- Gujarat
- સુરત મેટ્રો રેલ કોન્ટ્રાક્ટરની બેફામ દાદાગીરીથી ટ્રાફિક પોલીસ પણ ત્રાહિમામ
સુરત મેટ્રો રેલ કોન્ટ્રાક્ટરની બેફામ દાદાગીરીથી ટ્રાફિક પોલીસ પણ ત્રાહિમામ
6.jpg)
સુરત શહેર, જે આધુનિકતા અને વિકાસનું પ્રતીક બની રહ્યું છે, તે આજે મેટ્રો રેલ પ્રોજેક્ટના નામે એક અવ્યવસ્થિત યાતનામાંથી પસાર થઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ શહેરના ટ્રાફિકને હળવું કરવા અને પરિવહનને સુગમ બનાવવાના ઉદ્દેશ્ય સાથે શરૂ થયો હતો, પરંતુ હાલની સ્થિતિમાં તે નાગરિકો અને ટ્રાફિક પોલીસ બંને માટે માથાનો દુખાવો બની ગયો છે. મેટ્રો રેલના કોન્ટ્રાક્ટરોની બેફામ કામગીરી ધ્યાને આવી રહી છે જેમાં ટ્રાફિક નિયમોની અવગણના, ગમે ત્યારે બેરિકેટ્સ મૂકવા અને ખોદકામથી રસ્તાઓ બંધ કરવા એ બાબતોએ શહેરની ટ્રાફિક વ્યવસ્થાને ખોરવી નાખી છે. આવી સ્થિતિમાં એક ચિંતનનો પ્રશ્ન ઊભો થાય છે: આ બેફામ દાદાગીરી કોના આશીર્વાદથી ચાલી રહી છે, અને તેનો ઉકેલ કેવી રીતે શોધવો?
સુરતની ટ્રાફિક પોલીસ, જે શહેરના રસ્તાઓ પર નિયમન જાળવવાની જવાબદારી નિભાવે છે તે આ કોન્ટ્રાક્ટરોની સામે લાચાર દેખાઈ રહી છે. મેટ્રો રૂટ પરના માર્ગો પર કોન્ટ્રાક્ટરો દિવસ-રાત ગમે ત્યારે બેરિકેટ્સ લગાવી દે છે, ખોદકામ શરૂ કરી દે છે અને રસ્તાઓ બંધ કરી નાખે છે. આ બધું કરતી વખતે ન તો ટ્રાફિક નિયમોનું ધ્યાન રાખવામાં આવે છે, ન તો નાગરિકો માટે ડાયવર્ઝનની સૂચના આપવામાં આવે છે. જ્યારે ટ્રાફિક પોલીસ આ અંગે ફરિયાદ કરે છે અથવા નિયમનની વાત કરે છે, ત્યારે કોન્ટ્રાક્ટરો ઉપરી અધિકારીઓ, કહેવાતા મોટા રાજનેતા સાથે વાત કરીને મુદ્દાને ઠંડો પાડી દે છે. આવી સ્થિતિમાં પોલીસની સત્તા પણ પ્રશ્નાર્થ બની જાય છે. શું આ કોન્ટ્રાક્ટરોને એટલી છૂટ છે કે તેઓ પોલીસની સલાહને પણ નજરઅંદાજ કરી શકે?
સુરત મેટ્રો રેલના કોન્ટ્રાક્ટરની આ બેફામ કામગીરીનો સૌથી મોટો ભોગ બની રહ્યા છે સુરતના નાગરિકો. રસ્તો બંધ થયો હોય તો કયા માર્ગે જવું, ડાયવર્ઝન ક્યાંથી લેવું આની કોઈ સ્પષ્ટ સૂચના નથી. પરિણામે, લોકોને લાંબા રસ્તાઓ કાપવા પડે છે, ટ્રાફિકમાં ફસાવું પડે છે અને સમયનો બગાડ થાય છે. આ ઉપરાંત, ખોદકામથી ઊડતી ધૂળ હવાને પ્રદૂષિત કરી રહી છે, જેની અસર ખાસ કરીને બાળકો અને વૃદ્ધો પર પડે છે. આવી સ્થિતિમાં એક સવાલ ઊભો થાય છે: શું મેટ્રો રેલનો હેતુ નાગરિકોની સુવિધા વધારવાનો છે, કે તેમની મુશ્કેલીઓમાં વધારો કરવાનો?
આ કોન્ટ્રાક્ટરની દાદાગીરીનો આશ્રયદાતા કોણ?
આ બેફામ દાદાગીરી પાછળ કોઈકના આશીર્વાદ હોવા જોઈએ નહીંતર કોન્ટ્રાક્ટર આટલી હદે નિયમોની અવગણના કેવી રીતે કરી શકે? ટ્રાફિક પોલીસની વાત ન સાંભળવી અને નાગરિકોની સુવિધાને અવગણવી એ દર્શાવે છે કે કોન્ટ્રાક્ટરોને કોઈક સ્થાનીક રાજકારણીનું સંરક્ષણ મળી રહ્યું છે. આ સંરક્ષણ કોણ આપી રહ્યું છે, એ એક જટિલ પ્રશ્ન છે જેનો જવાબ સુરતના નાગરિકો અને ટ્રાફિક પોલીસ અને અમેય નથી જાણતા. શું આ માત્ર નબળી વહીવટી વ્યવસ્થાનું પરિણામ છે, કે પછી તેની પાછળ કોઈ રાજકીય કે આર્થિક હિતો સંકળાયેલા છે?

શહેરીજનોની સમસ્યાનો ઉકેલ લાવવા માટે સુરત ટ્રાફિક પોલીસ અને મેટ્રો રેલના કોન્ટ્રાક્ટર વચ્ચે સંકલન થવું અત્યંત જરૂરી છે. ટ્રાફિક પોલીસને અધિકાર આપવો જોઈએ કે તેઓ કોન્ટ્રાક્ટર પાસે નિયમોનું પાલન કરાવી શકે. ખોદકામ પહેલાં ડાયવર્ઝનની વ્યવસ્થા, બેરિકેટ્સ મૂકવાનું સમયપત્રક અને ધૂળ નિયંત્રણ માટે પગલાં જેવી બાબતો નક્કી કરવામાં પોલીસની સલાહ લેવી જોઈએ. સાથે જ નાગરિકોએ પણ પોતાનો અવાજ ઉઠાવવો જોઈએ નગરસેવકોને મળીને ફરિયાદ નોંધાવીને કે સોશિયલ મીડિયા દ્વારા દબાણ ઊભું કરવું જોઈએ.
આ સમસ્યા માત્ર પોલીસ કે સરકારની નથી, બલ્કે આપણા બધાની છે. નાગરિકો તરીકે આપણે ચૂપ ન રહેવું જોઈએ. આપણે આપણા હકનો ઉપયોગ કરીને આવા બેફામ કોન્ટ્રાક્ટરોની જવાબદારી નક્કી કરાવવી જોઈએ. જો આપણે આજે જાગીશું તો સુરતની ટ્રાફિક વ્યવસ્થા અને નાગરિકોની સુવિધા બંનેને બચાવી શકીશું. આ એક ચિંતનનો વિષય છે શું આપણે આવી દાદાગીરી સહન કરતા રહીશું કે પછી એકજુટ પ્રયાસોથી શહેરને સુગમ બનાવીશું?
(Team Khabarchhe.com)
About The Author
Related Posts
Top News
પાકિસ્તાની બૂમો પાડી રહ્યા હતા કે વિરાટ ક્યારે નિવૃત્તિ લે છે, કિંગએ એવું કહ્યું કે સન્નાટો પ્રસરી ગયો
UP સરકારના બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર, બોલી- જેમના ઘર તોડી પાડવામાં આવ્યા છે તેમને 10-10 લાખ આપો
ટ્રમ્પે 2 એપ્રિલને 'મુક્તિ દિવસ' જાહેર કર્યો, ભારત પર તેની અસર શું, ટેરિફથી કેટલું ટેન્શન વધશે?
Opinion
