળ પારદર્શક રીતે રૂ. 2.5 લાખ કરોડ હસ્તાંતરિત કરવામાં આવ્યાં છે. તેમણે જનમેદનીને એમ કહીને બાબતોને પરિપ્રેક્ષ્યમાં મૂકી હતી કે, જો આપણે વર્ષ 2014 અગાઉનાં 5 વર્ષનાં કુલ કૃષિ બજેટને ધ્યાનમાં લઈએ, જે 90,000 રૂપિયાથી ઓછું થાય છે, તો 2.5 લાખ કરોડ રૂપિયા એક મોટી રકમ છે. આનો અર્થ એ છે કે તે પાંચ વર્ષનાં કુલ કૃષિ બજેટના ત્રણ ગણાથી વધુ માત્ર એક યોજના પર ખર્ચવામાં આવ્યા હતા.

PMએ વૈશ્વિક સ્તરે ખાતરની વધતી કિંમતોને કારણે ખેડૂતો પર બોજ ન પડે એ સુનિશ્ચિત કરવાના ઉપાયો પર પણ વિસ્તૃત વર્ણન કર્યું હતું. તેમણે કહ્યું કે, એક ખેડૂત આજે યુરિયાની થેલી માટે લગભગ 270 રૂપિયા ચૂકવે છે જ્યારે આ જ બેગની કિંમત બાંગ્લાદેશમાં 720 રૂપિયા, પાકિસ્તાનમાં 800 રૂપિયા, ચીનમાં 2100 રૂપિયા અને અમેરિકામાં 3000 રૂપિયા છે. તેમણે જણાવ્યું હતું કે, આ બાબત દર્શાવે છે કે, ગૅરન્ટી કેવી હોય છે અને ખેડૂતોનાં જીવનમાં પરિવર્તન લાવવા માટે કેટલા મોટા પાયે પ્રયાસોની જરૂર પડે છે. PMએ જાણકારી આપી હતી કે, છેલ્લાં 9 વર્ષમાં રૂ. 10 લાખ કરોડથી વધારે રકમ ફક્ત ખાતરની સબસિડી પર ખર્ચ કરવામાં આવી છે.

ખેડૂતોને તેમનાં ઉત્પાદન માટે યોગ્ય કિંમત પૂરી પાડવાની દિશામાં સરકારની ગંભીરતા પર ભાર મૂકીને PMએ જાણકારી આપી હતી કે, સરકારે છેલ્લાં 9 વર્ષમાં ખેડૂતોનાં ઉત્પાદનની ખરીદી વધારાયેલી એમએસપી સાથે કરી છે અને 15 લાખ કરોડથી વધારે રકમ ખેડૂતોને આપી છે. PM મોદીએ જણાવ્યું હતું કે, સરકાર કૃષિ અને ખેડૂતો પર વાર્ષિક સરેરાશ 6.5 લાખ કરોડથી વધારેનો ખર્ચ કરે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકાર એ સુનિશ્ચિત કરી રહી છે કે દેશમાં દરેક ખેડૂતને એક યા બીજી રીતે દર વર્ષે આશરે 50,000 રૂપિયા મળે.

સરકારના ખેડૂત કલ્યાણના અભિગમ વિશે વાત આગળ વધારતા PM મોદીએ તાજેતરમાં રૂ. 3 લાખ 70 હજાર કરોડનાં પૅકેજ વિશે જાણકારી આપી હતી તથા શેરડીના ખેડૂતો માટે ક્વિન્ટલદીઠ રૂ. 315ના વાજબી અને લાભદાયક મૂલ્ય વિશે જાણકારી આપી હતી. જેનો સીધો લાભ શેરડીના 5 લાખ ખેડૂતો અને શુગર મિલોમાં કામ કરતા લોકોને મળશે.

PMએ જણાવ્યું હતું કે, અમૃત કાલ દરમિયાન ગામડાં અને ખેડૂતોના વિકાસમાં સહકારી ક્ષેત્રની ભૂમિકા મોટી બની રહેવાની છે. PMએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકાર અને સહકાર (સરકાર અને સહકારી) સંયુક્તપણે વિક્સિત ભારતનાં સ્વપ્નને બમણી તાકાત પૂરી પાડશે. તેમણે સમજાવ્યું હતું કે, ડિજિટલ ઇન્ડિયા અભિયાન મારફતે સરકારે પારદર્શકતા વધારી છે અને લાભાર્થીઓને લાભ સુનિશ્ચિત કર્યો છે. PMએ કહ્યું હતું કે, આજે ગરીબમાં ગરીબ વ્યક્તિ માને છે કે ઉપલાં સ્તરે ભ્રષ્ટાચાર અને સગાવાદ નાબૂદ થઈ ગયા છે. સહકાર પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે, તે મહત્વપૂર્ણ છે કે આપણા ખેડૂતો અને પશુપાલન કરતા લોકોએ દૈનિક જીવનમાં આનો અનુભવ કરવો જોઈએ. સહકારી ક્ષેત્ર પારદર્શકતા અને ભ્રષ્ટાચારમુક્ત શાસનનું મૉડલ બને તે જરૂરી છે. આ માટે સહકારી ક્ષેત્રમાં ડિજિટલ સિસ્ટમને પ્રોત્સાહન આપવું જોઈએ, એમ PMએ કહ્યું હતું.

PMએ કહ્યું હતું કે, ભારત દુનિયામાં ડિજિટલ વ્યવહારો માટે જાણીતું છે. તેમણે ડિજિટલ વ્યવહારોની વાત આવે ત્યારે સહકારી મંડળીઓ અને બૅન્કોને આગળ રહેવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે તે બજારમાં પારદર્શિતા અને કાર્યક્ષમતામાં વધારો કરશે જ્યારે વધુ સારી સ્પર્ધાને પણ સક્ષમ બનાવશે.

પ્રાથમિક સ્તરની મુખ્ય સહકારી મંડળીઓ અથવા પીએસીએસ પારદર્શકતા માટે આદર્શ બનશે એ બાબત પર ભાર મૂકીને PMએ જાણકારી આપી હતી કે, 60,000થી વધારે પીએસીએસનું કમ્પ્યુટરાઇઝેશન થઈ ચૂક્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સહકારી મંડળીઓએ તેમને ઉપલબ્ધ ટેક્નૉલોજીનો સંપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, સહકારી મંડળીઓ દ્વારા કોર બૅન્કિંગ અને ડિજિટલ વ્યવહારોની સ્વીકૃતિથી દેશને મોટો લાભ થશે.

સતત વધી રહેલી વિક્રમી નિકાસનો ઉલ્લેખ કરીને PMએ કહ્યું હતું કે, આ સંબંધમાં સહકારી મંડળીઓએ પણ યોગદાન આપવું જોઈએ. તેમણે કહ્યું હતું કે, ઉત્પાદન સાથે સંબંધિત સહકારી મંડળીઓને વિશેષ પ્રોત્સાહન આપવા પાછળનું આ જ કારણ છે. તેમના કરવેરાનું ભારણ ઘટાડી દેવામાં આવ્યું છે, એમ તેમણે જણાવ્યું હતું. તેમણે ખાસ કરીને નિકાસની સારી કામગીરી માટે ડેરી ક્ષેત્રનો ઉલ્લેખ કર્યો હતો અને આપણાં ગામોની સંભવિતતાનો સંપૂર્ણ ઉપયોગ કરવા સંકલ્પ સાથે આગળ વધવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે આ સંકલ્પનાં ઉદાહરણ સ્વરૂપે શ્રી અન્ન (જાડાં અનાજ) માટે નવી પ્રેરણાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, તાજેતરમાં અમેરિકામાં વ્હાઇટ હાઉસ ખાતે યોજાયેલાં સ્ટેટ ડિનરમાં શ્રી અન્ન મુખ્ય હતું. તેમણે સહકારી મંડળીઓને ભારતીય શ્રી અન્નને વૈશ્વિક બજારોમાં લઈ જવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

PMએ શેરડીના ખેડૂતોના પડકારોને પહોંચી વળવા માટે લેવામાં આવેલા પગલાંની વિસ્તૃત જાણકારી આપી હતી, ખાસ કરીને વળતરદાયક કિંમતો નહીં મળવા અને સમયસર ચુકવણી કરવા વિશે. ખાંડ મિલોને ખેડૂતોની બાકી નીકળતી રકમ ચૂકવવા માટે 20,000 કરોડ રૂપિયાનું પૅકેજ આપવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, પેટ્રોલનાં ઇથેનોલ મિશ્રણને પ્રાથમિકતા આપવામાં આવી હતી અને છેલ્લાં 9 વર્ષમાં ખાંડની મિલો પાસેથી રૂ. 70,000 કરોડનું ઇથેનોલ ખરીદવામાં આવ્યું હતું, એમ તેમણે કહ્યું. તેમણે એમ પણ માહિતી આપી હતી કે શેરડીના ઊંચા ભાવો પરના કરવેરાને પણ દૂર કરવામાં આવ્યા છે. કરવેરા સાથે સંબંધિત સુધારાઓ વિશે વાત કરતા PMએ આ બજેટમાં સહકારી ખાંડની મિલોને જૂની બાકી નીકળતી રકમની પતાવટ માટે રૂ. 10,000 કરોડનાં સમર્થન વિશે જાણકારી આપી હતી. આ બધા પ્રયત્નો ક્ષેત્રમાં કાયમી પરિવર્તન લાવી રહ્યા છે અને તેને મજબૂત બનાવી રહ્યા છે.

PMએ ધ્યાન દોર્યું હતું કે, ખાદ્ય સુરક્ષા માત્ર ઘઉં અને ચોખા સુધી જ મર્યાદિત નથી અને તેમણે એ હકીકત તરફ ધ્યાન દોર્યું હતું કે, ભારત ખાદ્યતેલ, કઠોળ, માછલીના આહાર અને પ્રોસેસ્ડ ફૂડ વગેરેની આયાત પર આશરે 2થી 2.5 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે. તેમણે ખેડૂતો અને સહકારી મંડળીઓને આ દિશામાં કામ કરવા અને ખાદ્યતેલનાં ઉત્પાદનમાં રાષ્ટ્રને આત્મનિર્ભર બનાવવા વિનંતી કરી. PMએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકારે મિશન મોડમાં કામ કર્યું છે અને મિશન પામ ઓઇલ અને તેલીબિયાંનું ઉત્પાદન વધારવાની પહેલનાં ઉદાહરણો આપ્યાં હતાં. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, જ્યારે સહકારી મંડળીઓ સરકાર સાથે હાથ મિલાવશે અને આ દિશામાં કામ કરશે, ત્યારે રાષ્ટ્ર ખાદ્યતેલનાં ઉત્પાદનમાં આત્મનિર્ભર બની શકે છે. PM મોદીએ સૂચન કર્યું હતું કે, સહકારી મંડળીઓ ખેડૂતોને પ્લાન્ટેશન ટેક્નૉલોજી અને ઉપકરણની ખરીદી સાથે સંબંધિત તમામ પ્રકારની સેવાઓ અને માહિતી પ્રદાન કરી શકે છે.

PMએ PM મત્સ્ય સંપદા યોજનાની ઉપલબ્ધિઓ પર પ્રકાશ પાડ્યો હતો અને ઉલ્લેખ કર્યો હતો કે, આ યોજના જળાશયની નજીક રહેતાં ગ્રામજનો અને ખેડૂતો માટે વધારાની આવકનું માધ્યમ બની ગઈ છે. તેમણે માહિતી આપી હતી કે, મત્સ્યપાલન ક્ષેત્રમાં 25,000થી વધારે સહકારી મંડળીઓ કાર્યરત છે, જ્યાં ફિશ પ્રોસેસિંગ, ફિશ સૂકવણી, ફિશ ક્યોરિંગ, માછલીનો સંગ્રહ, ફિશ કેનિંગ અને માછલી પરિવહન જેવા ઉદ્યોગોને મજબૂત બનાવવામાં આવ્યા છે. તેમણે એવી પણ માહિતી આપી હતી કે, છેલ્લાં 9 વર્ષમાં ઇનલેન્ડ મત્સ્યપાલન પણ બમણું થયું છે તથા આ અભિયાનમાં સહકારી ક્ષેત્રની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. PM મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, માછલીની ખેતી જેવાં અનેક નવાં ક્ષેત્રોમાં પીએસીએસની ભૂમિકા વિસ્તરી રહી છે અને સરકાર દેશભરમાં 2 લાખ નવી બહુહેતુક મંડળીઓનું નિર્માણ કરવાના લક્ષ્યાંક પર કામ કરી રહી છે. PMએ કહ્યું હતું કે, આ સાથે સહકારી મંડળીઓની તાકાત એ ગામડાં અને પંચાયતો સુધી પણ પહોંચી જશે, જ્યાં આ વ્યવસ્થા કાર્યરત નથી.

છેલ્લાં થોડાં વર્ષોમાં એફપીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાના સંદર્ભમાં PMએ જાણકારી આપી હતી કે, 10,000 નવા એફપીઓની રચના પર કામ ચાલી રહ્યું છે અને 5,000ની રચના થઈ ચૂકી છે. આ એફપીઓ નાના ખેડૂતોને મોટી શક્તિ આપવા જઈ રહ્યા છે. આ નાના ખેડૂતોને બજારમાં મોટું બળ બનાવવાનું સાધન છે. PMએ કહ્યું હતું કે, બીજથી લઈને બજાર સુધી, કેવી રીતે નાનો ખેડૂત દરેક વ્યવસ્થાને પોતાની તરફેણમાં ઊભી કરી શકે છે, કેવી રીતે તે બજારની શક્તિને પડકારી શકે છે, આ તેના માટેનું એક અભિયાન છે. PM મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, સરકારે પીએસી મારફતે પણ એફપીઓની રચના કરવાનો નિર્ણય લીધો છે, જે આ ક્ષેત્રમાં અમર્યાદિત સંભાવનાઓ ખોલે છે.

PMએ ખેડૂતોની આવક વધારવાનાં અન્ય પગલાંઓ જેવાં કે મધનું ઉત્પાદન, જૈવિક ખાદ્ય પદાર્થો, સોલર પેનલ્સ અને જમીનનાં પરીક્ષણ વિશે પણ વાત કરી હતી તથા સહકારી ક્ષેત્રમાંથી સાથસહકારની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. PMએ તાજેતરમાં જ રસાયણ મુક્ત ખેતીના સંદર્ભમાં પીએમ-પ્રણામ યોજનાનો ઉલ્લેખ કર્યો હતો, જેનો ઉદ્દેશ રાસાયણિક મુક્ત ખેતીનો પ્રચાર કરવાનો અને વૈકલ્પિક ખાતરોના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ માટે પણ સહકારી મંડળીઓના ટેકાની જરૂર પડશે. તેમણે સહકારી મંડળીને કૃષિમાં રસાયણોનો ઉપયોગ ન થાય તે માટે દરેક જિલ્લામાં 5 ગામોને દત્તક લેવા જણાવ્યું હતું.

PMએ ગોબરધન યોજના પર પ્રકાશ પાડ્યો હતો, જેમાં સમગ્ર દેશમાં 'કચરાથી કંચન'માં પરિવર્તિત કરવા માટે કામગીરી થઈ રહી છે. તેમણે માહિતી આપી હતી કે સરકાર પ્લાન્ટ્સનું એક વિશાળ નેટવર્ક તૈયાર કરી રહી છે જે ગાયનાં છાણ અને કચરાને વીજળી અને જૈવિક ખાતરોમાં ફેરવે છે. PMએ માહિતી આપી હતી કે, અત્યાર સુધીમાં ઘણી કંપનીઓએ દેશમાં 50થી વધારે બાયોગેસ પ્લાન્ટ્સનું નિર્માણ કર્યું છે તથા સહકારી મંડળીઓને આગળ આવવા અને ગોબરધન પ્લાન્ટ્સને ટેકો આપવા અપીલ કરી હતી. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, તેનાથી માત્ર પશુપાલકોને જ નહીં પરંતુ રસ્તાઓ પર ત્યજી દેવાયેલાં પ્રાણીઓને પણ ફાયદો થશે.

PMએ ડેરી અને પશુપાલનનાં ક્ષેત્રમાં હાથ ધરવામાં આવેલાં સંપૂર્ણ કાર્યો તરફ પણ ધ્યાન દોર્યું હતું. તેમણે નોંધ્યું હતું કે, મોટી સંખ્યામાં પશુપાલકો સહકારી ચળવળ સાથે સંકળાયેલા છે. ફૂટ એન્ડ માઉથ રોગોનું ઉદાહરણ ટાંકીને PMએ જણાવ્યું હતું કે, લાંબા સમયથી આ રોગ પ્રાણીઓ માટે મોટું સંકટનું કારણ રહ્યો છે, ત્યારે દર વર્ષે પશુપાલકોને પણ હજારો કરોડ રૂપિયાનું મોટું નુકસાન થાય છે. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે પ્રથમ વખત દેશભરમાં મફત રસીકરણ અભિયાન શરૂ કર્યું છે જ્યાં 24 કરોડ પ્રાણીઓને રસી આપવામાં આવી છે. તેમણે એમ પણ ધ્યાન દોર્યું હતું કે એફએમડીને હજી સુધી નાબૂદ કરવાનો બાકી છે. તેમણે સહકારી મંડળીઓને આ માટે આગળ આવવા વિનંતી કરી, પછી ભલે તે રસીકરણ અભિયાન હોય કે પ્રાણીઓને શોધવાન હોય. PM મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, પશુપાલકો જ ડેરી ક્ષેત્રમાં ભાગીદાર નથી, પણ આપણાં પ્રાણીઓ સમાન હિતધારક છે.

PMએ સહકારી મંડળીઓને સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલાં વિવિધ મિશનોને પૂર્ણ કરવામાં યોગદાન આપવા અપીલ કરી હતી. તેમણે અમૃત સરોવર, જળ સંરક્ષણ, પર ડ્રોપ મોર ક્રોપ, માઇક્રો ઇરિગેશન વગેરે જેવાં મિશનમાં જોડાવા જણાવ્યું હતું.

PMએ સ્ટોરેજના વિષય પર પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે સંગ્રહ સુવિધાઓના અભાવને કારણે ઘણા લાંબા સમયથી ખાદ્ય સુરક્ષા સામે મોટો પડકાર છે. તેમણે કહ્યું કે આપણે જે અનાજનું ઉત્પાદન કરીએ છીએ તેમાંથી ૫૦ ટકા કરતા પણ ઓછા અનાજનો સંગ્રહ કરી શકીએ છીએ. તેમણે માહિતી આપી હતી કે કેન્દ્ર સરકાર વિશ્વની સૌથી મોટી સ્ટોરેજ યોજના લઈને આવી છે અને છેલ્લા ઘણા દાયકાઓમાં કુલ 1400 લાખ ટનની સરખામણીએ આગામી પાંચ વર્ષમાં 700 લાખ ટન સ્ટોરેજ ક્ષમતા ઊભી કરવાની યોજના છે. તેમણે માહિતી આપી હતી કે, કૃષિ માળખાગત સુવિધા માટે એક લાખ કરોડ રૂપિયાનું ભંડોળ ઊભું કરવામાં આવ્યું છે અને છેલ્લાં ત્રણ વર્ષમાં તેમાં રૂ. 40,000 કરોડથી વધારેનું રોકાણ કરવામાં આવ્યું છે. આ રોકાણનો મોટો હિસ્સો પીએસીનો છે અને તેમણે જણાવ્યું હતું કે ફાર્મગેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનાં નિર્માણમાં સહકારી મંડળીઓ તરફથી વધુ પ્રયત્નોની જરૂર છે.

સંબોધનનાં સમાપનમાં PMએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, સહકારી મંડળીઓ નવા ભારતમાં દેશના આર્થિક સ્ત્રોતનું એક શક્તિશાળી માધ્યમ બની જશે. તેમણે સહકારી મૉડલને અનુસરીને આત્મનિર્ભર બને તેવાં ગામોનાં નિર્માણની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. તેમણે સહકારી મંડળીમાં સહકાર સુધારવાનું સૂચન પણ કર્યું હતું અને કહ્યું હતું કે સહકારી ક્ષેત્ર રાજકારણને બદલે સામાજિક નીતિ અને રાષ્ટ્રીય નીતિનું વાહક બનવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp