શનિવારથી SGCCIના એક સાથે 3 એક્ઝિબિશન, ફૂડ,હેલ્થ એન્ડ વેલનેસ’અને ગ્લોબલ વિલેજ

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આગામી તા. રપ થી ર૭ જાન્યુઆરી દરમિયાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘ફૂડ એન્ડ બેવરેજીસ’, ‘હેલ્થ એન્ડ વેલનેસ’ અને ‘SGCCI ગ્લોબલ વિલેજ’ એકઝીબીશનનું સંયુકત આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનનો સમય સવારે ૧૦:૦૦ થી સાંજે ૭:૦૦ કલાક સુધીનો રહેશે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વિજય મેવાવાલાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે,સુરત સહિત દક્ષિણ ગુજરાતનો બેલ્ટ કૃષિ ઉદ્યોગ માટે હબ છે ત્યારે આવનારા સમયમાં ઉદ્યોગ સાહસિકો તેમજ નવા એગ્રો ગ્રેજ્યુએટ્સ કૃષિ ઉદ્યોગમાં પોતાનું યોગદાન આપી શકે તે હેતુથી પણ આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એકઝીબીશનમાં ૧૪૦ જેટલા એકઝીબીટર્સે ભાગ લીધો છે. જેમાં ફુડ પ્રોસેસિંગ ક્ષેત્રે ફુડ પ્રોસેસિંગ ઇકવીપમેન્ટ્સ એન્ડ મશીનરી, પેકેજિંગ મશીનરી એન્ડ મટિરિયલ્સ, કોલ્ડ ચેઇન ઇકવીપમેન્ટ એન્ડ રેફ્રીજરેશન એપ્લાયન્સિસ, વેર હાઉસિંગ એન્ડ કાર્ગો હેન્ડલીંગ, ફુડ ટેસ્ટીંગ લેબોરેટરીઝ, ઇન્સ્યુરન્સ એજન્સીઝ, ફાયનાન્શિયલ સોલ્યુશન્સ, ડ્રાયડ, ફ્રોઝન ફુડ, બેકરી એન્ડ ગ્રોસરીઝ, બેવરેજ, ફુડ પાર્કસ અને કન્ઝયુમર પેકેજડ ગુડ્સનું પ્રદર્શન કરવામાં આવશે.
ચેમ્બર પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ‘ફૂડ એન્ડ બેવરેજીસ’ એક્ષ્પોનો ઉદ્ઘાટન સમારોહ તા. રપ જાન્યુઆરી, ર૦રપના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સેમિનાર હોલ–એ, SIECC કેમ્પસ, સરસાણા, સુરત ખાતે યોજાશે, જેમાં એકઝીબીશનના ઉદ્ઘાટક તરીકે લોકસભાના દંડક તેમજ વલસાડના સંસદ સભ્ય ધવલભાઇ પટેલ ઉપસ્થિત રહેશે અને તેમના વરદ્ હસ્તે એકઝીબીશનનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ પ્રસંગે આણંદના સંસદ સભ્ય મિતેષભાઇ પટેલ મુખ્ય મહેમાન તરીકે સ્થાન શોભાવશે.
આ વર્ષે પ્રથમ વખત ગ્લોબલ એક્ષ્ચેન્જ એન્ડ ટ્રેડ માટે ‘SGCCI ગ્લોબલ વિલેજ’ એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત અને વિશ્વના અન્ય દેશો વચ્ચે સાંસ્કૃતિક, શૈક્ષણિક અને વ્યવસાયિક જોડાણો સરળતાથી થઇ શકે તે માટે આ એકઝીબીશન યોજાઇ રહયું છે. આ એકઝીબીશનમાં ભારત ઉપરાંત રશિયા, શ્રીલંકા અને અફઘાનિસ્તાનના પેવેલીયન મૂકવામાં આવશે. આ દેશો પોતાની સાંસ્કૃતિક વિવિધતાને પ્રકાશિત કરશે. સાથે જ તેમની શૈક્ષણિક તકો તથા સંભવિત વેપાર ભાગીદારીનું પ્રદર્શન કરશે. સુરતના ઉદ્યોગકારો અને વેપારીઓ આ એકઝીબીશન થકી વિવિધ દેશોના આંતરરાષ્ટ્રીય બજારો સાથે જોડાઇને બિઝનેસના વિકાસ માટે નવા વિકલ્પો શોધી શકશે.
‘SGCCI ગ્લોબલ વિલેજ’ એક્ષ્પોમાં ભુતાન, સેશલ્સ, ઇરાન, રશિયા, શ્રીલંકા, અફઘાનિસ્તાન, સાઉદી અરેબિયા, માલાવી, થાઇલેન્ડ, યુ.એસ.એ., ઓસ્ટ્રેલિયા અને તાન્ઝાનિયા જેવા દેશોમાંથી વિઝીટર્સ મુલાકાત માટે આવશે.
આ એક્ષ્પોનો ઉદ્ઘાટન સમારોહ તા. રપ જાન્યુઆરી, ર૦રપના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સેમિનાર હોલ–એ, SIECC કેમ્પસ, સરસાણા, સુરત ખાતે યોજાશે, જેમાં એકઝીબીશનના ઉદ્ઘાટક તરીકે ભારતના પૂર્વ ઉડ્ડયન મંત્રી સુરેશભાઇ પ્રભુ ઉપસ્થિત રહેશે અને તેમના વરદ્ હસ્તે એકઝીબીશનનું ઉદ્ઘાટન કરવામાં આવશે.કઝાકિસ્તાનના ભારત સ્થિત ઓનરરી કાઉન્સીલ જનરલ તેમજ વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ચેરમેન વિજય કમાન્ત્રી અને સેશલ્સના ભારત સ્થિત હાઇ કમિશ્નર મીસ અકાઉચે હરીસોઆ લલાથીના અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે.
‘હેલ્થ એન્ડ વેલનેસ એક્ષ્પો– ર૦રપ’નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આરોગ્ય ક્ષેત્રે સુરતમાં કાર્યરત જુદી–જુદી હોસ્પિટલો, આંતરરાષ્ટ્રીય કક્ષાની તબીબી સુવિધા આપતી હોસ્પિટલો, આયુર્વેદિક હોસ્પિટલો, હેલ્થ ઇન્ડસ્ટ્રી, મેડીકલ પ્રોડકટ, સોફટવેર, લેબોરેટરી તેમજ મેડીકલ ઇકવીપમેન્ટનું ઉત્પાદન કરતા ઉત્પાદકો તેમજ તે અંગેની સર્વિસ આપતી કંપનીઓ મળી ૬૦ જેટલા એકઝીબીટર્સ દ્વારા આ પ્રદર્શનમાં ભાગ લેવામાં આવ્યો છે.
‘હેલ્થ એન્ડ વેલનેસ એક્ષ્પોના આયોજન પાછળનો મુખ્ય હેતુ એ છે કે, હેલ્થ ઇન્ડસ્ટ્રીઝમાં ઝંપલાવી રહેલા યુવા ઉદ્યોગ સાહસિકો અને સ્ટાર્ટ–અપ, કેન્દ્ર તથા રાજ્ય સરકારની આરોગ્ય સબંધિત જુદી–જુદી યોજનાઓથી વાકેફ થઇ શકે અને તેનો લાભ લઇ પોતાના ઉદ્યોગોનો ઝડપી વિકાસ સાધી શકે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ એક્ષ્પો થકી દક્ષિણ ગુજરાતમાં હેલ્થ ઇન્ડસ્ટ્રીમાં એક પ્રકારનું હેલ્ધી વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
ચેમ્બર પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, હેલ્થ એન્ડ વેલનેસ એકઝીબીશનનો ઉદ્ઘાટન સમારોહ તા. રપ જાન્યુઆરી, ર૦રપના રોજ સાંજે ૬:૦૦ કલાકે સેમિનાર હોલ–એ, SIECC કેમ્પસ, સરસાણા, સુરત ખાતે યોજાશે, જેમાં મુખ્ય મહેમાન તરીકે ભારતના કેન્દ્રિય જલશકિત મંત્રી સી.આર. પાટીલ ઉપસ્થિત રહેશે. સુરતના મેયર દક્ષેશ માવાણી, ઇન્ડિયન મેડીકલ એસોસીએશન (ગુજરાત સ્ટેટ બ્રાન્ચ)ના પ્રમુખ ડો. મેહુલ શાહ અને સુરતના કલેકટર તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટ ડો. સૌરભ પારધી (IAS) અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે. જ્યારે સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર (હેલ્થ એન્ડ હોસ્પિટલ) ડો. આશિષ નાયક અને સુરતના ચીફ ડિસ્ટ્રીકટ હેલ્થ ઓફિસર ડો. અનિલ પટેલ સ્પેશ્યલ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહેશે.
પત્રકાર પરિષદમાં ચેમ્બરના ઉપ પ્રમુખ નિખિલ મદ્રાસી, તત્કાલિન નિવૃત્ત પ્રમુખ રમેશ વઘાસિયા, માનદ્ મંત્રી નિરવ માંડલેવાલા, માનદ્ ખજાનચી મૃણાલ શુકલ, ઓલ એકઝીબીશન્સ ચેરમેન બિજલ જરીવાલા, ફૂડ એન્ડ બેવરેજીસ એકઝીબીશન– ર૦રપના ચેરમેન કે.બી. પિપલીયા, હેલ્થ એન્ડ વેલનેસ એક્ષ્પો– ર૦રપના ચેરપર્સન ડો. પારૂલ વડગામા ઉપસ્થિત રહયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp