2020 સુધીમાં સચિવાલય ‘ખાલીખમ’, 78000 કર્મચારી નિવૃત્ત

PC: hcp.co.in

ગુજરાત સરકારના વહીવટી તંત્રમાં શિથિલતા આવી છે ત્યારે એવું લાગી રહ્યું છે કે સચિવાલયમાં સિનિયર ઓફિસરોની કમી વર્તાઇ રહી છે. એક સમય હતો જ્યારે સચિવાલય સિનિયર ઓફિસરોથી હર્યુભર્યું રહેતું હતું. લોકોના કામો ઝડપથી થતાં હતા. સરકારી યોજનાઓનું સમયસર અમલીકરણ થતું હતું, આજે સ્થિતિ અલગ છે. આજે લોકોના કામોમાં વિલંબ થઇ રહ્યો છે. સરકારી પ્રોજેક્ટના કામો મંદ ગતિએ ચાલે છે. વહીવટમાં ફાઇલની મુવમેન્ટ ધીમી પડી છે.

આમ થવાનું કારણ મુખ્યમંત્રીની ઇચ્છાશક્તિ નથી તેવું નથી. મુખ્યમંત્રી અને તેમની કેબિનેટ તો કામ કરે છે પરંતુ વહીવટી તંત્રમાં સિનિયર ઓફિસરોની ગેરહાજરી સાલે છે. સરકારમાં ઉત્તમ વહીવટ આપવો હોય તો સરકારી નોકરીઓમાં ખાલી જગ્યાઓ ભરવી પડે છે. પ્રમોશનથી ખાલી પડેલી જગ્યાઓ કરતાં હવે નિવૃત્તિના કારણે ખાલી પડતી જગ્યાઓની સંખ્યા 400 ટકા થઇ છે. એટલે કે સચિવાલય એ મુકામ પર આવીને ઉભું છે કે જ્યાં નિવૃતિકાળ શરૂ થયો છે.

આ નિવૃત્તિ કાળ 2010 પછી શરૂ થયો છે. પ્રતિવર્ષ એવરેજ 17000 કર્મચારીઓ નિવૃત્ત થાય છે. છેલ્લા છ વર્ષમાં 50 સનદી અધિકારીઓ નિવૃત્ત થયાં છે. સરકારી કર્મચારીઓની સંખ્યા તો એક લાખે પહોંચી છે. એક તબક્કો હતો જ્યારે સરકારી નોકરી માટે સામેથી કોલ લેટર ઘરે આવતા હતા. સરકારી નોકરી જોઇન્ટ કરો અને જીંદગી બનાવો.. એ સરકારનું સૂત્ર હતું, પરિણામે લાખો યુવાનો જે તે સમયે નોકરીમાં જોડાયા હતા. છેલ્લા પાંચ વર્ષથી આ યુવાનો નોકરીમાંથી નિવૃત્ત થઇ રહ્યાં છે જેની સંખ્યા હજારોમાં છે.

માર્ચ-2016ના અંતે છેલ્લા એક વર્ષમાં સરકારી નોકરીમાંથી 18872 કર્મચારીઓ નિવૃત્ત થઇ ચૂક્યાં છે. 2016-17માં બીજા 18612 કર્મચારીઓ નિવૃત્ત થયાં છે. આટલી મોટી સંખ્યામાં નિવૃત્તિ પાંચ વર્ષ પહેલાં ક્યારેય જોવા મળી નથી. આવનારા ચાર વર્ષમાં (2017 થી 2020) સરકારી નોકરીમાં કુલ 78074 જગ્યાઓ ખાલી પડવાની છે. આટલી મોટી સંખ્યામાં સરકારી નોકરી ખાલી પડી હોય તેવી ઘટનાઓ હાલના વર્ષોમાં જોવા મળે છે.

સરકારમાં એક પરંપરા રહી છે કે ખાલી પડેલી જગ્યા પ્રમોશનથી ભરવામાં આવે છે અથવા તો કોન્ટ્રાક્ટ બેઝ પર ભરતી કરવામાં આવે છે. એ ઉપરાંત સરકારમાં પ્રતિનિયુક્તિની પદ્ધતિ પણ રહી છે. જેટલી સંખ્યામાં કર્મચારીઓ નિવૃત્ત થાય છે તેટલી સંખ્યામાં નવી ભરતી થતી નથી. આપણી સરકારી ભરતી કરનારા બોર્ડને વિભાગોની યાદી પણ સમયસર મળતી નથી. તાજેતરમાં જ સરકારે ફરી એકવાર પરિપત્ર કર્યો છે કે સચિવાલયના વિભાગો તેમજ જિલ્લાની સરકારી કચેરીઓના વડા તરફથી વિભાગમાં ખાલી પડેલી જગ્યાની વિગતો આપવી, એટલું જ નહીં, આવનારા પાંચ વર્ષમાં કેટલા કર્મચારીઓ નિવૃત્ત થાય છે તેની વિગતો પણ આપવાની રહેશે.

સરકાર એવો દાવો કરે છે કે છેલ્લા બે વર્ષમાં અમે 60 હજાર કર્મચારીઓની સરકારી નોકરીમાં ભરતી કરી છે પરંતુ આટલી મોટી સંખ્યામાં ભરતી છતાં વિભાગોમાં ખાલી જગ્યાઓનું પ્રમાણ એટલું જ છે અને પ્રતિ વર્ષ વધતું જાય છે. સરકારમાં હવે મોટાભાગના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ છે અને તેમની પાસે નોકરીનો અનુભવ નથી તેથી સરકારી ફાઇલોમાં ઝડપ આવી શકતી નથી.

ફાઇલમાં નોટીંગ શું કરવું તેની સમજ પડતી નથી, તેથી સરકાર વિભાગોમાં મહત્વના અધિકારીઓને વય નિવૃત્તિ પછી ફીક્સ પગારે પુનનિયુક્તિ પર રાખે છે. એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે ‘ગુજરાતમાં સરકારે ગુડ ગવર્નન્સ આપવું હોય તો ખાલી જગ્યાઓ ભરીને સિનિયર અધિકારીઓ નિવૃત્ત થાય તે પહેલાં સેકન્ડ કેડર ઉભી કરાવવી જોઇએ. હાલ સ્થિતિ એવી છે કે ગુજરાત સરકાર પાસે બીલ કે કાયદો બનાવી શકે તેવા લિગલ ઓફિસરોની સૌથી મોટી અછત છે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp