દિલ્હી ચૂંટણી જીતવા AAPનો મેનિફેસ્ટો કેજરીવાલે જાહેર કરી 15 ગેરંટીઓ આપી

PC: jagran.com

દિલ્હીની સત્તાધારી આમ આદમી પાર્ટીએ વિધાનસભા ચૂંટણી માટે પોતાનો ઢંઢેરો બહાર પાડ્યો છે. આમ આદમી પાર્ટીના મેનિફેસ્ટોમાં દિલ્હીના લોકોને રોજગારનું વચન આપવામાં આવ્યું છે. પાર્ટીએ મહિલા સન્માન યોજના હેઠળ મહિલાઓને દર મહિને 2,100 રૂપિયા અને સંજીવની યોજના હેઠળ વૃદ્ધો માટે મફત સારવાર કરવાનું વચન આપ્યું છે.

આમ આદમી પાર્ટીનો મેનિફેસ્ટો બહાર પાડતી વખતે, CM પદના ઉમેદવાર અરવિંદ કેજરીવાલે ખોટા વીજળી બિલ માફ કરવાની પણ ખાતરી આપી છે. અરવિંદ કેજરીવાલે ડૉ. ભીમરાવ આંબેડકરના નામે શિષ્યવૃત્તિ યોજના શરૂ કરવાનું વચન આપ્યું અને કહ્યું હતું કે, દલિત બાળકો માટે વિદેશમાં અભ્યાસનો ખર્ચ દિલ્હી સરકાર ઉઠાવશે.

AAPના મેનિફેસ્ટોમાં આ ગેરંટી છે: રોજગારની ગેરંટી. મહિલા સન્માન યોજના-દરેક મહિલાના ખાતામાં 2100 રૂપિયા આપવામાં આવશે. સંજીવની યોજના-60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે મફત સારવાર. પાણીના ખોટા બીલ માફ કરવામાં આવશે. 24 કલાક પાણી પુરવઠો. યુરોપ જેવા રસ્તાઓ. અમે યમુના નદીનું પાણી સાફ કરીશું. ડૉ. આંબેડકર શિષ્યવૃત્તિ યોજના. વિદ્યાર્થીઓ માટે મફત બસ મુસાફરી, દિલ્હી મેટ્રો ભાડામાં છૂટ. પુજારી અને ગ્રંથીને દર મહિને 18,000 રૂપિયા મળશે. ભાડૂતોને મફત વીજળી અને પાણી. ગટર સમારકામનું કામ. રેશન કાર્ડ. ઓટો, ટેક્સી અને E-રિક્ષા ચાલકોને તેમની પુત્રીના લગ્ન માટે 1 લાખ રૂપિયા, બાળકોને મફત કોચિંગ અને જીવન વીમો અને આરોગ્ય વીમો મળશે. ખાનગી સુરક્ષા ગાર્ડ રાખવા માટે RWAને ભંડોળ.

મેનિફેસ્ટો બહાર પાડતી વખતે, અરવિંદ કેજરીવાલે એમ પણ કહ્યું કે, અમે 2020માં આપેલા ત્રણ વચનો પૂરા કરી શક્યા નથી. અમે કહ્યું હતું કે, અમે 24 કલાક સ્વચ્છ પીવાના પાણીની વ્યવસ્થા કરીશું, યમુનાને સાફ કરીશું અને દિલ્હીના રસ્તાઓને યુરોપિયન ધોરણના બનાવીશું. આનું કારણ આપતાં તેમણે કહ્યું કે, સરકાર ફેબ્રુઆરી 2020માં રચાઈ હતી અને કોરોના માર્ચમાં આવ્યું હતું. કોરોના અઢી વર્ષ સુધી ચાલ્યો અને તે પછી તેમણે (કેન્દ્ર સરકારે) અમારી સાથે નકલી જેલ-જેલની રમત રમી. કેજરીવાલે કહ્યું કે, ક્યારેક સત્યેન્દ્ર જૈન જેલમાં હોય છે, ક્યારેક મનીષ સિસોદિયા તો ક્યારેક સંજય સિંહ.

તેમણે એમ પણ કહ્યું કે મારી ટીમ વિખેરાઈ ગઈ હતી, પણ હવે અમે બધા જેલની બહાર આવી ગયા છીએ. આ ત્રણ બાબતો દરેક દિલ્હીવાસીનું સ્વપ્ન છે અને મારું પણ. અમે આગામી પાંચ વર્ષમાં આ ત્રણ કામ કરીશું. કેજરીવાલે દાવો કર્યો હતો કે, અમારી પાસે આ માટે સંપૂર્ણ યોજના અને પૈસા છે. તેમણે કહ્યું કે, ગટર ઓવરફ્લો એક રાજકીય ષડયંત્ર હતું અને દાવો કર્યો હતો કે, લોકોને અસુવિધા પહોંચાડવા અને તેમને કેજરીવાલથી ગુસ્સે કરવા માટે આવું કરવામાં આવ્યું હતું. ઘણી જગ્યાએ, સિમેન્ટની થેલીઓ અને પથ્થરો ગટરમાં ફેંકવામાં આવ્યા હતા. 15 દિવસમાં ગટરનું સમારકામ કરવામાં આવશે અને દોઢ મહિનામાં જૂની લાઇનો બદલવાનું શરુ કરવામાં આવશે.

આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના CM પદના ઉમેદવાર અરવિંદ કેજરીવાલે 15 ગેરંટીઓની યાદી જાહેર કરતી વખતે જાહેરાત કરી હતી કે, અગાઉની છ મફત સુવિધાઓ ચાલુ રહેશે. તેમણે કહ્યું કે, મફત વીજળી, મફત પાણી, સારું અને મફત શિક્ષણ ચાલુ રહેશે. વૃદ્ધો માટે મફત યાત્રા, મહિલાઓ માટે મફત બસ મુસાફરી ચાલુ રહેશે. હોસ્પિટલો અને મોહલ્લા ક્લિનિક્સના નેટવર્કનો વિસ્તાર કરવામાં આવશે અને ત્યાં બધા માટે મફત સારવાર ચાલુ રહેશે. અરવિંદ કેજરીવાલે એમ પણ કહ્યું કે, BJPના નેતાઓ અને પ્રવક્તાઓએ છેલ્લા કેટલાક દિવસોમાં સમયાંતરે પોતાના નિવેદનો દ્વારા સ્પષ્ટ કર્યું છે કે, જો તેમની સરકાર સત્તામાં આવશે તો આ બધી યોજનાઓ બંધ કરી દેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp