ડાંગરના રોગ તથા જીવાતોના નિયંત્રણ માટે ખેડૂતોએ શું ધ્યાન રાખવું

ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, ડાંગરના પાકમાં અવાર નવાર થતા રોગ-જીવાતોના સમયસર નિયંત્રણ હેતુસર જિલ્લા ખેતીવાડી શાખા,સુરત દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યુ છે. જે અનુસાર, ડાંગરના રોગોનું સંકલિત નિયંત્રણ કરવા ડાંગરના પાનનો સુકારો રોગના નિયંત્રણ માટે ધરૂ નાખતાં પહેલા 25 કિલો બીજ માટે 24 લીટર પાણીમાં 6 ગ્રામ સ્ટ્રેપ્ટોસાયક્લીન વાળા દ્રાવણમાં 8 થી 10 કલાક બોળીને છાંયે સુકવી કોરા કરીને વાવેતર માટે ઉપયોગ કરવો, ડાંગરમાં કરમોડીનો રોગ દેખાય કે તરત જ ઉપદ્રવિત છોડને ઉખેડી નાશ કરવો, નાઇટ્રોજન ખાતરનો આપવાનો થતો હપ્તો અટકાવવો અને સુડૉમોનાસ ફ્લુરોસંસ 6 મી.લી પ્રતિ 1 લિટરનો એક છંટકાવ છંટકાવ રોગની શરૂઆત થાય ત્યારે અને બીજો છંટકાવ કંટી નિકળવાના સમયે કરવો, ડાંગરમાં ઝાળ(સુકારા)નો રોગ દેખાય તો તાત્કાલિક રોગિષ્ટ છોડને ઉખેડી નાશ કરવો, નાઈટ્રોજન ખાતરનો ઉપયોગ બંધ કરવો અને 20 લીટર પાણીમાં 0.5 ગ્રામ સ્ટ્રેપ્ટોસાયક્લીન +10 ગ્રામ કોપર ઓક્સિકલોરાઈડ દવાના 10 થી 12 દિવસના અંતરે બે છંટકાવ કરવા, ઝાંખા દાણા/ભુખરી કંટીના રોગના નિયંત્રણ માટે કંટી નીકળવાની અવસ્થાથી શરૂ કરી 10 દિવસનાં અંતરે પ્રોપીકોનાઝોલ 25 ટકા ઈ.સી. દવા 10 મી.લી. અથવા ટ્રાયફલોકસીસ્ટ્રોબીન 25 +ટેબુકોનાઝોલ 50 (75 વેટેબલ ગ્રેન્યુલ્સ) 4 ગ્રામ પ્રતિ 10 લીટર પાણીમાં મિશ્રણનો છંટકાવ કરવો, જે વિસ્તારમાં દર વર્ષે ગલત અંગારિયો રોગ આવતો હોય તે વિસ્તારમાં ધ્વજ પર્ણદંડ અવસ્થાએ ટ્રાયફલોકસીસ્ટ્રોબીન 25 + ટેબુકોનાઝોલ 50 (75 વેટેબલ ગ્રેનુય્લસ) 4 ગ્રામ પ્રતિ 10 લિટર અથવા પ્રોપીકોનાઝોલ 25 ઈસી, 10 મી.લી. પ્રતિ 10 લિટર પાણીમાં મિશ્રણનો છંટકાવ કરવો અને ત્યારબાદ બીજો છંટકાવ દૂધિયા દાણા અવસ્થાએ કરવા જણાવવામાં આવ્યુ છે.
એ જ રીતે ડાંગરમાં થતી જીવાતોનાં સંકલિત નિયંત્રણ માટે વાવણી સમયે ગાભમારાની ઈયળનો ઉપદ્રવ મહદઅંશે ઓછો જોવા મળે તેવી ડાંગરની વિવિધ જાતો જેવી કે, નર્મદા, જી. આર. 102, આઇ. આર. 22, આઈ. આર. 66, ગુર્જરી, સી. આર. 138-928, જી. આર. 12 તથા મહીસાગરની પસંદગી કરવી, ડાંગરની રોપણી વહેલી (જુલાઇના પ્રથમ પખવાડિયામાં) કરવી, ડાંગરની ચૂસીયાં (બદામી ચૂસીયાં અને સફેદ પીઠવાળા ચૂસીયાં) પ્રતિકારક જાતોનું વાવેતર કરવુ, શક્ય હોય ત્યાં જુલાઇના પ્રથમ પખવાડીયામાં ફેરરોપણી કરવાથી ડાંગરનાં પાકમાં બદામી ચૂસીયાં અને સફેદ પીઠવાળા ચૂસીયાંનો ઉપદ્રવ ઘટાડી શકાય છે, ગાભમારાની ઈયળના નિયંત્રણ માટે ધરૂવાડિયામાં બીજ નાંખ્યા બાદ 15 દિવસે 10 ગુંઠા વિસ્તારમાં 1 કિ.ગ્રા. કારટેપહાઈડ્રોક્લોરાઈડ 4 ટકા દાણાદાર દવા રેતી સાથે મિશ્ર કરી(10 મીટર ×1 મીટર માં 100 ગ્રામ દવા)નાં પ્રમાણમાં આપવી તેમજ ડાંગરની ફેરરોપણી કરતા પહેલા પાનની ટોચ તોડવાથી ટોચના ભાગમાં મુકાયેલ ડાંગરના ગાભમારાના ઇયળના ઇંડાના સમુહનો નાશ કરી શકાય છે.
વાવણી બાદ ધ્યાનમાં રાખવાની બાબતોમાં, કાર્ટેપહાઇડ્રોકલોરાઇડ 4 જીઆર (8 કિ.ગ્રા./એકર) અથવા કાર્બોફયુરાન 3 સીજી (10 કિ.ગ્રા./એકર) અથવા થાયાસાયકલેમ હાઈડ્રોજન ઓક્ઝેલેટ 4 જી (8 કિ.ગ્રા./એકર) અથવા ઇમિડાક્લોપ્રીડ 0.3 જીઆર (6 કિ.ગ્રા./એકર) અથવા ફીપ્રોનીલ 0.3 જીઆર (10 કિ.ગ્રા./એકર) અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ 0.4 જીઆર (4 કિ.ગ્રા./એકર) અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ 0.5% + થાયામેથોક્ઝામ 1% જીઆર (2.5 કિ.ગ્રા./એકર) પ્રતિ એકર પ્રમાણે ખેતરમાં પાણી ઓછુ કર્યા બાદ બે વખત(પ્રથમ માવજત જીવાતનો ઉપદ્રવ શરૂ થાય ત્યારે અથવા ફેરરોપણી પછી 30-35 દિવસે અને બીજી માવજત ત્યારબાદ 15-20 દિવસે) આપવાથી ઉપદ્રવ કાબુમાં રહે છે. આ સિવાય પ્રકાશપીંજર અને નર ફૂદાંને આકર્ષતા ફેરોમોન ટ્રેપ ગોઠવવા, ક્ષમ્યમાત્રાને અનુસરી ફ્લ્યુબેન્ડીયામાઇડ 480 એસસી 3 મિ.લી.અથવા ઈન્ડોક્ઝાકાર્બ 15.8 ઈસી 10 મિ.લી. અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ 18.5 એસસી 3 મિ.લી. અથવા ક્લોરપાયરીફોસ 20 ઈસી 20 મિ.લી. અથવા ફીપ્રોનીલ 5 એસસી 20 મિ.લી. અથવા ક્વિનાલફોસ 25 ઈસી 20 મિ.લી. અથવા ક્લોરપાયરીફોસ 50% + સાયપરમેથ્રીન 5% ઈસી 10 મિ.લી.પૈકી ગમે તે એક કીટનાશક 10 લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરતાં અસરકારક નિયંત્રણ મળે છે. તેમજ ડાંગરની પાન વાળનારી ઇયળના સમયસર નિયંત્રણ માટે ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ 0.4 જીઆર (4 કિ.ગ્રા./એકર) ખેતરમાં આપવું અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ 18.5 એસસી 3 મિ.લી.10 લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો., નાઇટ્રોજનયુકત રસાયણિક ખાતરોનો ભલામણ મુજબ જ ઉપયોગ કરવાથી ચુસિયાં જીવાતોનો ઉપદ્રવ ઘટે છે. અને ચૂસીયાંનો ઉપદ્રવ જોતા જ ક્યારીમાંથી પાણી નિતારી નાખવું. ડાંગરના ગાભમારાની ઇયળ માટે ભલામણ કરેલ કોઇપણ એક કીટનાશકનો ઉપયોગ કરવાથી ચૂસીયાનું પણ નિયંત્રણ થાય છે. જો ચુસિયાં જીવાતોનો ઉપદ્રવ એકાએક વધી ગયેલો જણાય તો ક્લોથીયાનીડીન 50 ડબલ્યુજી 5 ગ્રામ અથવા ફ્લોનીકામાઈડ 50 ડબલ્યુજી 3 ગ્રામ અથવા ઈથીપ્રોલ 40% + ઈમીડાક્લોપ્રીડ 40 ડબલ્યુજી 3 ગ્રામ અથવા ડાઈનોટેફ્યુરાન 20 એસજી 3 ગ્રામ 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો તેમજ ફેરરોપણી પછી 40 દિવસ બાદ ચુસિયાં પ્રકારની જીવાત માટે ઈમીડાકલોપ્રિડ 17.8 એસ.એલ. 3 મી.લી. અથવા ફેન્બ્યુકાર્બ 50 વે.પા. 20 ગ્રામ દવા 10 લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp