વિશ્વમાં સુરતના ઝીંગાની સૌથી વધુ માગ, 40000 કરોડ ટર્નઓવરઃ પરષોત્તમ રૂપાલા
PM નરેન્દ્ર મોદીએ વર્ષ 2027 સુધીમાં ભારતને 5 ટ્રિલિયન યુએસ ડોલરની ઈકોનોમી બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે, જેના માટે ઉદ્યોગકારોને 1 ટ્રિલિયન યુએસ ડોલરનો એક્ષ્પોર્ટનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે, જેથી ગુજરાત રિજીયનમાંથી ઉદ્યોગકારોનું એક્ષ્પોર્ટમાં યોગદાન વધે તે માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા SGCCI ગ્લોબલ કનેકટ મિશન 84 પ્રોજેકટ હાથ ધરાયો છે, ત્યારે આજે SGCCIના 84મા સ્થાપના દિને ભારતના કેન્દ્રીય પશુપાલન, મત્સ્ય અને ડેરી વિભાગના મંત્રી પરષોત્તમ રૂપાલાના હસ્તે મિશન 84 અંતર્ગત ઓનલાઈન ઈન્ટરનેશનલ પ્લેટફોર્મનું લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. આ વેળાએ મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી ઉદ્યોગ તથા ટેક્ષ્ટાઈલ, ડાયમંડ જેવા અન્ય ઉદ્યોગો સાથે સંકળાયેલા ઉદ્યોગકારોએ નિકાસ વધારવા તેમજ નવા ઉદ્યોગ સાહસિકોએ એક્ષ્પોર્ટ શરૂ કરવા માટે સંકલ્પ ગ્રહણ કર્યા હતા.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યુ હતું કે, ભારત વિશ્વના 30 દેશોમાં ઘઉં નિકાસ કરે છે. દૂધ ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે છે. ભારતમાં નેનો યુરિયાનું ઉત્પાદન એકમાત્ર ગુજરાતના કલોલમાં થઈ રહ્યું છે, જે આપણા રાજ્ય માટે ગર્વની ઘટના છે.
તેમણે વિશ્વમાં સુરતના ઝીંગાની સૌથી વધુ માંગ હોવાથી સુરત જિલ્લાનો ઝીંગા ઉછેર ઉદ્યોગ વિશ્વ સ્તરે છવાયો છે એમ જણાવી વર્ષ 2014માં 14 હજાર કરોડનું ટર્ન ઓવર ધરાવતો દેશનો ઝીંગા ઉદ્યોગ આજે 40 હજાર કરોડે પહોંચ્યો છે. સુરત હીરા, કાપડ સહિત અનેક ક્ષેત્રોમાં અગ્રેસર છે એમ ઉમેર્યું હતું. સુરતના ઈમ્પોર્ટ એક્સપોર્ટ કરતી દેશની ખ્યાતનામ એજન્સીઓ સાથે ચેમ્બરની નિયમિત મુલાકાતો અને બેઠકો યોજાય એ માટે સુયોગ્ય મિકેનિઝમ ઉભું કરવા સરકાર સહકાર આપશે એવી ખાતરી આપી હતી.
કેન્દ્ર સરકાર ગરીબ, મધ્યમવર્ગીય નાગરિકો માટે સંવેદનશીલ છે, સાથોસાથ ઈન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડલી હોવાનું જણાવી કેન્દ્રીય મંત્રીએ સરકારના અનેકવિધ પગલાઓ અને યોજનાની વિસ્તૃત ચર્ચા કરી હતી. ભારતની અર્થ વ્યવસ્થાને વધુ મજબુત બનાવવા 84,000 કરોડનું એક્ષ્પોર્ટ દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના નેજા હેઠળ સંકલ્પબદ્ધ થનાર ઉદ્યોગકારોને તેમણે અભિનંદન આપી પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, ભારતને 5 ટ્રિલિયન યુએસ ડોલરની ઈકોનોમી બનાવવાના PMના લક્ષ્યને સાકાર કરવાના હેતુથી ગુજરાત રિજીયનમાંથી ઉદ્યોગકારોનું એક્ષ્પોર્ટમાં યોગદાન વધે તે માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા 'SGCCI ગ્લોબલ કનેક્ટ મિશન 84' અંતર્ગત વિવિધ પ્રયાસો કરાઈ રહ્યા છે.
રમેશ વઘાસિયાએ ભારતની આર્થિક ક્ષમતાઓ, ઔદ્યોગિક મજબૂતી અને ઔદ્યોગિક વિકાસ અંગે રસપ્રદ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના વ્યાપાર-ઉદ્યોગના વિકાસ માટે સતત પ્રયત્નશીલ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના 12 હજાર જેટલા સભ્યો બની ચૂક્યા છે. 21 ઓકટો.-2023ના રોજ ચેમ્બરનો 84મો સ્થાપના દિન છે. ચેમ્બર ઓફ કોમર્સ 84મા વર્ષમાં મંગળ પ્રવેશ કરશે, આથી ચેમ્બર ઓફ કોમર્સ દેશની અર્થવ્યવસ્થાને વધુ મજબુત કરવાના હેતુથી મિશન 84 પ્રોજેકટ હેઠળ ઉદ્યોગકારો માટે ઓનલાઈન ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ બનાવાયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp