રાજ્યના ખેડૂતને ગુણવત્તા યુક્ત ખેત સામગ્રી મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ: મંત્રી

PC: khabarchhe.com

રાજ્યના ખેડૂતોને ગુણવત્તા યુક્ત ખેત સામગ્રી મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે તેમ જણાવતાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે, બિયારણ, ખાતર તથા જંતુનાશક દવામાં ભેળસેળ કરનારાઓ સામે રાજ્ય સરકારે લાલ આંખ કરી છે અને ખેતીવાડી ખાતા દ્વારા ઉત્પાદકો તથા વિક્રેતાઓને ત્યાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

તેમણે ઉમેર્યુ કે, રાજ્યમાં બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓ ઉત્પાદન કરતા એકમો અને વિક્રેતાઓ દ્વારા ખેડૂતોને યોગ્ય ગુણવત્તા યુક્ત ખેત સામગ્રી પૂરી પાડવામાં આવે તથા લે ભાગુ તત્વો દ્વારા ખેડૂતોને અનઅધિકૃત કે હલકી ગુણવત્તાવાળી ખેત સામગ્રીનું વેચાણ કરવામાં ન આવે તેની તકેદારી રાખવી એ ગુણવત્તા નિયંત્રણ તંત્રની પ્રાથમિક જવાબદારી છે.

તેમણે વધુમાં ઉમેર્યુ કે તા.30 અને 31 મે-2023 દરમિયાન ખેતીવાડી ખાતા દ્વારા રાજ્ય કક્ષાએથી ખાસ 33 સ્કોર્ડની રચના કરી 102 બિયારણ, ખાતર તથા જંતુનાશક દવા ઉત્પાદન કરતા એકમો અને 2,394 વિક્રેતાઓને ત્યાં ગુણવત્તા નિયંત્રણ સબંધિત તમામ બાબતોની ખાસ ચકાસણી કરવામાં આવી હતી. આ ચકાસણી દરમિયાન વિવિધ 549 નમૂનાઓ લેવામાં આવ્યા હતા. તેમજ 621 જેટલા ઉત્પાદકો/ વિક્રેતાઓને નોટીસ આપી અંદાજીત 836 લાખની વેચાણ કિંમતનો ખાતરનો 1,185 મે.ટન, જંતુનાશક દવાનો 10,417 કિગ્રા/લિટર તથા બિયારણનો 2,68,797 કિગ્રા જથ્થો અટકાવવામાં આવ્યો હતો. આ ડ્રાઈવ દરમિયાન સબસીડાઇઝ ખાતરના અનઅધિકૃત ઉપયોગ અટકાવવા ઔદ્યોગિક એકમોની પણ ચકાસણી હાથ ધરવામાં આવી. તદુપરાંત રાસાયણિક ખાતરના વિક્રેતાઓ પાસે ઉપલબ્ધ ખાતરનો સ્ટોક તથા પી.ઓ.એસ મશીનમાં ઉપલબ્ધ સ્ટોકનું વેરિફિકેશન હાથ ધરવામાં આવ્યું અને જ્યાં વિસંગતતા જણાયેલ તેઓને નોટિસ આપવામાં આવી.

તેમણે વધુમાં ઉમેર્યુ કે, રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ગુણવત્તા યુક્ત બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓ મળી રહે તે માટે ખેડૂત સમાજ અને કૃષિના હિતમાં કોઈ બાંધછોડ ન કરવા અને કડક કાર્યવાહી કરવા કટીબદ્ધ છે. વધુમાં, અનઅધિકૃત પ્રકારનાં બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓનું ઉત્પાદન, પ્રોસેસીંગ, પેકીંગ તથા વેચાણ કરવામાં આવતું હોવાની બાબત જો ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત એગ્રીકલ્ચર ઇન્સ્પેક્ટર અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)ને તુરંત જાણ કરવા રાજ્યનાં ખેડૂતોને નમ્ર અપીલ પણ તેમના દ્વારા કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp