સંજુ સેમસનના પિતા ચોધાર આંસુએ કેમ રડી પડ્યા, બોલ્યા-મારો છોકરો અહીં સુરક્ષિત નથી

ભારતીય ટીમના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસન આ દિવસોમાં સમાચારમાં છે. તેનું કારણ એ છે કે તેને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો નથી. ઉપરાંત, તેને સ્થાનિક ટીમ કેરળના કેમ્પમાં પણ સામેલ કરવામાં આવ્યો ન હતો. આ કારણે, વિજય હજારે ટ્રોફી માટે પણ તેની કેરળ ટીમમાં પસંદગી થઈ ન હતી. જોકે, સંજુને ઇંગ્લેન્ડ સામેની T20 શ્રેણી માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે.
હવે આ બધી બાબતો પર, સંજુના પિતા સેમસન વિશ્વનાથે એક મોટું ભાવનાત્મક નિવેદન આપ્યું છે. તેઓ એક સ્પોર્ટ્સ ચેનલ સાથે વાત કરતા કરતા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા હતા. સંજુના પિતાએ કહ્યું કે, તેમના પુત્ર વિરુદ્ધ કાવતરું ઘડી શકાય છે. તે કેરળ ક્રિકેટ એસોસિએશન (KCA)માં સુરક્ષિત નથી.
તાજેતરમાં, KCAના પ્રમુખ જયેશ જ્યોર્જે સેમસનની ટીકા કરી હતી અને કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ જ્યારે ઇચ્છે ત્યારે કેરળ માટે રમી શકતું નથી. હવે સેમસનના પિતાએ એસોસિએશન સામે સનસનાટીભર્યા આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યું, 'અમે ક્યારેય કેરળ ક્રિકેટ એસોસિએશન વિરુદ્ધ કંઈ કર્યું નથી.' તેમણે કહ્યું, તેમની સામે અમારા તરફથી કોઈ ભૂલ થઈ નથી. મેં અને મારા બાળકોએ તેમની વિરુદ્ધ એક પણ શબ્દ ઉચ્ચાર્યો નથી. ખબર નહીં કેમ, આ ફક્ત આજની જ વાત નથી, અમે છેલ્લા 10-12 વર્ષથી આ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ.'
'આ પાછળનું કારણ શું છે, આ કોણ કરી રહ્યું છે, અમને ખબર નથી. અમે આજે પણ સંગઠનને દોષ નથી આપી રહ્યા. તેમણે મારા બાળકોને ટેકો આપ્યો છે. સંજુનો મોટો ભાઈ પણ ક્રિકેટર હતો. મારા બંને બાળકોએ કેરળ માટે સારું પ્રદર્શન કર્યું. મોટા દીકરાએ પણ અંડર 19માં કેરળ માટે સારું પ્રદર્શન કર્યું. તેણે કેમ્પમાં પણ સારું પ્રદર્શન કર્યું, પરંતુ તેમ છતાં તેને ODI ટીમમાં પસંદ કરવામાં આવ્યો ન હતો. પછી અંડર-25 ટીમમાં પસંદગી થઈ. મારા દીકરાને ચાર મેચમાંથી બહાર કરવામાં આવ્યો. ત્યારે જ મને શંકા થવા લાગી.'
સંજુના પિતાએ કહ્યું, 'મોટા દીકરાને 5મી મેચમાં તક મળી. તે ઓપનર નહોતો, પણ પછી તેની પાસે ઓપનિંગ કરાવવામાં આવ્યું. સારું પ્રદર્શન પણ કર્યું. મેચ દરમિયાન પુત્ર ઘાયલ થયો, છતાં આ લોકોએ ક્યારેય તેનો ઉલ્લેખ કર્યો નહીં. તે વાતો ત્યાંથી અત્યાર સુધી ચાલુ છે. અમે ક્યારેય સંગઠન વિરુદ્ધ કંઈ કર્યું નથી. ભૂલ શું છે તે અમને કહો, જો અમે કોઈ ભૂલ કરી હોય, તો અમે માફી માંગીશું.'
'11 વર્ષ પહેલાં આ લોકોએ મને કહ્યું હતું કે, તેઓ સેમસનને કોઈ પણ મેચ જોવા આવવા દેશે નહીં. અમે તેને પ્રતિબંધિત કર્યો છે. આ લોકો એવી વાતો કરી રહ્યા હતા, જો મારા દીકરાએ કોઈ ભૂલ કરી હોય તો તેઓ મને ફોન કરત અને હું ત્યાં દોડી જાતે. હું હંમેશા મારા બાળકોની કારકિર્દી બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરું છું. હું કોઈ ની સાથે ખોટું કેમ કરું? હું રાજા મહારાજા જેવા લોકો સાથે કેમ બોલાચાલી કરું, મારા દીકરાનું કરિયર બરબાદ થઈ જશે.'
વિજય હજારે ટ્રોફી વિવાદ પર સંજુના પિતાએ કહ્યું, 'સત્તાવાર રીતે એસોસિએશને સંજુ સેમસનને કોઈ જવાબ આપ્યો નથી.' સંજુ કંઈ એમ જ ખેલાડી નહોતો બન્યો. મહેનત કરીને બન્યો છે. તેમણે પોતાનું આખું જીવન મેદાનમાં રમીને વિતાવ્યું. મને દોઢ મહિના પહેલા ખબર પડી કે, એસોસિએશનમાં સંજુ વિરુદ્ધ એક યોજના બનાવવામાં આવી રહી છે.'
તેમણે કહ્યું, 'તેમની સામે એવા કાર્યો કરવામાં આવ્યા કે તે સામેથી છોડીને ચાલ્યો જાય.' અમે તેમની સાથે બોલાચાલી ન કરી શકીએ. મેં નક્કી કરી લીધું છે કે મારો છોકરો અહીં સુરક્ષિત નથી. આ લોકો મારા દીકરા પર કોઈ પણ આરોપ લગાવશે અને લોકો પણ તેના પર વિશ્વાસ કરશે. હું ઈચ્છું છું કે જો કોઈ રાજ્ય સંજુને રમવા માટે કહે તો મારો દીકરો કેરળ માટે ક્રિકેટ રમવાનું બંધ કરી દે. મારો છોકરો અહીં સુરક્ષિત નથી.'
સંજુના પિતાએ કહ્યું, 'આ લોકો ગમે ત્યારે મારા દીકરા વિરુદ્ધ કાવતરું ઘડી શકે છે. મને આ બાબતમાં ડર લાગે છે. અમે ક્યારેય કોઈનું ખોટું કર્યું નથી. મારો દીકરો ક્યારેય મેદાનની બહાર ગયો નથી, તે ક્યારેય મેદાનની બહાર નીકળ્યો જ નથી. આ છોકરા સાથે આવું થઈ રહ્યું છે. હું તેમનાથી કંટાળી ગયો છું. હું મારા છોકરાઓને અહીંથી બહાર નીકાળી રહ્યો છું.'
તેમણે કહ્યું, 'હું વિનંતી કરું છું કે, જો કોઈ સંગઠન મારા છોકરાઓને તક આપશે, તો હું કેરળ છોડી દઈશ.' અહીં એક સંપૂર્ણ કરોળિયાનું જાળું ગોઠવાયું છે. મને ડર લાગે છે. આ લોકો મારા દીકરાને બદનામ કરી દેશે.'
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp